અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા આરંપાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે એ ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો રે આવો હો જીવણ આમના.
( મકરન્દ દવે )
