મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ

એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું,

મેં દીઠું અજવાળું!

 .

લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું,

કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું.

મેં દીઠું અજવાળું!

 .

નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ,

પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ.

ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,

મેં દીઠું અજવાળું!

 .

( દત્તાત્રય ભટ્ટ )

છુપાવી છે – અનંત રાઠોડ ‘અનંત’

લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

..

ઘણાયે વ્હાલથી જ્યાં વૃક્ષને વાવ્યાં હતાં, પાણીય સીંચ્યું, એ જ ઉપવનમાં પછી

બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

મને પૂછી રહ્યા છે પર્ણ, ફૂલો, ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું

કુહાડીનું ઘરે મ્હેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

બધાં વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું, કોઈથી મેં આંખ મિલાવી નથી,

આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

( અનંત રાઠોડ ‘અનંત’ )

તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી

છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો,

હું તો યાદોને નકારીશ, તમે શું કરશો ?

 .

વાંક બન્નેંનો છે, એ વાત બરાબર છે તો,

હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો ?

.

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,

હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો ?

.

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,

હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો ?

 .

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,

રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો ?

.

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,

આયના નીચે ઉતારીશ, તમે શું કરશો ?

.

આંખ ખૂલશે તો ખલીલ આંખને ચોળી ચોળી

રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો ?

.

( ખલીલ ધનતેજવી )

ચાંદરણાં વીણવાના દિવસો – સંદીપ ભાટિયા

ચાંદરણાં વીણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે

વાદળાંની અંધારી પાટી સાથે આવે છે

મેઘધનુષ ભણવાના દિવસો

.

મેઘધનુષ ભણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

.

છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ

વૃંદના વૃંદાવનને માણીએ તો ઊજવીએ

એકલા ગણગણવાના દિવસો

 .

એકલા ગણગણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

બેય છેડે તૂટ્યાની વેદના છો રહી જાશે

તોડનારો છેડા ફરી બાંધશે ને કહી જાશે

આવ્યા રણઝણવાના દિવસો

.

આવ્યા રણઝણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

( સંદીપ ભાટિયા )

મારી પાસે – ચિનુ મોદી

મારી પાસે સમયનો

કોરોકટ તાકો છે,

મને શું પૂછે છે :

અવકાશ છે ?

 .

નિર્જળા ઉપવાસ કરતી વાદળીઓ

મારા આકાશમાં

તપ તપવા આવે છે;

મને શું પૂછે છે :

અવકાશ છે ?

.

આવ, તને પણ આવવાની તક છે

ભલે તું જિદે ચડેલું બાળક છે

રિસાળ લાગણીઓનું

વ્હાલસોયું વાહક છે;

મારી ફુરસદની તમામ ક્ષણોનું

માનવંતું ગ્રાહક છે-

લેવો છે ? મારી પાસે

દાહક દાહક ખાલીપો છે-

 .

તું આવ

નહીં ખેડેલા ખેતરમાં

મને વાવ

દાણા બેસે પછી

કોયલ પાસે ગવરાવ

મોર પાસે ટહુકા કરાવ

ભાઠાં પડી ગયેલા પડખામાં

જખ્મેરૂઝ લગાવ.

રણઝણતા રથમાં બેસી મૃત્યુનો દેવ આવે

એ પહેલાં આવ-સમયનો કોરોકટ તાકો

આજ છે-કાલ કદાચ…

 .

( ચિનુ મોદી )

તમે જ કેવળ – નયના જાની

mf6GLFk

.

હે મારા એકાંતોના સ્વામી !

હું તો કેવળ બની પ્રતીક્ષા,

સૌરભથી છલકે છે મારા શ્વાસ,

ફોરમ ફોરમનો અજવાસ,

નીરવતાની બદેહે ક્ષણોમાં !

 .

ધીમે ધીમે અડકે અદ્દભુત નાદ

કે

અણુ અણુ આંદોલિત, ઉત્કંઠ,

સ્વયં હું ઝળકી ઊઠું જ્યોત !

 .

ક્યહાં લગી હું રહું નિરાળી કેવળ ઝળહળ,

ક્યહાં લગી સાંભળતી રહું કેવળ અણુ અણુ ઝંકાર !

 .

સઘળું તોડી ફોડી ઢોળી થઈ રહું સૂનકાર,

ઘણું થયું, અવ સ્વયં પધારો તમે જ કેવળ,

અરે હવે ન કરશો વાર,

ઓ મારા એકાંતોના સ્વામી !

