સાબિત કરો – ખલીલ ધનતેજવી

આમ કહેવાનો આ મતલબ એમ છે સાબિત કરો,

તમને મારામાં ભરોસો કેમ છે સાબિત કરો.

.

હું તમારા બોલવા હસવામાં અટવાતો રહું,

પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો.

.

ડૂબવાની મારી હિંમત હું પછી સાબિત કરીશ,

દિલ તમારું કેવું દરિયા જેમ છે સાબિત કરો.

.

રાતભર ઝાકળ રડ્યું છે એમ ફૂલોએ કહ્યું ?

એ તમારું સત્ય છે કે વહેમ છે સાબિત કરો.

.

જીતવું કે હારવું એની કશી હમગમ નથી,

માત્ર રમવું, એ તમારી નેમ છે સાબિત કરો.

.

આજ લાગે છે ખલીલ, અંધારું ઓગળશે નહીં,

આપ કો’ છો રાત તૂટે તેમ છે સાબિત કરો.

.

( ખલીલ ધનતેજવી )

મળવું તારું…. – શ્યામલ મુનશી

મળવું તારું

અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું,

મળવું તારું

સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.

.

મળવું તારું

પગનાં તળિયે સ્પર્શ કરીને વહી જતાં એક ઝરણા જેવું,

મળવું તારું

એક સવારે યાદ રહેલા કોઈ અધૂરા શમણા જેવું.

.

મળવું તારું

સ્મિત સંગાથે ગાલે ક્ષણભર ખીલી જતા એક ખંજન જેવું,

મળવું તારું

ફૂલના કાને વાત કરીને ઊડી જતા એક ગુંજન જેવું.

.

મળવું તારું

શાંત નીર પર લહેર હવાની અડી જતી ને ઊઠ્યા તરંગો,

મળવું તારું

જાણે આવે કોઈ પરી પહેરીને મેઘધનુષી રંગો.

.

મળવું તારું

શાથી આવ્યું ? ક્યાંથી આવ્યું ? કેમ કરીને રાખું ઝાલી ?

મળવું તારું

સાવ અકારણ ! સાવ અમસ્તુ ! બસ આમ જ ને ! ખાલી ખાલી !

.

( શ્યામલ મુનશી )

આજે નહીં સજન કાલે – મુકેશ જોષી

કાં તો તું આંખોથી મોજા પંપાળ

કાં તો તું છાતીમાં દરિયો સંતાડ

તોય એક લ્હેરખી ઉછળીને આવે તો ચૂંટી ખણી લેજે ગાલે.

આજે નહીં સજન કાલે…

.

આજે તો ચંદાએ એકટાણું કીધું છે,

આજે નક્ષત્રોએ મૌનવ્રત લીધું છે.

આજે તો વાયરીય મહિયરમાં ગઈ છે,

રાતરાણી થાકીને ઝટ્ટ સૂઈ ગઈ છે.

ઝાંઝરની ઘૂઘરીઓ છણકો કરે છે કે એકેય ડગલું નહીં ચાલે.

આજે નહીં સજન કાલે…

.

સૂરજ થઈને તું રાતને વખાણે છે

બુંદ બુંદ પીવાની લિજ્જત તું જાણે છે.

ઊંચા ચઢાવમાં ચાલ ધીમી રાખીએ,

મોસમ આવે ત્યારે કેરીને ચાખીએ.

તાજગીના ઊંડા હું શ્વાસ ભરી લઉં પછી કરશું પ્રવાસ એક તાલે.

આજે નહીં સજન કાલે.

.

( મુકેશ જોષી )

તમે ઘેર નથી – મણિલાલ હ. પટેલ

વાડ પર બેસીને દૈયડ ગાય છે

વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે

ને તમે ઘેર નથી…

.

બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે

ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે

ને તમે ઘેર નથી…

.

ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી-

સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે

ને તમે ઘેર નથી…

.

કેટલા દિવસો પછી એક પતંગિયું

આજે આવ્યું છે ઘરમાં ને

ફરફરે છે હવા શું બધેબધ

કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે

ને તમે ઘેર નથી…

.

પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક

છાતીમાં આરપાર મારમાર

તારતાર વાછટો વાય છે

ને તમે ઘેર નથી…

.

શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે

આખ્ખુંયે ઘર હવે ઓગળતું જાય છે

ને તમે ઘેર નથી…

.

વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે

કે તમે ઘેર નથી…

.

( મણિલાલ હ. પટેલ )

તું – ગુણવંત શાહ

શ્વાસ-ઉચ્છવાસની વણથંભી આ વણઝાર

ચક્કર ચક્કર ફરતી

આ દુનિયાને મેલી પડતી

ક્યાંક દૂર ચાલી નીકળીએ ઓ પાર !

ક્યાં સુધી ખમતાં રહીશું

કોમળ પાંદડીઓના આ પ્રહાર

ને

ક્યાં સુધી વહ્યા કરીશું

જનમોજનમના સંયોગ-વિયોગનો આ મિથ્યા ભાર !

ભૂંસાઈ ગયેલાં પગલાંને સૂંઘીસૂંઘીને

રિસાઈ ગયેલાં ડૂસકાંનો સંગાથ –

આખરે આપણે પહોંચવું છે ક્યાં !

ચક્કર ચક્કર ફરતાં ટાયરોની ગતિ !

