
.
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી ?)
ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય…. ?
કયું વૈકુંઠ…. ?
.
( પન્ના નાયક )

.
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી ?)
ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય…. ?
કયું વૈકુંઠ…. ?
.
( પન્ના નાયક )
(૧)
મધદરિયે
મોટાં મોટાં
વહાણોય ડૂબી જાય છે
એ જાણવા છતાંય
દરિયાની છાતી પર
નવોઢાની જેમ
માથું મૂકવાનું
અદમ્ય આકર્ષણ
કેમ નહીં રોકી શકતી હોય
સઢવાળી નાનકડી હોડી ?
.
(૨)
વિરહમાં હિજરાઈ હિજરાઈને
ઢળી પડેલાં
મારાં સ્તનોની આંખ
ઉજાગરાથી રાતી રાતી
.
(૩)
મન
.
ચૈતરની
ભડભડતી બપ્પોરે
ધગધગતા
લંકાના સોનેરી નગર
વચ્ચોવચ્ચ
દાઝતું
છલાંગો મારતું
હાંફતું હાંફતું
દિશાહીન દોડતું
કેમેય ના રોકાતું
એક હરણ…
.
( પન્ના નાયક)

.
દર્પણ તો લટકે છે
વરસોનાં વરસથી
પણ ઝાંખુ થતું નથી
તારી યાદની જેમ.
.
એક વાર જોયું તારા દર્પણમાં
ત્યારથી મારા પ્રતિબિમ્બમાં ખોળું છું
તારો ચહેરો.
.
તું આવીશ ત્યારે
ગમે તેટલો ઝાંખો હોઈશ
ઝગમગી ઊઠીશ
તારી આંખોની જેમ.
.

.
પવન તો આવે ને જાય
પણ તું ન આવે ત્યાં સુધી
હું ક્યાંથી જીવીશ ?
.
તું આવશે જ એની ખાતરી છે
એટલે પવનને ગણાકરતો નથી.
અને એટલે શ્વસું છું શ્વસ્યા વગર.
.
પવન વગરનો પવન
આવે એની રાહમાં પાળિયાની જેમ ઊભો છું
.
તું આવે પવનની પાંખો થઈને
એ ખ્યાલથી જ
મેં પાંખો ફફડાવવા માંડી છે.
.
( રાજેન્દ્ર પટેલ )

.
પહેલો વરસાદ ક્યા બાત હૈ, દુબારા દુબારા, ઓહોહો, વાહ વા છે
.
એક જ ટીપામાં એ ઠાલવી દે દરિયો ને વાત કહી દે ટૂંકી બહેરમાં
મસ્તીના વેદ મહોબતની રુચાઓ બધી ગાય બે પંક્તિના શેરમાં
.
જીવ જેને ઝંખે એ કાંદાના ભજિયા ને ગરમગરમ ફુદીનાની ચા છે
પહેલો વરસાદ વાહ વા છે
.
છત્રી કે બામની શીશી ન શોધ, ન મિલિમીટરમાં એને માપ
માથે ચડાવી એને અછોવાના કર ને કહે કે ભલે આવ્યો બાપ
.
છાતીનો ખોબો કર ફળિયામાં આવ કે નેવાંને ચોમાસાં વહેંચવા છે
પહેલો વરસાદ વાહ વા છે
.
( સંદીપ ભાટિયા )

.
તારા મૌનથી
હું અકળાઉં છું
એમાં રહેલો નારાજીનો ભાવ
છૂપો રહેતો નથી
અને એ મારા રાજીપાને
હત્યારાની જેમ હણી નાખે છે
મારે આટલી હદે
સંવેદનશીલ ન થવું જોઈએ
પણ સંવેદના અને તર્કને
બારમો ચંદ્રમા છે
તને મનાવવાનો કોઈ અર્થ નથી
અનુભવથી એટલું સમજાય છે
કે તને ક્યારે, કયા કારણે
વાંકુ પડે છે એની બારાખડી
ઉકેલાય, પણ કેટલી વાર ?
એટલે હવે હું પણ તને
મારા મૌનથી અકળાવીશ
ક્યારેક કાંટાથી કાંટો નીકળતો હોય
તો સારી વાત છે
નહીંતર પગમાં કાંટા સાથે ચાલવાની
મને તો આદત પડી ગઈ છે.
.
( સુરેશ દલાલ )

