ક્યાં છે તું-નીતા રામૈયા

ક્યાં છે તું
કહીને એ વળગ્યો

એનો શ્વાસ મારા ગાલે
એની આંગળી
એના હાથ
કશું જ નહીં સાંભળવાના
મિજાજમાં

એ મને આટલી હદનું ઝંખે
હું એને આટલું આટલું ઝંખું
જે કંઈ
તૂટ્યું-ફૂટ્યું
તેને સાંધી દેતું
સડ્યું-મર્યું
તેને વીસરાવી દેતું
આપણું સાંનિધ્ય

આ બધું
કેટલાય દિવસે પહેલી વાર
ધરતીકંપની તારાજી પછી.

( નીતા રામૈયા )

ખુલ્લો પડ્યો-આબિદ ભટ્ટ

ખીણની હર ધાર પર ખુલ્લો પડ્યો,
શબ્દના આચાર પર ખુલ્લો પડ્યો.

બે ચરણના બળ ઉપર મગરૂર પણ,
ગાઢ આ અંધાર પર ખુલ્લો પડ્યો.

દોર પણ ચાલી બતાવું નટ સમો,
લાગણીના તાર પર ખુલ્લો પડ્યો.

શીદને દોડી ગયો બારી તરફ ?
ઝાંઝરે રણકાર પર ખુલ્લો પડ્યો.

કોણ પામત ભીતરી તુફાનને ?
આપના ઉપકાર પર ખુલ્લો પડ્યો.

હું થવા બીજો સીકંદર નીકળ્યો,
શ્વાસના પડકાર પર ખુલ્લો પડ્યો !

( આબિદ ભટ્ટ )

સવાયો થૈ ગયો-અંજુમ ઉઝયાન્વી

સમજણ બધી ઠેબે ચડાવીને, સવાયો થૈ ગયો,
આજે નવી સૃષ્ટિ સજાવીને, સવાયો થૈ ગયો !

લોકો નદીની રેતમાં પણ ચાલતાં અચકાય છે,
આ છોકરો કુબા બનાવીને, સવાયો થૈ ગયો !

ટીકા કરે રાતરાણી પણ મારા સ્વભાવની,
તું ફૂલ અત્તર નિચોવીને, સવાયો થૈ ગયો !

શ્રીફળ વધેરી આંગણે, મેં આવકારી છે ગઝલ,
તું માનતા જેવું રખાવીને, સવાયો થૈ ગયો !

ખોબા ભરી પીધો અજંપો, મેં તારી જુદાઈનો,
બે-ચાર ગઝલો તું લખાવીને, સવાયો થૈ ગયો !

ભરતો રહે છે તું ખુમારી આસ્થાના વ્યસનમાં,
રબને કદી માથું નમાવીને, સવાયો થૈ ગયો !

તું કાં મને પજવે છે હજી, હવેલીના ખ્વાબથી ?
હું ઝૂંપડું આજે વસાવીને, સવાયો થૈ ગયો !

પીડા નગરની પુછવા આવી ગયો અંજુમ તું
જખ્મો બધાના તું મિટાવીને, સવાયો થૈ ગયો !

( અંજુમ ઉઝયાન્વી )

કોના વિનાની સાંજ-જિગર જોષી ‘પ્રેમ’

કોના વિનાની સાંજ સામે મળી કે અમે ભાંગીને થઈ ગયા ભુક્કો ?

રસ્તા પર આમ તેમ ઊગ્યા અગાઢ કોઈ ઝેરીલા ધુમ્મસના ગઢ
ડૂબ્યું વહાણ ક્યાંક એવું કે આજ લગ જડ્યું નહિ ક્યાંય એનું સઢ
જર્જર થયેલ સાવ જીવતરમાં તંબાકુ ઠાંસીને બેઠો હો હુક્કો

કોના વિનાની સાંજ સામે મળી કે અમે ભાંગીને થઈ ગયા ભુક્કો ?

કલરવતાં પંખીઓ ચીસ લઈ આવ્યાં ને આંગણાએ આપઘાત કીધો
ફળિયાની ધૂળ છેક આભ સુધી ગઈ અને નક્ષત્રે ખાલીપો પીધો
જીવન અંધારું છે, અંધારું તણખો છે, તણખાને ઝટ્ટ દઈ ફૂંકો

કોના વિનાની સાંજ સામે મળી કે અમે ભાંગીને થઈ ગયા ભુક્કો ?

