Author Archives: Heena Parekh

હવે…-જગદીશ ગૂર્જર

ભેજ નજરોનો બધો ઓગાળશે હવે,
છીછરા જળમાં જ એ ડુબાડશે હવે.

એ વિડમ્બના પરાકાષ્ઠા થઈ જશે,
સર્વ સ્થાપિત સત્યને ઊથલાવશે હવે.

આભને આશ્લેષમાં લઈ નીતરી જશે,
ચંદ્રની ભીની નજરથી ઠારશે હવે.

રેતના દરિયામાં તરવાનું મને કહી,
આકરા ઉન્માદમાં સપડાવશે હવે.

હણહણી ઊઠે સમય સઘળા પ્રહાર વિશે,
રક્તમાં તોખારને અવતારશે હવે.

( જગદીશ ગૂર્જર )

કાંકરીચાળો-તુરાબ હમદમ

એક ચકલીએ અહીં માળો કર્યો,
ને જીવનનો અર્થ હુંફાળો કર્યો.

બાદબાકી તો બધાની થાય છે,
એમ સમજીને મેં સરવાળો કર્યો.

તાજગીનો થઈ ગયો દુષ્કાળ તો,
ફૂલ પાસેથી અમે ફાળો કર્યો.

લાગણીનું ઘર પડી પાદર થયું,
આમ કોણે કાંકરીચાળો કર્યો.

મન જરા મેલું થયું હમદમ અને,
આપણા આ હાથને કાળો કર્યો.

( તુરાબ હમદમ )

હવે-સોનલ પરીખ

હોય,
ઘણું બધું
અધૂરું પણ હોય-
પણ એનું અધૂરાપણું ન હોય
એ અવસ્થાએ
હવે ઊભા રહેવું છે મારે.

નથી રાખવી
કશું પૂરતું કે અપૂરતું
તે નક્કી કરવાની ઉપાધિ,
નથી મારવા
સ્વીકાર કે અસ્વીકારના થપ્પા
નથી જોઈતી હવે
ઈચ્છાઓની, અપેક્ષાઓની કેદ.

જોઈએ-ન જોઈએ ના
યુદ્ધમાંથી મુક્ત
રહું હું
લિપ્ત છતાંય અલિપ્ત
લીન છતાંય લુપ્ત.

જિંદગી,
આને શું કહેવાય-
તારા પરનો પ્રેમ ?

તે પણ
તું જ નક્કી કર હવે.

( સોનલ પરીખ )

આજની રાત-રાકેશ હાંસલિયા

શહેરની
શેરીમાં વસતા
શ્વાનો !
રાત્રિરુદન તમારું
બંધ રાખજો
આજની રાત…
કે
થાકી-પાકી
ફૂટપાથના પાથરણે,
આકાશ ઓઢી,
ઊંઘી રહેલા
‘બે-ઘર’ લોકોનું
ઘર વિશેનું
સ્વપ્ન
ક્યાંક
તૂટી ન જાય
આજની રાત…!

( રાકેશ હાંસલિયા )

મીરાંબાઈ-મહેશ શાહ

તંબૂર લઈને મીરાં નીકળી
શ્યામ તમારી રાહે,
લોક ભલેને કહે બ્હાવરી
મીરાંને મન ચાહે.

મુખમાં નામ સદાય સાંવરો,
તનના તાર સજાવે,
કંઠે લાવે હૃદય કૃષ્ણ ને
સુપણે રોજ બોલાવે,
ઓઢી શ્યામ મલીર નીકળી
શ્યામ તમારી રાહે.

બને આંખનો વિષય સાંવરો
મંદ મંદ મુસકાયે
તિરછી ચિતવન મોરમુગટ ને
બંસી અધર બજાવે,
તજી સાર-સંસાર નીકળી
શ્યામ તમારી રાહે.

ઊંટ-સવારી જેવો હાલમડોલ
છે આ સંસાર,
કરે પ્રાણ પ્રિય સાંવરિયો
મુજ વિનતિનો સ્વીકાર
મીરાં એ જ આધાર નીકળી
શ્યામ તમારી રાહે.

