एक ही राह-इमरोज़

amrita_pritam_with_imroz

सामने कई राहें दिख रही थी
मगर कोई राह ऐसी न थी
जिसके साथ मेरा अपना आप चल सके
सोचता कोई हो मंजिल जैसी राह…

वह मिली तो जैसे
एक ज्म्मीद मिली जिन्दगी की
यह मिलन चल पडा
हम अकसर मिलने लगे और मिलकर चलने लगे
चुपचाप कुछ कहते, कुछ सुनते
चलते-चलते कभी-कभी
एक-दूसरे को देख भी लेते

एक दिन चलते हुए
उसने अपने हाथों की उंगलियां
मेरे हाथों की उंगलियों में मिला कर
मेरी तरफ ईस तरह देखा
जैसे जिन्दगी एक बुझारत पूछ रही हो
कि बता तेरी उंगलियां कौन-सी है
मैंने उसकी तरफ देखा
और नजर से ही उससे कहा…
सारी उंगलियां तेरी भी सारी उंगलियां मेरी भी

एक तारीखी इमारत के
बगीचे में चलते हुए
मेरा हाथ पकड कर कुछ ऐसे देखा
जैसे पूछ रही हो इस तरह मेरे साथ
तू कहां तक चल सकता है ?
मैंने कितनी ही देर
उसका हाथ अपने हाथ में दबाए रखा
जैसे हथेलियों के रास्ते जिन्दगी से कह रहा होऊं
जहां तक तुम सोच सको-

कितने ही बरस बीत गए इसी तरह चलते हुए
एक-दूसरे का साथ देते हुए साथ लेते हुए
इस राह पर
इस मंजिल जैसी राह पर…

( इमरोज़ )

રાતરાણી-પ્રીતમ લખલાણી

૧.
ગુલાબના
આગમનમાં
રાતરાણી
સવાર લગી
ફળિયે
જાગતી બેસી રહી.

૨.
ફળિયું આખું
સ્વપ્નની રજાઈ ઓઢી
ઊંઘી જાય ત્યારે
ચોરપગલે
રાતરાણી
શેરીમાં
રઝળવા
ચાલી નીકળે.

૩.
‘દિ’ આખો
ગામમાં શું થયું ?
આ સમાચાર
ઘુવડ
પૂછે રાતરાણીને.

૪.
ઘસઘસાટ
ઊંઘતા સૂર્યની
ચાદર ખેંચતી
રન્નાદે કહે,
‘હવે ઊઠો,
ફળિયે
રાતરાણી
તમારા ઈંતેજારમાં
બગાસાં ખાય છે ?’

૫.
ઉજાગરો
અને જાગરણ
વચ્ચેનો
તફાવત
ફક્ત
રાતરાણી જ
કહી શકે !

( પ્રીતમ લખલાણી )

લોહીથી લથબથ-પરાજિત ડાભી

આંસુઓનો ભવ્ય જે ઈતિહાસ છે એને તમારે વાંચવો પડશે.
અક્ષરો રુપે લખેલો શ્વાસ છે એને તમારે વાંચવો પડશે.

સાવ સીધીને સરળ ભાષા વડે મારા હૃદયનાં તૂટવાનો એક,
કારસો મેં વર્ણવેલો ખાસ છે એને તમારે વાંચવો પડશે.

લોહીથી લથબથ થયેલા લાગણીનાં પ્રેત ભટકે પૃષ્ઠની વચ્ચે,
હાંસિયો પણ લાશનો આભાસ છે એને તમારે વાંચવો પડશે.

સૂર્ય નામે વેદને વાંચ્યા પછી પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કોને થઈ કહોને,
આગિયામાં સત્યનો અજવાસ છે એને તમારે વાંચવો પડશે.

આ ગઝલને વાંચવાથી કોઈનાં દિલને ખુશી પણ ના મળે એ શક્ય છે,
જીવવા માટે જરૂરી જે બધો બકવાસ છે એને તમારે વાંચવો પડશે.

( પરાજિત ડાભી )

દરિયો-પ્રીતમ લખલાણી

૧.
નદીઓને એકમેક સાથે
ઝગડતી જોઈ,
દરિયો પથ્થરપર
માથું પછાડે છે !

૨.
ગુમ થઈ ગયેલી
નદીના વિરહમાં
દરિયો રેતીમાં
શંખલાં વીણ્યા કરે.
‘કોઈક હોડી
નદી મળ્યાના સુખદ
સમાચાર લાવે!’

૩.
કાંઠે રમતાં
બાળકો સાથે
ઘર ઘર રમવા
દરિયો
હડી કાઢતો આવે.

( પ્રીતમ લખલાણી )

પર્વત-પ્રીતમ લખલાણી

૧.
ટેલિફોન પર
ધૂંઆપૂંઆ થતા દરિયાને
પર્વતે કહ્યું :
‘જરા ધીરજ રાખ
તને મળવા
નદી
ક્યારની અહીંથી
નીકળી ગઈ છે !’

૨.
વાદળ
કોઈ દિવસ
નદીના
સુખદ વાવડ લઈને આવશે !
એ આશાએ
પર્વત
આભ સામે
આંખ સામે તાકીને બેસી રહે છે.

૩.
પલાંઠી વાળીને
બેઠેલ દેવતાઓને
પર્વતે કહ્યું :
‘ક્યારેક
હેઠા ઊતરીને જુઓ
તો ખબર પડે કે
માણસ ખીણમાં
જીવનહળ કેમ
હાંકે છે ?’

