કન્સ્ટ્રકશન – ધીરુ મોદી

જ્યાં લીલાંછમ જંગલ લહેરાતાં હતાં

ત્યાં માણસે

સાફસૂફ કરીને ખેતર કર્યા

અનાજપાણી રોપ્યાં.

.

જ્યાં હરિયાળાં ખેતર લહેરાતાં હતાં

ત્યાં માણસે

ધરમૂળથી સાફ કરીને ઘર બાંધ્યાં.

.

સરવાળે એવું થયું કે

માણસ પોતે

મૂળમાંથી કશુંક રોપવાનું ભૂલી ગયો

બાંધવાનું શીખ્યો.

.

માણસ હવે

પ્રણાલીની મજબૂત પ્લીંથમાં

ઊગતાં બાળકોને બાંધે છે.

.

( ધીરુ મોદી )

એન્ટ્રી અને એક્ઝિટની પાર – સુરેશ દલાલ

પ્રત્યેક નાટકને

એનો પ્રારંભ હોય છે

હોય છે મધ્યાંતર :

હોય છે એનો અંત.

ફરી ફરીને

સ્મરણની રંગભૂમિ પર

એકનાં એક દ્રશ્યો

ભજવવાનો થાક લાગે છે

.

હું મારી જાતને

કેન્દ્રમાંથી ખેસવી લઉં છું

અને જેમ એક વાર

એન્ટ્રી કરી હતી

એમ એક્ઝિટ કરીને

પ્રેક્ષાગૃહમાં ગોઠવાઈ જાઉં છું.

અને જોઉં છું

તો દેખાય છે :

તમાશો

કૃત્રિમ વૈભવની ભવાઈ,

ટ્રેજેડી, કોમેડી, ફારસ..

.

ડાળી પર ઝૂલતા

એક ફૂલનું જીવન હોય છે

અને જીવન હોય છે

ફ્લાવરવાઝમાં ગોઠવાયેલ ફૂલનું પણ

ફ્લાવરવાઝ તોડીને

બહાર આવેલા ફૂલને

હવે કાંટાઓની વચ્ચે

ગોઠવવાનું

રિહર્સલ કરવાનું

માંડી વાળજો.

.

( સુરેશ દલાલ )

યુનો, ન્યૂયોર્ક, તમે, અને…

.

૧

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક ઉંદરની હત્યા કરતાં

પકડાઈ જાઓ તો

તમને જેલમાં જવું પડે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે ૧૦,૦૦,૦૦૦ કે

૨૦,૦૦,૦૦૦ મનુષ્યો

(જી હા, ખરેખર મનુષ્યો)ની

કત્લેઆમમાં સંડોવાયેલા હો તો

તમારે

ફાઈવસ્ટાર હોટેલના કોન્ફરન્સ

હોલમાં

યુદ્ધવિરામ અને શાંતિ માટેની

વાટાઘાટોમાં ભાગ લેવો પડે.

.

૨

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક મરેલી મરઘી

ઉકરડે નાખતાં પકડાઈ જાઓ તો

તમને હાથકડી પહેરાવવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

હજારો બાળકોના લોહીથી

તમારા હાથ ખરડયેલા હોય તો

તમને સ્વચ્છ નેપકિન

આપવામાં આવે.

.

૩

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે તમારા જ મૂત્રનો

નિકાલ કરતા ઝડપાઈ જાઓ તો

તમને પચાસ ડોલરનો

દંડ કરવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે લાખ્ખો નિર્દોષોના

લોહીની નદીઓ વહાવો તો

તેમાં શાંતિના ઠરાવના

કાગળની હોડીઓ

તરાવવામાં આવે.

.

( આદિલ મન્સૂરી )

આંગળી અડાડો – કિશોર શાહ

આંગળી અડાડો તો તળિયું આવે

એવા સાગર મારે તાગવા નથી

વારે વારે ફૂંફાડો માર્યા કરે

એવા કાળી નાગ મારે નાથવા નથી

.

બોલકી દીવાદાંડી બોલી ગઈ શું

કે સૂરજ પણ ભરદરિયે ડૂબી ગયો.

કોણ જાણે કેમ આજે ઊંડા આકાશમાં

કાદવિયો અંધકાર ઊગી ગયો.

