દરિયો-પ્રીતમ લખલાણી

૧.
નદીઓને એકમેક સાથે
ઝગડતી જોઈ,
દરિયો પથ્થરપર
માથું પછાડે છે !

૨.
ગુમ થઈ ગયેલી
નદીના વિરહમાં
દરિયો રેતીમાં
શંખલાં વીણ્યા કરે.
‘કોઈક હોડી
નદી મળ્યાના સુખદ
સમાચાર લાવે!’

૩.
કાંઠે રમતાં
બાળકો સાથે
ઘર ઘર રમવા
દરિયો
હડી કાઢતો આવે.

( પ્રીતમ લખલાણી )

પર્વત-પ્રીતમ લખલાણી

૧.
ટેલિફોન પર
ધૂંઆપૂંઆ થતા દરિયાને
પર્વતે કહ્યું :
‘જરા ધીરજ રાખ
તને મળવા
નદી
ક્યારની અહીંથી
નીકળી ગઈ છે !’

૨.
વાદળ
કોઈ દિવસ
નદીના
સુખદ વાવડ લઈને આવશે !
એ આશાએ
પર્વત
આભ સામે
આંખ સામે તાકીને બેસી રહે છે.

૩.
પલાંઠી વાળીને
બેઠેલ દેવતાઓને
પર્વતે કહ્યું :
‘ક્યારેક
હેઠા ઊતરીને જુઓ
તો ખબર પડે કે
માણસ ખીણમાં
જીવનહળ કેમ
હાંકે છે ?’

( પ્રીતમ લખલાણી )

ફૂટપાથ-પ્રીતમ લખલાણી

૧.
શિક્ષકે પૂછ્યું :
વિશ્વના નકશામાં
ભારત ક્યાં ?
વિદ્યાર્થીએ આંગળી
ચીંધી :
બારીમાંથી દેખાતા
ફૂટપાથ તરફ.

૨.
ઈતિહાસમાંથી ખોવાઈ
ગયેલ
બુદ્ધ, મહાવીર અને
ગાંધીનાં પગલાં
કદાચ ફૂટપાથે
સાચવી રાખ્યાં હશે !

૩.
‘વહ સુબહ કભી તો
આયેગી’નું
સ્વપ્ન જોતા ફૂટપાથ
પ્રતીક્ષામાં
રાત આખી જાગે !

૪.
સમજાતું નથી
કે ફૂટપાથ
નવરો છે
કે પછી વિદ્વાન ?
કોઈ પણ વિષયની ચર્ચા
કરવા
તે કોઈની પણ સંગે
તત્પર હોય છે !

( પ્રીતમ લખલાણી )

બગાવત-પ્રણવ ગોળવેલકર

એ‘નેવર હેટ યોર એનિમીઝ, ઇટ અફેક્ટસ યોર જજમેન્ટ’
– ધ ગોડ ફાધર

ક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી ચીરી નાખી અને ઘૂંટડો ભરીને એનું લોહી પીધું. આ એક વીરનું વેર હતું અને એક બાહુબલિનું તર્પણ હતું. ઇતિહાસ આ માણસને ભીમના નામે ઓળખે છે.

ગાંધીવાદી ગુજરાતમાં વેર અને ક્રૂરતાની વાત કરવી એ સ્કોટલેન્ડમાં જઈ શિવામ્બુની હિમાયત કરવા જેવું છે. અહિંસાને વીરત્વ સાથે જોડવાની મૂર્ખામી આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. માર ખાવામાં કઈ બહાદુરી છે એ મને આજ દિન સુધી સમજાયું નથી. ગાંધીજીએ એક લાફો મારનાર સામે બીજો ગાલ ધરવાની હિમાયત કરી અને હવે આખો દેશ દર વર્ષે બે વર્ષે પાકિસ્તાન સામે બીજો ગાલ ધરતો રહે છે. ક્યારેક મુંબઈ તો ક્યારેક પઠાણકોટ. પાકિસ્તાન તમાચા મારતું રહે છે અને ભારતીયો જોતા રહે છે.

