ફ્લેટ જેવું જીવવાનું-જિગર જોષી ‘પ્રેમ’

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

ભીંતો પર વૃક્ષોના કેન્વાસ ટાંગીને જીવે છે આખી જનરેશન
‘આંગણું’તો કોર્સ બહાર ફેંકી દીધું છે હવે પંખીને પણ છે વેકેશન
ઢોળાયું કંઈ જ નહીં – ભીંજાયું કોઈ જ નહીં – એવા તે કેવા છલકાયા ?

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

ફુરસત મળે તો કદી જાતને એ પૂછો કે જીવ્યા ? કે લીધા બસ શ્વાસ ?
અંદરનો માસ્તર જો સાચો હશે તો એ તુર્ત જ કહી દેશે : ના… પા… સ…
આવવાનો મારગ તો સીધો છે સાવ તમે આવ્યા કેમ તો’ય વાયા ? વાયા ?

ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા
દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા

( જિગર જોષી ‘પ્રેમ’ )

પ્રગટશે-જિગર જોષી ‘પ્રેમ’

પ્રથમ દિવ્યતેજોમયી પથ પ્રગટશે
પછી સારથિ ને પછી રથ પ્રગટશે

પછી તો આ બ્રહ્માંડ રજ થઈ જવાનું
વિરાટ એક એવો પદારથ પ્રગટશે

આ સર્જાયું છે એ તો બિંદુ છે કેવળ
પ્રગટશે, પ્રગટશે, હજુ મથ, પ્રગટશે.

કોઈ રાસલીલામાં ગોપીના વૈભવ,
સમું કૃષ્ણનામેરી એક નથ પ્રગટશે

રહસ્યો પછી જીરવી નહિ શકાશે
પરિપૂર્ણતાનું જો એ કથ પ્રગટશે

આ મૃત્યુ તો જાહોજલાલીનો અવસર
છડેચોક આહા ! ભરી બથ પ્રગટશે

( જિગર જોષી ‘પ્રેમ’ )

આહા !-જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક ? ચડ્યું તાન…? આહા !
ભુવન આખું જાણે કે લોબાન… આહા !

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા !
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા !

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા !
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા !

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા !

કોઈ પારકું થઈ – જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા !

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા !

‘ફૂલોએ કદી પણ ન મૂરઝાવું ક્યાંયે,’
કર્યું રાજવીએ આ ફરમાન… આહા !

નદી એક પછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા !

( જિગર જોષી ‘પ્રેમ’ )

ઓગળી જાય-દિવ્યા મોદી

હું ચાહું કે મારો અહમ ઓગળી જાય,
પછી જ્ઞાનગંગામાં જઈને ભળી જાય.

તમારી જ વાતોને ચાખી રહી છું,
ગઝલ નામનું ફળ રખેને મળી જાય.

જગતને તો પહેલેથી એ ટેવ છે કે,
તમારી કથામાં મને સાંકળી જાય.

આ વાતાવરણમાં તમે જો મળો તો,
મુલાકાતનાં સૌ બહાના ફળી જાય.

નજર જ્યાં નજર સંગ વાતો કરે તો,
દહેશત રહે કે, નગર સાંભળી જાય.

ઘણાં માર્ગ ને મંઝીલો છે, છતાંયે,
તમારી તરફ આ ચરણ પણ વળી જાય.

અહીં શબ્દનું ઘર તો ઊઘડી ગયું છે,
વિચારોના દરિયા ભલે ખળભળી જાય.

( દિવ્યા મોદી )

લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

મેળ પડે તો કાગળ લખજો
મેળા જેવો ઝળહળ લખજો

સારું સારું આગળ લખજો
વાંધાવચકા પાછળ લખજો

ઝરણાં જેવો ખળખળ લખજો
અટકો ત્યાંથી અટકળ લખજો

ચોમાસું જો ફાવે તમને
વરસે એવાં વાદળ લખજો

ફૂલ ભલે ઘૂંટીને લખતા
હળવે હાથે ઝાકળ લખજો

પરબીડિયામાં બંધ કરીને
ચોંટાડો ત્યાં કાજળ લખજો.

( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )

થઈ ગઈ છે-દિવ્યા સોની “દિવ્યતા”

વાટ જોતી કંઈ કેટલી આંખ થઈ ગઈ છે;
વાહ આપણી પણ હવે શાખ થઈ ગઈ છે !

