Author Archives: Heena Parekh

છૂટી ગયું-સુભાષ પંચોલી ‘અક્ષર’

આખરી આ શ્વાસનું બંધન હતું, છૂટી ગયું,
આ જગતની સાથનું અંજળ હતું, છૂટી ગયું.

વેંત જેવું હું નમ્યો તો હાથ જેવું એ નમ્યો,
ઓગળ્યો દિલનો અહમ અંતર હતું છૂટી ગયું.

જ્યારથી પરચો થયો છે પ્રેમની તાકાતનો,
લોહી તરસ્યું હાથમાં ખંજર હતું છૂટી ગયું.

કર્મ એનું એ જ કર્તા, જ્ઞાન એ લાધ્યા પછી,
પુણ્ય શું ને પાપ શું ? મંથન હતું છૂટી ગયું.

સાવ ક્ષુલ્લક મોહમાં પરવશ રહ્યો ‘અક્ષર’ સદા,
માણવા સુંદર જગત, અંબર હતું છૂટી ગયું.

( સુભાષ પંચોલી ‘અક્ષર’ )

સ્વંયની શોધ આદરજે-હાર્દિક વ્યાસ

ઉદાસી આંગણે આવી સ્વંયની શોધ આદરજે,
ઝરણને સહેજ છલકાવી સ્વંયની શોધ આદરજે.

પરિચિત જળ મળ્યું છે તો ડુબાવી દે અધૂરપને,
પ્રવાહો છેક પલટાવી સ્વંયની શોધ આદરજે.

ગગનમાં કો’ક દિન તું નીરખી લે ધ્રુવ તારકને,
પછી સંકલ્પ સરખાવી સ્વંયની શોધ આદરજે.

મળ્યો છે વારસો તો બંધ હોઠોનો જ જન્મોથી,
છતાં અહાલેક સંભળાવી સ્વંયની શોધ આદરજે.

ગતિની તાજગી સાથે મળે સંતોષ વાયુને,
ધજાને એમ ફરકાવી સ્વંયની શોધ આદરજે.

નહીં તો તૃપ્ત મૂળિયાંઓ ભૂલી જાણે ઉગમબિંદુ,
તૃષાનું બીજ ફણગાવી સ્વંયની શોધ આદરજે.

જુદા છે અર્થસંદર્ભો બધી સંઘર્ષગાથાના-
હૃદય, મસ્તકને સમજાવી સ્વંયની શોધ આદરજે.

( હાર્દિક વ્યાસ )

અનાહતા-ઉર્વશી પંડ્યા

અંધારી અજવાળી ક્ષણો ભીતર
સહસા છાતી ફાડી તરી આવતું વિસ્મૃત નગર,
ગોરાળુ જમીનના થર છેદી ફૂટી નીકળતાં બીજાંકુરો
જૂનાં-નવાં રૂપ એકાકાર.
પ્રલયપૂરમાં લીન થતી સૃષ્ટિ.
મારી ત્વચા, માંસ-મજ્જા, શિરા-ધમની, રુધિર
રસબસ અંધારી-અજવાળી ક્ષણો ભીતર.
ગોરજ ટાણું, ધૂંધળી સાંજ
દિશાઓથી સૂસવતા પોકાર
પોકાર જળ, અગન, માટી આભ ને વાયરાના
ગંધ, સ્પર્શ, સ્વાદ, શ્વાસ ને રવના
અંધાર ઉજાશ ને ઉગમણા-આથમણાના-
રસબસ અંધારી અજવાળી ક્ષણો ભીતર.
માટીની માયા ધાનભરી ભોંયના શ્વાસ હેવાયા.
શિયાળુ સવારનાં હૂંફાળાં ચોસલાં
તાજાં લણેલાં ધાનની ગંધ
અંધારી અજવાળી ક્ષણોમાં પ્રવેશું વિસ્મૃત નગર ભીતર
ન સ્વપ્ન, ન સમજણ, ન કોઈ બોધ.
બહાર નક્ષત્રોભર્યું આકાશ, સઘળે તું વ્યાપ્ત
અવાજ જેવી
સુવાસ જેવી
હૂંફ જેવી
પ્રેમ જેવી ને
ક્યારેક મેં અતિશે ચાહેલા એકાંત જેવી.

( ઉર્વશી પંડ્યા )

અવકાશમાં-હર્ષદ ચંદારાણા

ઊગી હતી એક વાર અવકાશમાં,
ના આથમી એ સવાર, અવકાશમાં.

વાતાવરણ રંગ-ઢંગ બદલે ભલે,
ના તેજ, ના અંધકાર, અવકાશમાં.

વાદ્યો બધાં મૂક, મૂક વાચા કરી,
મનના બચાવ્યા વિચાર અવકાશમાં.

છે ખાલીખમ પણ વિશાળ સૌથી વધુ,
સાથે કરીએ વિહાર અવકાશમાં.

અંજળ હશે તો મળીશું, કોઈ ખૂણે,
પાંખો ફરીથી પસાર અવકાશમાં.

અસ્તિત્વનો સૂનકાર બ્રહ્માંડમાં-
તો ક્યાં ગયો ઓમકાર અવકાશમાં ?