વીરત્વ એ સર્વોપરિતાની સાધના છે. માને કેદમાં પૂરનાર મામાનો વધ કર્યા વગર એક ગોવાળિયો કૃષ્ણ બની શકતો નથી અને પુત્રની હત્યા કરનારની સાંજ પહેલાં હત્યા કરવી જ પડે એ અર્જુનનો આદર્શ છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ વીરત્વના શિખર છે. યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ અર્જુનને કર્તવ્ય યાદ કરાવે છે. અે કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, સ્વજનોને હણવાનું અને વેર લેવાનું. ગીતા એ યુદ્ધ ગ્રંથ છે ક્ષમા ગ્રંથ નથી.

વીરત્વ વગરનું પૌરુષત્વ કેવી રીતે હોઈ શકે? અને વેર અને ક્રૂરતા વગરનું વીરત્વ કેવી રીતે હોઈ શકે! પૌરુષત્વ એ બાયોલોજિકલ અવસ્થા નથી. અપમાનને રોજ યાદ કરવું અને બદલો લેવો એ પૌરુષત્વ છે. વેરના આનંદ જેવો અાનંદ બીજો એક પણ નથી. સ્ત્રીત્વ એ છે કે જે પૌરુષત્વને રસ્તો બતાવે છે. મુઘલોનાં કબજામાં રહેલો કિલ્લો અાંખમાં કણાની જેમ ખૂંચતો હોય એવી સ્ત્રી જ જીજાબાઈ હોઈ શકે ને એ દુર્ગમ કિલ્લો જીતવાનો નિર્ધાર કરનાર પુત્ર જ શિવાજી હોઈ શકે.

ઇતિહાસ શક્તિશાળીઓની દાસ્તાન છે. વીરત્વ એ મૂર્ખામી નથી, વીર એ છે કે જેને ખબર છે કે વેર ક્યારે અને કેવી રીતે લેવાય. બાણશૈયા પર પડેલા ભીષ્મ યુધિષ્ઠિરને પ્રતિશોધના નિયમો સમજાવતા કહે છે જે નદી પાર ન કરી શકો એને ઓળંગવાનું સાહસ ન કરો. એવા શત્રુ પર પ્રહારો ન કરો જેનું માથું કાપીને જમીન પર ફેંકી ન શકો. પછી ભીષ્મ કૂટનીતિનું રહસ્ય ખોલે છે, દુશ્મન પર પ્રહાર કરતા પહેલાં પણ મીઠું બોલવું અને ઘા મારી લીધા પછી પણ મીઠું જ બોલવું. વેરીનું માથું કાપી નાખીને એના માટે શોક વ્યક્ત કરવો અને રડવું. આ મહાભારત છે.

‘ગોડ ફાધર’માં મારીયો પુઝોએ એક અમર લાઇન લખી છે, ‘રિવેન્જ ઇઝ અ ડિશ ધેટ ટેસ્ટ્સ બેસ્ટ વ્હેન ઇટ ઇઝ કોલ્ડ’ વેર એ આખેટ છે, શિકાર છે. એ આંધળૂકિયાં નથી. એમાં લાગણીઓનાં વાવાઝોડાં નથી. એમાં છે કાતિલ ગણતરીઓની મોરચાબંધી. યોગ્ય સ્થળે, યોગ્ય સમયે જે ઘા મારે છે એ વીર છે. ઘોર અન્યાયમાંથી, ભયાનક અપમાનમાંથી વેર જન્મે છે અને એવું જ વેર માન્ય છે. અપમાન એ વ્યક્તિગત બાબત છે અને એનો ‘સંસ્થાકીય’ ઉકેલ કેવી રીતે હોઈ શકે?