( મહેશ શાહ )

ગણીને એકેએક-દિવ્યા સોની “દિવ્યતા”

ગણીને એકેએક સપનાઓ, એ સાત ચૂમે,
શબ્દ જ્યારથી મળ્યો છે, ઈચ્છાઓ આભ ચૂમે !

નહીં જ લખું, ના નહિ હું તારી મારી વાતો;
બસ મારુ રૂદિયું જ, એ મીઠો સંવાદ ચૂમે !

ભરપૂર ચોમાસે જે રહી જાય છે કોરાકટ્ટ,
એમનેય નેહ નીતરતી આંખોનો વરસાદ ચૂમે !

જેણે હિંમત રાખી, છે હજારો હાર માપી,
અંતે અવશ્ય એ, જીતનો રસાસ્વાદ ચૂમે !

બાહ્ય દુનિયા સાથે, સાંકળી મનની વાત,
મારી ગઝલો આનંદનો આહલાદ ચૂમે !

ગળે લગાવું છું દરેક પીડા એવી જ રીતે,
જેમ શ્રી નરસિંહની કૃપા, પ્રહલાદ ચૂમે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

મીરાંબાઈ-મહેશ શાહ

સુપણે આવે રે
એને હૈયે વરતે સાંવરાની આણ
એને સુપણે આવે ને કરે દર્શનની લ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

ગઢના આ કાંગરાનો ભો નથી બાઈને
મથરાવટી મેલી કરી એણે તો ચ્હાઈને
એને બાકી સંસાર ઝાડી-ઝાંખરા ને પ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

તડકો ને ટાઢ એને સુખદુ:ખની ક્યાં પડી ?
સાંવરાના સંગની શું જણસ કાંઈ સાંપડી !
એને ભગવા તે રંગની પિછાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

નીંદ ને ઉજાગરાને બેઉ બાજુ ઘેરતું
શૂળ એક મીઠું એના હૈયાને હેરતું
એના દર્દને જાણે તો કોઈ જાણે સુજાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

( મહેશ શાહ )

આવ ડૂબીએ-જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ.

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ના તો છીપલા કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ.

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

( જગદીપ ઉપાધ્યાય )

હરપળ-દિવ્યા રાજેશ મોદી

હું તને માંગતી રહી હરપળ,
વાંચ મારી નજરમાં તું કાગળ !

પ્રેમની જોઈ લો પરાકાષ્ઠા;
આંખ ભીની હતી, હૃદય વિહ્વળ !

કેટલા સ્વપ્ન રાતને ચૂભ્યાં ?
એ જણાવે પથારી પરનાં સળ !

જિંદગીભર મને રહી અવઢવ,
નામ તારું પ્રણય હતું કે છળ ?

સાથ થોડા સમયનો નિર્મિત છે,
તે છતાં ફૂલને ગમે ઝાકળ !

હું નદી તો બની શકું કિન્તુ;
બંધ કોઈ નથી, નથી ખળખળ !

દ્વાર હૈયાના બંધ છે તો યે,
ખટખટાવે છે કોણ આ સાંકળ ?

( દિવ્યા રાજેશ મોદી )

જાગે છે-હનીફ સાહિલ

જ્યાં સુધી જાય નજર જાગે છે,
એમ આ અશ્રુસભર જાગે છે.

પાંપણો પર સજાવી શમણાંને,
એ હરેક પળ ને પ્રહર જાગે છે.

આજ કંઈ એનું સ્મરણ છે ઓછું,
દર્દની ધીમી અસર જાગે છે.

શાશ્વત એ તરસ બુઝી જાશે,
આ અધર પર એ અધર જાગે છે.

દોડતું, હાંફતું ને અથડાતું,
આ અજંપાનું નગર જાગે છે.

જ્યાં સુધી ફરશે મણકાં માળાના,
ત્યાં સુધી એની જિકર જાગે છે.

લે કલમ હાથમાં હનીફ હવે,
શે’ર કહેવાનો હૂનર જાગે છે.

( હનીફ સાહિલ )