.
મારા આનંદનો શ્વાસ
વેદનાનો નિશ્વાસ બની પાછો ફરે
એ પહેલાં,
મારે આ ક્ષણને જીવી લેવી છે.
જેમ…
વૃક્ષ જીવે છે
ફૂલનો આનંદ બનીને…
આકાશ જીવે છે
ખળખળતી નદી બનીને…
રેતીના પટ પર ઊઠતી
પગલાંની સંકેતલિપિ
વાંચ્યા વગર ભૂંસવા
સમય તો ક્યારનોય અધીરો થઈ રહ્યો છે.
પણ…
મારે પાછું વળીને જોવું નથી.
દસ આંગળીઓની કેડીએ
વહેવા દઈશ મારા આનંદને
આગળ ને આગળ
અને નિહાળીશ,
ઘાસની હથેળી પર
વિશ્વકવિની જેમ રમતા બાળક જેવી
આ ક્ષણને.
.
( નલીની માડગાંવકર )

.
દ્વાર ખખડાવે કશું વળતું નથી,
એક સરનામું હજી મળતું નથી.
.
બંધ બારી-બારણાં, ભીંતો બધીર
સાદ મારો કોઈ સાંભળતું નથી.
.
એ રીતે અંધકારમાં ડૂબી ગયા,
કોઈ વાતે દિલ, આ ઝળહળતું નથી.
.
જિંદગીના આકરા આ તાપમાં
કોણ એવું છે જે ઓગળતું નથી.
.
હું નથી ફળતો કદાચિત સ્વપ્નને,
કાં, પછી સપનું મને ફળતું નથી.
.
ત્યાગની ‘હમદમ’ મહત્તા હોય છે,
માગવાથી તો કશું મળતું નથી.
.
( તુરાબ ‘હમદમ’ )

.
હળવેકથી તે જમીન પર ઊતર્યું
ઊતરતાં તેણે જમીન પર
પોતાનો પડછાયો જોયો
જમીનને અડતાંવેંત એને લાગ્યું
કે એ પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠું છે
આકાશમાં ઊડતાં પંખીઓ તરફ તે તાકવા માંડ્યું
ફરી ઉડવાનો પ્રયત્ન કરવા લાગ્યું.
એકાએક
હવાની એક લહેરખી આવી
લહેરખીના બળે તે ફરી ઊંચકાયું
ઊંચે તેણે પોતાનો પડછાયો
નાનો થતો જોયો.
આમ ધીરે ધીરે ઊંચકાવાનું
અને ફરીથી જમીન પર પથરાવાનું
તેને સહજ થઈ ગયું.
એક દિવસ હવાની લહેરખીએ
એને ફરી ઊંચક્યું
અને ઊંચે લઈ ગઈ
એટલે ઊંચે
કે પીંછું તેનો પડછાયો પણ
ન્હોતું જોઈ શકતું.
ધીમેધીમે ઊતરતાં અને ઊંચાઈ ગુમાવતાં
એકાએક તે કાદવમાં જઈ પડ્યું
ભીનું થયું, ભારે થયું
હવાની લહેરખીએ એને ઊંચકવાના ખૂબ પ્રયત્નો કર્યા
પણ એ ન ઊંચકાયું
હવે તે પોતાના પડછાયા સાથે
એકાકાર થઈ ગયું હતું.
.
( કિશોર શાહ )

.
છાતીનું પોલાણ-વચ્ચે ના કશું
એકલો અંધાર-વચ્ચે ના કશું.
.
એક ધરતીકંપ જેવા લોહીઝાણ
શબ્દના ઘરવાસ-વચ્ચે ના કશું.
.
આંખમાં દીવો બળે છે ક્યારનો
જીર્ણ આ અસબાબ-વચ્ચે ના કશું.
.
મોજ સ્પર્શીને કિનારાને તજે
ઓટ ને જુવાળ-વચ્ચે ના કશું.
.
તારી આંખો ચોતરફથી તાકતી
તાકતી જંજાળ-વચ્ચે ના કશું.
.
એની ભીતર ઘૂઘવે છે ઝાંઝવાં
ત્યક્ત ઘરનાં દ્વાર-વચ્ચે ના કશું.
.
એ તૂટેલી નાવની છે દુર્દશા
પાણી ને મઝધાર-વચ્ચે ના કશું.
.
( મહેશ જોશી )
.
[ જંજાળ – બે નાળચાંવાળી બંદૂક ]

.
(૧)
આ
માછલીઓ
એ બીજું કોઈ નથી
પણ પૂર્વજન્મમાં
અવગતે ગયેલી
હોડીઓ જ છે !
.
(૨)
એ સત્ય છે કે :
પાણી વગર,
પાણી બહાર
માછલી તરફડે જ,
પણ…
માછલી વગર
પાણી અંદર
પાણીને તરફડતા
તમે ક્યારેય જોયું છે ?
.
(૩)
આપણે
જે દરિયાનો ઘૂઘવાટ
સાંભળીએ છીએ
એ ખરેખર તો
માછલીના મૌનનો પડઘો છે !
.
( નારાયણ જોશી )