( પ્રીતમ લખલાણી )

ફૂટપાથ-પ્રીતમ લખલાણી

૧.
શિક્ષકે પૂછ્યું :
વિશ્વના નકશામાં
ભારત ક્યાં ?
વિદ્યાર્થીએ આંગળી
ચીંધી :
બારીમાંથી દેખાતા
ફૂટપાથ તરફ.

૨.
ઈતિહાસમાંથી ખોવાઈ
ગયેલ
બુદ્ધ, મહાવીર અને
ગાંધીનાં પગલાં
કદાચ ફૂટપાથે
સાચવી રાખ્યાં હશે !

૩.
‘વહ સુબહ કભી તો
આયેગી’નું
સ્વપ્ન જોતા ફૂટપાથ
પ્રતીક્ષામાં
રાત આખી જાગે !

૪.
સમજાતું નથી
કે ફૂટપાથ
નવરો છે
કે પછી વિદ્વાન ?
કોઈ પણ વિષયની ચર્ચા
કરવા
તે કોઈની પણ સંગે
તત્પર હોય છે !

( પ્રીતમ લખલાણી )

પથ્થર-પ્રીતમ લખલાણી

૧.
હે પથ્થર,
જો તને હૃદય ન હોત તો !
શું રામ
ક્યારેય સીતાના હૃદય સુધી
પહોંચી શક્યા હોત ખરા !

૨.
જે પથ્થરો
ફૂલોનો બોજ ઉઠાવવા
સમર્થ બને છે !
શું
તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ?

૩.
પ્રત્યેક પથ્થરને
ઈશ્વર થવું હોય છે !
પણ
હથોડી ને ટાંકણું જોઈ
માર્ગની કોરે બેસી જાય છે !

૪.
એકલતાથી ઊછળતા
દરિયાને
સંગાથ દેવા જ
પથ્થરો
નદીને જન્મ આપે છે !

૫.
હે ઘર !
તારા પથ્થરોમાં હજી શું ખૂટે છે ?
કે
માનવી
દિન-રાત ચંદ્ર પર પથ્થર માટે
હડિયું કાઢે છે !

( પ્રીતમ લખલાણી )

સમય-અંકિત ત્રિવેદી

જિંદગી થોડાક પડછાયાઓ જેવી
ઊગતી તડકાની વચ્ચે
સાંજનો ભાર હળવો થાય એવી રાતમાં
સ્વપ્ન આંજી દોડતા રાખે દિવસભર
ઓનલાઈન વોટ્સઅપ હોઈએ
ત્યાં જ પકડાઈ જવાતું કોઈના મેસેજથી…
આવવો જોઈએ મેસેજ જેનો
એને કરવો પડતો સામેથી હંમેશાં
લાગણી ટચ સ્ક્રીન જેવી થઈ ગઈ છે
ખૂલવાનું હોય ત્યારે ના ખૂલે
ને ખૂલે તો ટેરવાને ન્યાલ કરતા સ્પર્શ જેવું
શ્વાસને ભેગા કરીને રોજ ગોઠવતો રહું છું
જોઈએ ત્યારે તરત મળશે જ એવું માનીને…
ખપ પૂરતી જીવવામાં
ચાના કપ પૂરતી થઈ છે જિંદગી…
ચૂસકી લઉં એ પહેલાં
હોઠને દાઝ્યા કરે છે…
ચાલ, પાછા તડકા વચ્ચે ઊગવાનો છે સમય…

( અંકિત ત્રિવેદી )

અંદર ને અંદર-પન્ના નાયક

અંદર ને અંદર આનંદ મને એટલો
કે બહાર એને કેમ કરી બતાવું ?
આનંદ એ દરિયાની માછલી નથી
કે જાળમાં ઝાલીને લઈ આવું.

ડાળીને પહેલી વાર ખીલે છે ફૂલ
એને ઝાડનો આનંદ કહેવાય કે નહીં ?
મૂળિયાંને કોણ જાણે શુંનું શું થતું હશે
આટલો આનંદ કદી જીરવાય કે નહીં ?
પંખી જો હોય તો પીંજરામાં લાવું
પણ ટહુકાને કેમ કરી ગાઉં ?

વાદળ તો જળ થઈ વરસી શકે
પણ આખા આકાશનું શું ?
હવા તો હરતી ને ફરતી રહે
પણ ઊછળતા શ્વાસનું શું ?
અંદર ને અંદર આનંદ મને કેટલો
કે બહાર એને કેમ કરી બતાવું ?

( પન્ના નાયક )

બહુ બીક લાગે છે-પરાજિત ડાભી

હવે આ માણસોની વાતની બહુ બીક લાગે છે.
મને મારી જ ખુદની જાતની બહુ બીક લાગે છે.

દિવસનાં સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત,
મને ઝળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે.

કરે છે કંટકો જે ઘાવ એ તો હોય છે સારા,
મને ફૂલો તણા આઘાતની બહુ બીક લાગે છે.

કરે ઘૃણા જગતનાં લોક તે હોતી નથી ઘાતક,
પરંતુ પ્રેમની સોગાતની બહુ બીક લાગે છે.

કદી દીવાસળીમાંથી જ દાવાનળ બની જાશે,
મને આ શબ્દની તાકાતની બહુ બીક લાગે છે.

( પરાજિત ડાભી )