ચિચિયારીથી કાન ભરાઈ ગયા છે, ધરાઈ ગયા છે;

આંખો સૂજી ગઈ છે; જાળમાં તરફડતી માછલીઓને જોઈને !

ક્યાંક ચાલી નીકળીએ, યાર !

જ્યાં ફૂલ હોય પણ બાગ ન હોય;

જ્યાં નદી નિરાંતે વહેતી હોય; પણ ઓવારો નહીં હોય;

જ્યાં જંગલ હોય પણ કેડી નહીં હોય;

જ્યાં કશું જ ન હોય અને એમ બધું જ હોય;

તું હોય

માત્ર

તું !

.

( ગુણવંત શાહ )

વાદળ બનીને વરસો – કૈલાસ અંતાણી

કોરીધાકોર મારી આંખોમાં ધોધમાર

વાદળ બનીને તમે વરસો

રોમરોમ વાંસળીનો સૂર બની જાય તેમ

હળવે રહીને તમે પરસો.

.

વરસોથી માંડેલી મીટ જેમ જીવતરના

એક એક બિંદુને તાકું

રસ્તાઓ દૂર દૂર લંબાતા થાય અને

ઘરમાં બેઠેલી હું થાકું

રસ્તાની ધૂળ પણ વાદળ થઈ જાય

તમે પાંપણને પલકારે ઢળશો ?

રોમરોમ વાંસળીનો સૂર બની જાય એમ

હળવે રહીને તમે વરસો.

.

પગલાંની અમથી જ્યાં આહટ સંભળાય

હું તો સૂતી નીંદરમાંથી જાગું

આગિયાના ઝબકારા ભાળીને સૂરજનું

કિરણ એકાદું હું માગું

વરસોથી અણછીપી વાવ જેવી મારામાં

યુગયુગની ફેલાતી તરસો

રોમરોમ વાંસળીનો સૂર બનીજાય તેમ

હળવે રહીને તમે પરસો.

.

( કૈલાસ અંતાણી )

મન – શ્યામલ મુનશી

ચારે બાજુ ભટકે મન તો ચારે બાજુ ભટકે

થોડું દોડે થોડું ચાલે, થોડું છોડે થોડું ઝાલે

ને અધવચ્ચે અટકે – ચારે બાજુ

.

મનનો એવો સ્વભાવ, એને ડંખે અભાવ;

એનો અખૂટ ખાલીપો, કાયમ ઝંખે પ્રભાવ;

અધકચરો આધાર મળે તો આખેઆખું લટકે – ચારે બાજુ

.

મન તો આખો દિવસ, માલિક માટે દોડે;

મુક્તિ એને મળી જાય, જો માલિકને છોડે;

પંજો એનો, પક્કડ એની, ને તોયે ના છટકે – ચારે બાજુ

.

( શ્યામલ મુનશી )

कौन करे – साहिर लुधियानवी

सुरमई रात के सितारे है

आज दोनों जहां हमारे है

सुबह का ईंतजार कौन करे !

.

फिर यह रुत यह समां मिले न मिले

आरजू का चमन खिले न खिले

वक्त का एतबार कौन करे !

.

ले भी लो हम को अपनी बाहों में

रुह बेचैन है निगाहों में

ईलतिजा बार बार कौन करे !

.

( साहिर लुधियानवी )

.

[ एतबार = भरोसा, रुह – आत्मा, ईलतिजा = विनती ]

શું કહું તને – સુરેશ ઝવેરી

પ્રેમમાં શું શું થયું શું કહું તને,
બહુ વખત આવું થયું શું કહું તને.

.
હું ઈશારો તને કરતો હતો,
કામ પરબારું થયું શું કહું તને.

.
કોઈને ક્યાં ઝેરનું કરવું હતું,
પારખું મારું થયું શું કહું તને.

.
ચાંદને જોવું હતું તારી તરફ,
કેમ અજવાળું થયું શું કહું તને.

.
જીદ તેં મારા થવાની ના કરી,
જે થયું સારું થયું શું કહું તને.
.
( સુરેશ ઝવેરી )

અહમ – એષા દાદાવાળા

એક દિવસ મેં તને ફોન કર્યો,

’તું નહીં હોય તો હું જીવી નહીં શકું એમ ?’

એ પછી-ઘણી વાર

તારા સુધી પહોંચવા મથતી લાગણીઓના

ધમપછાડાને મારો અહમ જાળવે લે છે.

આપણે સાથે જીવેલી પળો

આંખ સામેથી પસાર થાય

અને હું સ્તબ્ધ થઈ જાઉં છું હજી પણ !

ઘણી વાર સવારે ઊઠીને અરીસા સામે ઊભી રહું

અને દેખાઈ જાય તું…

તને કશુંક કહેવા ડાયલ કરેલો ફોન

કશું બીજું જ કહીને મુકાઈ જાય છે.

આપણે રૂબરૂ મળીએ છીએ ત્યારે પણ

હાથ તો લંબાવી જ દઉં છું તારા તરફ…

પણ પછી તારી સામે લંબાવેલો હાથ

શેકહેન્ડ કરીને વાળી લઉં છું

પાછો મારી તરફ…

પણ સાચું કહું,

મારા અહમને આમ પાળી-પોષીને

મોટો નહીં કર્યો હોત

તો ખરેખર જ

હું નહીં જીવી શકી હોત તારા વગર !

.

( એષા દાદાવાળા )