 .

( નયના જાની )

અવકાશ – રાજેન્દ્ર પટેલ

એ ફેલાયેલો હોય છે

મારી ચોફેર, શર્ટની જેમ

અને છતાં પકડાતો નથી બટનની માફક.

*

એક વાર એક ખરતું પાંદડું ઊડતું ઊડતું

મારી ઉપર બેઠું

એની પાછળ પાછળ જાણે ઊતરી આવેલો

આખેઆખો એ,

પળમાં કરતો માટી અને મને એકાકાર

*

આંખમાં જાણે દૂરબીન બની

દૂર દૂર એને માંડ દેખે

ત્યારે ઘણી વાર જોવા મળે એની લીલા

અને આખેઆખું આભ ઊતરી આવે ભીતર.

*

એ જાણે

મારી અંદર વહેતો હોય શ્વાસ બનીને

અને કોષેકોષમાં એ વિસ્તરે છે

મારી અંદર

એટલે જ કદાચ એ દેખાતો નથી

છતાં અનુભવાય છે સતત.

*

વરસતાં ફોરામાં

અગણિત આકાશ ઊતરી આવે છે

મારા નાના આંગણામાં,

એમ એ ઊતરી આવે છે દરેક ક્ષણે

મારા પંડમાં.

*

એ છે

મારી અંદર એટલો જ મારી બહાર

છતાં એના અસ્તિત્વ માટે

મારા અસ્તિત્વનો લોપ કરવા

જીવું છું.

*

બાપાજી હવે નથી

બા પણ નથી

કાલે કદાચ હું પણ નહીં હોઉં

છતાં એ હશે આકાશની જેમ

અમારી સાથે

સદા.

*

હાથ લંબાવું હું દર્પણ તરફ

એમ એ હાથ લંબાવી ઊભો છે

મારી તરફ.

બસ

લંબાવું હાથ સહેજ

અને બધું એક…

.

( રાજેન્દ્ર પટેલ )

છોડીને – અશોક ચાવડા ‘બેદિલ’

અવાય તો જ હવે આવ, સાવ છોડીને

હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને

.

અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ,

મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને

 .

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,

જઈ શકાતું નથી પણ તળાવ છોડીને

 .

ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,

કહ્યું તેં અંત સમયમાં : ‘ન જાવ, છોડીને.’

 .

ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે ?

કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.

 .

( અશોક ચાવડા ‘બેદિલ’ )

એનું શું કરીએ – સુરેન્દ્ર કડિયા

કોઈ ખાસ, અતિશય ખાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ અજવાળું અજવાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ ફૂલ-પરીનું હાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ નિત નવો વિશ્વાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ પાસ નહિ, ચોપાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ લીલું-લીલું ઘાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ છૂટ કવિની લઈએ, તો એ માફકસરની હોય ભલા !

પણ જીવન-મૃત્યુ પ્રાસ બનીને આવે એનું શું કરીએ

 .

આ ખળખળ વહેતી આંખો આજે બંધ થવાનું નામ ન લે

કોઈ અંતરનો ઉલ્લાસ બનીને આવે એનું શું કરીએ

 .

( સુરેન્દ્ર કડિયા )

અવકાશમાં – મધુમતિ મહેતા

જળ નથી વાદળ નથી પણ વૃષ્ટિ છે અવકાશમાં

મેં ઘૂંટે ઘૂંટે પીધી એ મસ્તી છે અવકાશમાં

 .

સાવ ખાલીખમ બધું ને તોય તે લાગે સભર

નક્કી અદ્દભૂત ને અલૌકીક સૃષ્ટિ છે અવકાશમાં

 .

મેં સુરા આકંઠ પીધી ને પછી છોડી દીધી

કે નશાની પણ વધારે તૃપ્તિ છે અવકાશમાં

 .

રામ આવ્યા, બુદ્ધ પણ આવ્યા અને ચાલ્યા ગયા

છે પગેરાંનો ઈશારો હસ્તી છે અવકાશમાં

 .

દ્રશ્ય દ્રષ્ટા સર્વે ઓગળીને એકમાં

થાય એકાકાર એવી શક્તિ છે અવકાશમાં

.

છે નમન એને જે કાયાનેય ઓળંગી ગયા

પગ ધરા પર છે ને જેની દ્રષ્ટિ છે અવકાશમાં

 .

( મધુમતિ મહેતા )