( જિગર જોષી ‘પ્રેમ’ )

કૂંપળ ફૂટી છે-જિગર જોષી ‘પ્રેમ’

કૂંપળ ફૂટી છે એમ સોફા લગ છે’ક મને કહેવા આવે છે એક લ્હેરખી
કેવો આ વૈભવ કે સત્તરમા માળે પણ બારીથી ડોકાતી ડાળખી

બીજું કોણ શીખવે ? કે જીવન કેમ જીવવું ? કૂંપળ આ શીખવે છે રીત
રહેવાનું રોજ રોજ ભીંતોની વચ્ચે પણ આપણે નહિ થાવાનું ભીંત
ઊગવું ને પાંગરવું-પાંગરી ને ખરવાનું પાંદડાંએ લીધું છે પારખી

કૂંપળ ફૂટી છે એમ સોફા લગ છે’ક મને કહેવા આવે છે એક લ્હેરખી
કેવો આ વૈભવ કે સત્તરમા માળે પણ બારીથી ડોકાતી ડાળખી

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું પણ તોય અમે આંગણાને મરવા ના દીધું
પાનખર તો સત્તરમે માળે પણ પહોંચી-પાન છતાં ખરવા ના દીધું
ખુશ્બૂને Exterior milestone આપે છે બાલ્કની નામે આ પાલખી

( જિગર જોષી ‘પ્રેમ’ )

ફ્લેટ જેવું જીવવાનું-જિગર જોષી ‘પ્રેમ’

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

ભીંતો પર વૃક્ષોના કેન્વાસ ટાંગીને જીવે છે આખી જનરેશન
‘આંગણું’તો કોર્સ બહાર ફેંકી દીધું છે હવે પંખીને પણ છે વેકેશન
ઢોળાયું કંઈ જ નહીં – ભીંજાયું કોઈ જ નહીં – એવા તે કેવા છલકાયા ?

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

ફુરસત મળે તો કદી જાતને એ પૂછો કે જીવ્યા ? કે લીધા બસ શ્વાસ ?
અંદરનો માસ્તર જો સાચો હશે તો એ તુર્ત જ કહી દેશે : ના… પા… સ…
આવવાનો મારગ તો સીધો છે સાવ તમે આવ્યા કેમ તો’ય વાયા ? વાયા ?

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

( જિગર જોષી ‘પ્રેમ’ )

પ્રગટશે-જિગર જોષી ‘પ્રેમ’

પ્રથમ દિવ્યતેજોમયી પથ પ્રગટશે
પછી સારથિ ને પછી રથ પ્રગટશે

પછી તો આ બ્રહ્માંડ રજ થઈ જવાનું
વિરાટ એક એવો પદારથ પ્રગટશે

આ સર્જાયું છે એ તો બિંદુ છે કેવળ
પ્રગટશે, પ્રગટશે, હજુ મથ, પ્રગટશે.

કોઈ રાસલીલામાં ગોપીના વૈભવ,
સમું કૃષ્ણનામેરી એક નથ પ્રગટશે

રહસ્યો પછી જીરવી નહિ શકાશે
પરિપૂર્ણતાનું જો એ કથ પ્રગટશે

આ મૃત્યુ તો જાહોજલાલીનો અવસર
છડેચોક આહા ! ભરી બથ પ્રગટશે

( જિગર જોષી ‘પ્રેમ’ )

આહા !-જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક ? ચડ્યું તાન…? આહા !
ભુવન આખું જાણે કે લોબાન… આહા !

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા !
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા !

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા !
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા !

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા !

કોઈ પારકું થઈ – જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા !

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા !

‘ફૂલોએ કદી પણ ન મૂરઝાવું ક્યાંયે,’
કર્યું રાજવીએ આ ફરમાન… આહા !

નદી એક પછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા !

( જિગર જોષી ‘પ્રેમ’ )

ઓગળી જાય-દિવ્યા મોદી

હું ચાહું કે મારો અહમ ઓગળી જાય,
પછી જ્ઞાનગંગામાં જઈને ભળી જાય.

તમારી જ વાતોને ચાખી રહી છું,
ગઝલ નામનું ફળ રખેને મળી જાય.

જગતને તો પહેલેથી એ ટેવ છે કે,
તમારી કથામાં મને સાંકળી જાય.

આ વાતાવરણમાં તમે જો મળો તો,
મુલાકાતનાં સૌ બહાના ફળી જાય.

નજર જ્યાં નજર સંગ વાતો કરે તો,
દહેશત રહે કે, નગર સાંભળી જાય.

ઘણાં માર્ગ ને મંઝીલો છે, છતાંયે,
તમારી તરફ આ ચરણ પણ વળી જાય.

અહીં શબ્દનું ઘર તો ઊઘડી ગયું છે,
વિચારોના દરિયા ભલે ખળભળી જાય.

( દિવ્યા મોદી )

લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

મેળ પડે તો કાગળ લખજો
મેળા જેવો ઝળહળ લખજો

સારું સારું આગળ લખજો
વાંધાવચકા પાછળ લખજો

ઝરણાં જેવો ખળખળ લખજો
અટકો ત્યાંથી અટકળ લખજો

ચોમાસું જો ફાવે તમને
વરસે એવાં વાદળ લખજો

ફૂલ ભલે ઘૂંટીને લખતા
હળવે હાથે ઝાકળ લખજો

પરબીડિયામાં બંધ કરીને
ચોંટાડો ત્યાં કાજળ લખજો.

( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )