ગોરજટાણું – ભગવતીકુમાર શર્મા

હરિ, મન ઝંખે ગોરજટાણું;

ગાયોની ઘંટડીઓ સાથે મોકલશો ને આણું ? હરિ.

 .

સૂર્ય ઢળે તો થાય તમારા અસલ તેજની ઝાંખી;

જૂઠા ઝબકારા સામે મેં આંખ ઉઘાડી રાખી;

બળબળતી બપોરનું મારે શું લેવું ઉપરાણું ?

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

શિંગડીઓના ઉજાસમાં રજકણને આછી ડમરી;

ખરીઓના ભણકારામાં હું તમને લઉં છું સમરી;

ઘરને ખૂણે ધૂંધવાય છે ધીમું છેલ્લું છાણું;

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

( ભગવતીકુમાર શર્મા )

સાબદો રહેજે – નીતિન વડગામા

ઉગામે છે બધા પથ્થર, હવે તું સાબદો રહેજે.

મથે છે ડહોળવા અવસર, હવે તું સાબદો રહેજે.

 .

ભલે મરજાદ એની જાળવે તું જિંદગી આખી,

છતાં અટકાવશે ઉંબર, હવે તું સાબદો રહેજે.

 .

સજાવે છે સવારે રોજ તું જે ફૂલનો ગજરો,

થઈ જશે સાંજના ખંજર, હવે તું સાબદો રહેજે.

 .

અહીં સઘળી દિશાઓમાં સ્વજનના સ્વાંગમાં આજે,

ઊછરતું જાય છે લશ્કર, હવે તું સાબદો રહેજે.

 .

નરી આંખે નહીં દેખાય એ તલવાર કે ભાલા,

નહીં રોકી શકે બખ્તર, હવે તું સાબદો રહેજે.

 .

ફરે છે મોજથી તું જિંદગીના ગાઢ જંગલમાં,

અચાનક ભેટશે અજગર, હવે તું સાબદો રહેજે.

.

હકીકતમાં અહીં ‘જે પોષતું તે મારતું’ અંતે,

મળે છે બહુ તને આદર, હવે તું સાબદો રહેજે.

 .

( નીતિન વડગામા )

હરિ, હું રટું – ભગવતીકુમાર શર્મા

હરિ, હું રટું તમારા શ્લોક

આજ લગી જે જાણ્યું સઘળું

અગડમ બગડમ ફોક ! – હરિ, હું…

 .

શબ્દ-સાધનાનો વરવો શો

મને ચઢ્યો’તો કેફ !

હ્સ્વ ઇ દીર્ઘ ઈ કાંઈ ન સમજું

અનુસ્વાર કે રેફ !

નામ તમારું ચઢ્યું અધર પે

પૂર્યા મંગલ ચોક ! – હરિ, હું…

 .

નામ રટણના દીવા ઝળહળ

ઉજાસ બત્રીસ કોઠે;

રહી કશી ના અવઢવ અબ તો

જે હૈયે તે હોઠે !

ઓચ્છવ આઠે પ્રહર મંત્રના

નહીં સંતાપ કે શોક ! – હરિ, હું…

 .

( ભગવતીકુમાર શર્મા )

ધ્યાન ખેંચે છે – નીતિન વડગામા

.

ભરેલું પાત્ર ઢોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

સરોવર સાવ ડહોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

ધરીને ધ્યાન ઊભો એ જ બગલો શાંત પાણીમાં,

અચાનક ચાંચ બોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

નથી વાવ્યું-ઉછેર્યું ઝાડ એણે તોય એ પાછો-

અકારણ પાન તોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

હતું ખંડેર જેવું ઘર હજી છે એમનું એમ જ,

ફક્ત દીવાલ ધોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

નથી કૈં પંથ નક્કી કે પ્રયોજન પણ નથી નક્કી,

અમસ્તો સાવ દોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

.

પ્રથમ સૌ મારતા ભેગા મલીને હાથમાં ખીલા,

પછી બે હાથ જોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

( નીતિન વડગામા )

પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૫)-હાથથી – આહમદ મકરાણી

.

સ્વપ્ન ફંફોસ્યા કરું છું હાથથી;

આંખને ચોળ્યા કરું છું હાથથી.

 .

યાદ આવી એ રીતે અમને અહીં;

મત્સ્ય થૈ જીવ્યા કરું છું હાથથી.

 .

‘છે’ પ્રસાદી પણ મળી છે કેવડી !

ભેટ એ આપ્યા કરું છું હાથથી.

 .

એટલે અટકી ગયાં છે આંખમાં;

અશ્રુઓ સીવ્યા કરું છું હાથથી.

.

અર્થ હોવાનો હવે મળતો ગયો;

હરઘડી વાંચ્યા કરું છું હાથથી.

 .

( આહમદ મકરાણી )

પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૪)-નાકથી – આહમદ મકરાણી

.

વાતને સૂંઘ્યા કરે છે નાકથી;

ફૂલને મૂક્યા કરે છે નાકથી.

 .

લો, પણછ પણ કામ ના આવે અહીં;

તીર પણ છૂટ્યા કરે છે નાકથી.

 .

શબ્દ જ્યાં ઊણા પડે છે સામટા;

મ્હેફિલો ઊઠ્યા કરે છે નાકથી.

 .

એક અફવા શહેરમાં ફરતી હતી;

આભ પણ ઝૂક્યા કરે છે નાકથી.

 .

કે શપથ અકબંધ કોના હોય છે;

એ બધા તૂટ્યા કરે છે નાકથી.

 .

( આહમદ મકરાણી )

પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૩)-જીભથી – આહમદ મકરાણી

.

આ જગતનો સ્વાદ માપો જીભથી;

કદ પ્રમાણે શબ્દ કાપો જીભથી.

.

અર્થ એના પણ ઘણા નીકળી શકે,

ક્યાંક ઉત્તર એક આપો જીભથી.

 .

સ્વાદ પોતે થૈ સમંદર ઘેરશે;

એક ટીપું નીર ચાખો જીભથી.

 .

રોજ રામાયણ અહીં સર્જાય પણ;

વેણ કોઈનું ઉથપો જીભથી.

 .

કે વિયોગી કોઈ ભેળા ના થયા;

કોઈને જો રોજ શાપો જીભથી.

 .

( આહમદ મકરાણી )

પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૨)-કાનથી – આહમદ મકરાણી

.

(૨)

 .

આ જગતને સાંભળી લો કાનથી;

સાવ બેઠા સંચરી લો કાનથી.

 .

શબ્દ વેરાતા રહે છે હરઘડી;

અધવચાળે આંતરી લો કાનથી.

 .

ફરફરે છે મૌન પીળું ચોતરફ-

શબ્દ સઘળા વેતરી લો કાનથી.

 .

લો, ગઝલના કાફલા ચાલ્યા કરે;

રાહ એનો આંતરી લો કાનથી.

 .

યાદ વર્ષોની પછી ભીતર મળે;

ગત સમયને કોતરી લો કાનથી.

 .

( આહમદ મકરાણી )

પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૧)-આંખથી – આહમદ મકરાણી

.

(૧)

.

એ ન આવ્યા, ના જગાયું આંખથી;

દર્દ એવું- ના ખમાયું આંખથી.

 .

ચીતરેલું દ્રશ્ય જાણે આ જગત;

ના કદી થાતું સવાયું આંખથી.

 .

વ્યર્થ વિરહનો હિમાલય પીગળે,

એક અશ્રુ ના જમાવ્યું આંખથી.

 .

મૌન પોતે જીભ પર આવી રમે;

શબ્દફળ કેવું ખવાયું આંખથી !

 .

આ ચરણ તો કેટલુંયે કરગરે !

મયકદામાં શું પીવાયું આંખથી !

 .

( આહમદ મકરાણી )

કિનારો કરું છું – સ્મિતા પારેખ

સતત કેમ એના વિચારો કરું છું ?

અને એમ ભીતર પ્રહારો કરું છું.

 .

કરું હું ખબર કેમ, એ બેખબર ને ?

હવે એક હળવો ઈશારો કરું છું.

 .

કે ભ્રમણા મળે પ્રેમની તોય ઘણું છે,

પ્રણયની કથામાં વધારો કરું છું.

 .

તને યાદ કરતાં વહ્યે જાય આંખો,

અને એમ સાગર હું ખારો કરું છું.

 .

મને કેમ વ્યથા ઉદાસી મળી છે ?

નિયંતાને પ્રશ્નો હજારો કરું છું.

.

સતત ભીતરે ઝંખું ચાહું છતાંયે,

તમારા વગર પણ ગુજારો કરું છું.

 .

તમારી પ્રતીક્ષા કરી જિંદગીભર,

હવે જિંદગીથી કિનારો કરું છું.

 .

( સ્મિતા પારેખ )