મહાભારતમાં તો ક્યાંય એવું લખ્યું નથી કે દુ:શાસનને યુદ્ધકેદી ગણીને તેની સામે ખટલો ચલાવાયો હતો! અપમાન કરનારના આખા વંશની ઘોર ખોદી નાખવી પડે એવું શીખવનાર શિક્ષકો જ સાચું ઘડતર કરાવી શકે છે. વર્ષો અગાઉ આવો એક શિક્ષક ભારતવર્ષે જોયો હતો એ શિક્ષક, એ ચાણક્યના નીતિસૂત્રો આપણે વોટ્સએપ પર ફરતાં કરીએ છીએ, પણ એની કેળવણીને ભૂલી જઈએ છીએ. જ્યારે ધનનંદે એનું અપમાન કર્યું હતું ત્યારે એણે શિખા ખોલી નાખી હતી અને દ્રૌપદીએ દુ:શાસનના લોહીથી જ વાળ ઓળીશ એવું કહી વાળ ખુલ્લા રાખ્યા હતાં. પોનીટેઇલ બાંધતા યુવાનોની પ્રજાતિએ ઇતિહાસમાંથી વેરનું વિજ્ઞાન શીખવા જેવું છે.

આપણે ત્યાં સૌથી મોટું ડીંડવાણું ‘ક્ષમા’નું ચાલે છે. ક્ષમા કોણ આપી શકે છે? જે ‘મહાવીર’ હોય તે ક્ષમા આપી શકે. ‘મહાવીર’ હોવું એ વીરત્વની ઉપરની કક્ષા છે. એ કક્ષાએ પહેલાં પહોંચવું પડે પછી ક્ષમાની વાત કરી શકાય. આમ આદમી જ્યારે ક્ષમાની વાત કરે ત્યારે એ નિર્બળતાનું પ્રદર્શન કરે છે. ક્ષમા કાયમી ન હોઈ શકે. એની એક મર્યાદા હોય. શિશુપાલને નવ્વાણુ ગાળોની ક્ષમા હતી, પણ સોમી ગાળે એની સામે સુદર્શન હતું. ક્ષમા એ બ્લેન્ક ચેક નથી. એ ડેબિટ કાર્ડ છે, બેલેન્સ પૂરું થાય એટલે ખાતું બંધ કરી દેવાનું.

( પ્રણવ ગોળવેલકર )

પથ્થર-પ્રીતમ લખલાણી

૧.
હે પથ્થર,
જો તને હૃદય ન હોત તો !
શું રામ
ક્યારેય સીતાના હૃદય સુધી
પહોંચી શક્યા હોત ખરા !

૨.
જે પથ્થરો
ફૂલોનો બોજ ઉઠાવવા
સમર્થ બને છે !
શું
તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ?

૩.
પ્રત્યેક પથ્થરને
ઈશ્વર થવું હોય છે !
પણ
હથોડી ને ટાંકણું જોઈ
માર્ગની કોરે બેસી જાય છે !

૪.
એકલતાથી ઊછળતા
દરિયાને
સંગાથ દેવા જ
પથ્થરો
નદીને જન્મ આપે છે !

૫.
હે ઘર !
તારા પથ્થરોમાં હજી શું ખૂટે છે ?
કે
માનવી
દિન-રાત ચંદ્ર પર પથ્થર માટે
હડિયું કાઢે છે !

( પ્રીતમ લખલાણી )