ઝાંઝવાને જોઈને હરખી ઊઠે

અને જળને જોઈને સહેજ મરકે પણ નહીં

એવાં હરણાં મારે પાળવાં નથી.

.

મીણના આ માણસો ફીણફીણ થઈ ગયા

અને પૂતળાંઓ થઈ ગયા અવાક

ઊંચેરા પહાડને તો આઘે ઠેલે

અને ચપ્પટ મેદાનોનો થાક

કાખગોડી લઈને ચાલતા આ પાંગળાઓ :

મારે આંધળાને મેઘધનુષ આપવાં નથી

.

( કિશોર શાહ )

ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’

ફરી એ જ વર્તુળ મહીં વ્યાસ નાખ્યો,

પુનર્જન્મનો એક ઈતિહાસ નાખ્યો.

.

અમે મન ઉપર એક અધ્યાસ નાખ્યો,

કૂંડાળું કરીને વધુ ત્રાસ નાખ્યો !

.

અડાબીડ અંધાર – અજવાસ નાખ્યો,

અને આંખમાં તોય આભાસ નાખ્યો.

.

અમે પિંજરાને સ્વીકારી લીધું, તો-

તમે પિંજરામાં સતત શ્વાસ નાખ્યો.

.

એને પૂગવાની શરતમાં જ ઊગ્યાં,

એના ચાસ પાસે અમે ચાસ નાખ્યો.

.

( ભરત ભટ્ટ ‘તરલ’ )

અમીર જેમ – કૈલાસ પંડિત

ઊઘડે છે મોડી રાતના આંખો બે પીર જેમ,

મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ.

.

સાંજે મળીને થાઉં છું હુંયે ભર્યોભર્યો,

તુંય હસે છે ફૂલમાં વ્હેતા સમીર જેમ.

.

આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,

નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.

.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,

સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.

.

ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,

ખાલી છે બેઉ હાથ ને જીવ્યા અમીર જેમ.

.

( કૈલાસ પંડિત )

સહેલું નથી – સુરેશ દલાલ

મારું વચન આ પહેલું નથી કે છેલ્લું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી

.

માણસ થવું એટલે ભૂલતા જવું

પળપળમાં કમળ જેમ ખૂલતા જવું

આભ જેવું આભ ક્યાંય મેલું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી.

.

પારકાની ચિંતા ને પોતાની વાત નહીં

એના જેવા કોઈ દિવસ કે રાત નહીં

આપણું નસીબ એ કાંઈ એકલું નથી

માણસ થવું એ કંઈ સહેલું નથી

.

( સુરેશ દલાલ )

દડો – કિશોર શાહ

નીચે મેદાનમાં છોકરાઓ

ક્રિકેટ રમે છે.

હું પાંચમે માળેથી

તેમને જોઈ રહું છું

જોરથી ફટકો વાગતાં

દડો દૂર ઘાસમાં જઈ અટકે છે

એક છોકરો

ઘાસમાં દડો શોધવા ફાંફા મારે છે

દડો નજીક છે

છતાં તેને નજરે નથી પડતો

હું મારા મન જોડે વાત કરું છું

કે

આ વિશ્વમાં

હું ખોવાયેલો દડો છું

કે

દડાને શોધી રહેલો છોકરો ?

.

( કિશોર શાહ )

कुछ भी नहीं

जिन्दगी आप की कुर्बत के सिवा कुछ भी नहीं

मौत क्या है ? गमे-फुर्कत के सिवा कुछ भी नहीं

.

वो हकीकत है उन्हें ख्वाब में भी देखते है

यानी हर ख्वाब हकीकत के सिवा कुछ भी नहीं

.

आप की याद है सहरा में गुलिस्ताँ की तरह

आप का जल्व: कयामत के सिवा कुछ भी नहीं

.

बेकरारी को करार आता है रफ्ता रफ्ता

गम भी ईंसान की आदत के सिवा कुछ भी नहीं

.

जख्म है ख्बाब है, यादें है परेशानी है

’नग्मा’ ये ईश्क मुसीबत के सिवा कुछ भी नहीं

.

( रुपा ‘नग्मा’ )

[ कुर्बत=सामीप्य, गमे-फुर्कत=जुदाई का दु:ख, सहरा=मरुभूमि, गुलिस्ताँ=पुष्पोद्यान, कयामत=प्रलय, रफ्ता रफ्ता=धीरे धीरे ]