હતી પાસે તો ફગાવી, જ્યાં લીધી કોઈએ હાથે,
એ કોડીની કિંમત, હવે લાખ થઈ ગઈ છે.

જેવા પડશે તેવા દેવાશે, રહ્યો છે એજ મારગ;
હતી જે દુનિયાદારી બળીને ખાક થઈ ગઈ છે !

હવે તો જાતે જ આવી, એ જિંદગી ઉગારે,
એના વિનાની પૃથ્વી, જાણે રાખ થઈ ગઈ છે !

કાનુડો છે કણકણમાં, ને શોધું હું ચારેધામ;
મા યશોદા જેવી મારી આ કાખ થઈ ગઈ છે ?

ઉડી ઉડી એ પહોંચે બસ તારા હૃદય સમીપે;
તારી જ બંધાણી આ મનની પાંખ થઈ ગઈ છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

૧.
લોભ

કચરામાંથી
જેને અનાયાસે
હીરો મળી જાય,
એવા લોકો
બીજા હીરાની શોધમાં
જિંદગીભર
કચરો ફેંદતા રહે છે !

૨.
ઘાતક

ઝરણાંને
બંધિયાર થવાનું
વ્યસન લાગુ પડી જાય,
તો પૂરી શક્યતા છે
એને ખાબોચિયાનું
કેન્સર થવાની !

૩.
પ્રકૃતિ

હસતાં-હસતાં વાત સુગંધી
કહે સવારે કળીઓ-
-ફળની અંદર ફૂલ ન હોય,
ન હોય ફૂલમાં ઠળિયો.

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

ટગલી ડાળ-યોગેશ જોષી

શિયાળો ગાળવા
આવેલાં પંખી
વતન પરત જવા
ડાળ ડાળ પરથી
આ…ઊડ્યાં
પાંખો ફફડાવતાં
ફડ ફડ ફડ ફડ…
સાથે થોડો તડકો
થોડું આકાશ લઈ…

ડાળ ડાળ
હલતી રહી
જાણે
‘આવજો’
કહેતી રહી…

ટગલી ડાળ
જરી ગરદન ઊંચી કરી
જોઈ રહી-
વિદાય થતાં પંખીઓની
પંક્તિઓની પંક્તિઓ
ક્ષિતિજમાં દેખાતી
બંધ થઈ
ત્યાં લગી
અપલક…

કોઈ પંખીએ
જોયું નહીં
પાછું ફરીને…

પછી
ટગલી ડાળ
સાધતી રહી
કશોક સંવાદ
મૂળ સાથે… …

( યોગેશ જોષી )

એક ઈમારત-ચિનુ મોદી

એક ઈમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી
એની નથી જ જડતી કૂંચી-

કઈ સદીઓથી હવા બંધ છે
દીવાલ વચ્ચે કેદ;
અંધારાએ સંતાડ્યા છે
કૈંક જનમના ભેદ-
પડછાયામાં હોડી ડૂબી
વાત મને એ ખૂંચી
એક ઈમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…

બંને પાંખો વીંઝી પીંખી
નભ લગ પહોંચે રોજ
મેં કૂંચીનું પૂછ્યું તો કહે
એ જ ચાલતી ખોજ
હાથવાગી કૂંચી બનતી તો
વધે ઈમારત ઊંચી
એક ઈમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…

( ચિનુ મોદી )

પારસમણી-તુરાબ ‘હમદમ’

એટલે દિલ મહીં રણઝણી હોય છે,
એક ઈચ્છા ને મેં અવગણી હોય છે.

ખુલ્લી આંખે જ સપનાં જોયા કર્યાં,
રેત પર કોઈ ઈમારત ચણી હોય છે.

દિલનાં ઊંડાણને કોણ માપે અહીં,
સાવ દેખાવની લાગણી હોય છે.

કાચની જેમ આડા ઊભા વેતરે,
જિંદગી એક હીરાકણી હોય છે.

કોઈની એક મીઠી નજરને અમે,
શબ્દ રૂપે ગઝલમાં વણી હોય છે.

શ્વાસ લઈને પરત શ્વાસ દેવા પડે,
કોઈ પળ ક્યાં અહીં આપણી હોય છે.

સ્પર્શ ‘હમદમ’ જો થઈ જાય તોયે ઘણું,
આ કવિતાય પારસમણી હોય છે.

( તુરાબ ‘હમદમ’ )