સમય-અંકિત ત્રિવેદી

જિંદગી થોડાક પડછાયાઓ જેવી
ઊગતી તડકાની વચ્ચે
સાંજનો ભાર હળવો થાય એવી રાતમાં
સ્વપ્ન આંજી દોડતા રાખે દિવસભર
ઓનલાઈન વોટ્સઅપ હોઈએ
ત્યાં જ પકડાઈ જવાતું કોઈના મેસેજથી…
આવવો જોઈએ મેસેજ જેનો
એને કરવો પડતો સામેથી હંમેશાં
લાગણી ટચ સ્ક્રીન જેવી થઈ ગઈ છે
ખૂલવાનું હોય ત્યારે ના ખૂલે
ને ખૂલે તો ટેરવાને ન્યાલ કરતા સ્પર્શ જેવું
શ્વાસને ભેગા કરીને રોજ ગોઠવતો રહું છું
જોઈએ ત્યારે તરત મળશે જ એવું માનીને…
ખપ પૂરતી જીવવામાં
ચાના કપ પૂરતી થઈ છે જિંદગી…
ચૂસકી લઉં એ પહેલાં
હોઠને દાઝ્યા કરે છે…
ચાલ, પાછા તડકા વચ્ચે ઊગવાનો છે સમય…

( અંકિત ત્રિવેદી )

અંદર ને અંદર-પન્ના નાયક

અંદર ને અંદર આનંદ મને એટલો
કે બહાર એને કેમ કરી બતાવું ?
આનંદ એ દરિયાની માછલી નથી
કે જાળમાં ઝાલીને લઈ આવું.

ડાળીને પહેલી વાર ખીલે છે ફૂલ
એને ઝાડનો આનંદ કહેવાય કે નહીં ?
મૂળિયાંને કોણ જાણે શુંનું શું થતું હશે
આટલો આનંદ કદી જીરવાય કે નહીં ?
પંખી જો હોય તો પીંજરામાં લાવું
પણ ટહુકાને કેમ કરી ગાઉં ?

વાદળ તો જળ થઈ વરસી શકે
પણ આખા આકાશનું શું ?
હવા તો હરતી ને ફરતી રહે
પણ ઊછળતા શ્વાસનું શું ?
અંદર ને અંદર આનંદ મને કેટલો
કે બહાર એને કેમ કરી બતાવું ?

( પન્ના નાયક )

બહુ બીક લાગે છે-પરાજિત ડાભી

હવે આ માણસોની વાતની બહુ બીક લાગે છે.
મને મારી જ ખુદની જાતની બહુ બીક લાગે છે.

દિવસનાં સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત,
મને ઝળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે.

કરે છે કંટકો જે ઘાવ એ તો હોય છે સારા,
મને ફૂલો તણા આઘાતની બહુ બીક લાગે છે.

કરે ઘૃણા જગતનાં લોક તે હોતી નથી ઘાતક,
પરંતુ પ્રેમની સોગાતની બહુ બીક લાગે છે.

કદી દીવાસળીમાંથી જ દાવાનળ બની જાશે,
મને આ શબ્દની તાકાતની બહુ બીક લાગે છે.

( પરાજિત ડાભી )

અને-માધવ રામાનુજ

વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

અંતરમાં એકલતાનું રણ ધોમ ધખે છે ત્યારે,
પગરવને અંકૂરિત કરવા બીજ રોપશો ક્યારે ?
મૃગજળ સમા વિરહના દરિયા
ને સ્મરણોનું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું…

અમને અંતરિયાળ મળ્યું એ હતું કયું અજવાળું !
એક જ ઝબકારે અનંતને આરપાર હું ભાળું…
તોય નથી તલભાર પલળતું,
આંસુ ફોરું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

( માધવ રામાનુજ )

ફૂલના આંસુ-પન્ના નાયક

ભમરાએ
કદી, કોઈ દિવસ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય એવું
આજ લગી જાણ્યું નથી.
એ તો આવે ને જાય
ગીત એનાં જ ગાય
ને
જતાં જતાં
ડંખ એક મૂકી જાય.
માની લ્યો
કે
ક્યારેક, કદાચ
કોઈ ભમરાએ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય
તો
ભમરાઓની સભા ભરાય
ને
એમાં જાહેર થાય
કે આવું તે થાય ?
ચાલો,
આ ભમરાને
આપણી ન્યાતબહાર મૂકો,
કારણ કે
એણે ગુનો કર્યો છે
ફૂલનાં આંસુ લૂછવાનો…

( પન્ના નાયક )