અંતે મને એક યાન, સમજી-ગણી,
લેતો જજે આરપાર અવકાશમાં.

( હર્ષદ ચંદારાણા )

ફાગણને વાયરે-ઈશ્વરચંદ્ર ભટ્ટ

ફાગણને વાયરે છકેલું કે મન મારું ઘેલું ઘેલું,
સોણાના સાગરિયે શેલું કે મન મારું ઘેલું ઘેલું.

પહેલી અજાણ કોઈ કુંપળ પે હેતથી
અંતરની હેલ હું રેલું કે….

શિશિરને વાયરે થીજેલી વૈખરીને
રૂમઝુમતી સૂરમાં હું મેલું કે…

વાસંતી લ્હેરખીમાં મનના મુકુલ ખીલે
સુરભિના છંદમાં છકેલું કે….

સદુરે એકાંત કોઈ અજાણી ભોમમાં
તરવરિયા તાલમાં ચગેલું કે…

મન તારું શાને ઘેલું ?

( ઈશ્વરચંદ્ર ભટ્ટ )

ન આવે-ગૌરાંગ ઠાકર

માગું છું દુઆ કોઈથી વિખવાદ ન આવે,
સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે.

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે ?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.

એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે,
બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે.

વરદાન હવે એક મને એવું મળે બસ,
આબાદ કે બરબાદ છું એ યાદ ન આવે.

શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ ન આવે.

ક્યારેય ખરીદી ન શક્યું કોઈ મરીઝાઈ,
નહિતર તો મરીઝ કોઈ બીજો એકાદ ન આવે ?

( ગૌરાંગ ઠાકર )

છાયો ગુલાલ-ઈશ્વરચંદ્ર ભટ્ટ

એના અંતરમાં છાયો ગુલાલ લાલ,
સપનાંની ભોમકાની લ્હેકે મદમાતી ચાલ-

પીળાં કદંબ કરે, કેશુડાં કાન પરે,
ચંપા દેહ પરે, વાસંતી ફાગ ઢળે;
આતમનો રાગ ઝરે હોઠે પ્રવાલ લાલ-

અળતે સુહાય કાય, મેંદીએ પાય સજે,
કાજળને નેણ ધરી તિલકે સુહાગ ભજે;
પળભરા તો કહાન તારાં નેણાં બનશે નિહાલ-

વેણુના સૂર મહીં ઈરખા ઉન્માદ શમે,
લોલ અને નેણપટલ લાખેણી લાજ રમે;
નિરખીને શ્યામ કાય ઠમકે મનનો મરાલ-

( ઈશ્વરચંદ્ર ભટ્ટ )

बोलो कब प्रतिकार करोगे-प्रसून जोशी

बोलो कब प्रतिकार करोगे
पूछ रहा अस्तित्व तुम्हारा
कब तक ऐसे वार सहोगे
बोलो कब प्रतिकार करोगे

अग्नि वृद्व होती जाती है
यौवन निर्झर छूट रहा है
प्रत्यंचा भर्रायी सी है
धनुष तुम्हारा टूट रहा है
कब तुम सच स्वीकार करोगे
बोलो कब प्रतिकार करोगे

कंपन है वीणा के स्वर में
याचक सारे छन्द हो रहे
रीढ गर्व खोती जाती है
निर्णय सारे मंद हो रहे
क्या अब हाहाकार करोगे
बोलो कब प्रतिकार करोगे

निमिर लिए रथ निकल पडा है
संसारी आक्रोश हो रहा
झूकता है संकल्प तुम्हारा
श्वेत धवल वह रोष खो रहा
कैसे सागर पार करोगे
बोलो कब प्रतिकार करोगे

कब तक रक्त मौन बैठेगा
सत्य कलश छलकाना होगा
स्वप्न बीज भी सुप्त हो रहा
धरा स्नान करना होगा
किस दिन तुम संहार करोगे
बोलो कब प्रतिकार करोगे
बोलो कब प्रतिकार करोगे

( प्रसून जोशी )

તું હૃદયે વસનારી-સુન્દરમ

તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી..તું હૃદયે…

તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી..તું હૃદયે…

તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો દ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા..તું હૃદયે…

તું જીવનની જન્મ-ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા..તું હૃદયે…

તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં-જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી..તું હૃદયે…

તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ..તું હૃદયે…

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ હો, હે હરિની રસધારા..તું હૃદયે…

( સુન્દરમ )

वे भी होती हैं कविताएँ-पूर्णिमा वर्मन

वे भी होती हैं कविताएँ
जो कहीं छपती नहीं
जिन्हें कोई नहीं पढ़ता

मोरपंख के साथ सोती हुई नोटबुक में
कभी कभी झाँकती हैं
पन्ने खुलने पर
घुल जाती हैं
मन की संवेदनाओं में गहरे

वे जीने की
वजह बनती हैं
संतोष के छप्पर रखते हुए हौले
वे रचनाकार को
मिट्टी होने से बचाती हैं
डायरी के आँगन में, पन्नों के चाक पर
उसकी मिट्टी को आकार देते हुए

( पूर्णिमा वर्मन )