મોરપીંછનાં શુકન – રમેશ પારેખ

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી

કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?

પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !

કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર

મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

( રમેશ પારેખ ‌)

આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી

આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ

સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ

 .

એ પછી સમજી શકાશે લાગણી ને માગણી

સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ

 .

પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો-

દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ

 .

પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો

આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ

 .

એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી

મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ

 .

( છાયા ત્રિવેદી )

હું અનોખો માનવી – જયંત સચદે ‘કસુંબી’

હું અનોખો માનવી છું મોતથી ડરતો નથી

જુલ્મ લાખો ભલે ને વરસે, જુલ્મથી ડરતો નથી

 .

મુસીબતોની મઝા અનોખી માનવી જીવન મહીં

હર મુસીબતોને વધાવું પાછો ફરતો નથી

 .

કંટકોથી દિલ્લગી છે, સંકટોનો સાથ છે

ગુલઝારની રંગીન ગલીઓમાં હું વિહરતો નથી

 .

આરઝુ છે લાખ દિલમાં તોય રાખું સ્વસ્થતા

કલ્પનાઓના તરંગે, હું કદી તરતો નથી

 .

વાસ્તવિકતાના ખડકથી ટક્કરો લઉં છું પણ

કાળ કેરી કયામતોથી હું કદી મરતો નથી

 .

છું ‘કસુંબી’ મસ્ત માનવ, વેરું માનવતા સુવાસ

પાપ યા તો પુણ્ય કેરા હિસાબ હું કરતો નથી

 .

( જયંત સચદે ‘કસુંબી’ )

શ્યામ ! તમે – મહેશ સોલંકી ‘બેનામ’

.

શ્યામ ! તમે તો સમય સરોવર,

અમે ઘડીની માછલીઓ

શ્યામ ! તમે તો સભર શ્રીફળ ને

અમે તૂટેલી કાચલીઓ.

 .

શ્યામ ! તમે તો ફૂંક સૂરની

અમે વીંધાયેલ વાંસળીઓ,

શ્યામ ! તમે તો સૌરભ મીઠી

અમે ફૂલની પાંખડીઓ.

 .

શ્યામ ! તમે તો ગગન વહન ને

અમે વિહરતી વાદળીઓ,

શ્યામ ! તમે તો સૂર-કિરણ ને

અમે ઉજાગર આંખડીઓ.

 .

( મહેશ સોલંકી ‘બેનામ’ )

ત્રણ લઘુ કાવ્યો – જયંત દેસાઈ

(૧)

હથેળી પર

તારું નામ

લખી,

હાથ પાણીમાં

બોળું તો

તે જ ક્ષણે

બની જાય

પાણીનું અત્તર !!!

 .

(૨)

આંગણું

પસાર કરતાં

પોસ્ટમેનના ખભે

પતંગિયું

આવીને બેઠું

અને તે સાથે જ

દૂર પહાડોમાં

ક્યાંક કોયલ

ટહૂકી….

હું તરત જ પામી

ગયેલો : નક્કી,

પત્ર તો તારો જ

હશે !… !!…!!!!!…

.

(૩)

તું નહીં માને

પણ હવેથી

મારા ઘર આગળથી

પસાર થતા બધા

રસ્તા, તારા

નિવાસ આગળ

જ આવીને

અટકે

છે !…!!..!!!…

 .

( જયંત દેસાઈ )

ક્યારેક સતને યાચું – હરીશ મીનાશ્રુ

ક્યારેક યાચુંછું સત; ક્યારેક સ્વપ્ન યાચું;

ક્યારેક દોડું છું કાળને પાછળ નાખું;

ક્યારેક વર્ષું છું અમૃતની સેર અને

ક્યારેક મૃત્યુની ભોળી ભીખ માગું.

 .

પુણ્યસ્મરણ : વિન્દા કરંદીકર

 ( અનુવાદ : જયા મહેતા )

.

ક્યારેક સ્વપ્ન યાચું ક્યારેક સતને યાચું

તડકાનો તંત ઝાલી સૂરજના તતને યાચું

 .

ક્યારેક સિરને સાટે તાજોતખતને યાચું

ક્યારેક મોરપીંછા જેવા વખતને યાચું

 .

એકાકી થઈ જવાની અંગત રમતને યાચું

એમાંય એની ખુશ્બૂ ને એના ખતને યાચું

 .

ક્યારેક આંસુઓમાં ક્ષણ સંઘરી લઉં ને

એનું સ્મરણ સમેટી ગદ્દગદ હું ગતને યાચું

 .

તન્મય બનીને મયમાં હું સ્થિરતાને સાધું

તોબા કરીને રણઝણ રિન્દોની લતને યાચું

.

વાદ્યો શમ્યા પછી યે ઝણકાર શેષ હો તો

સાતે સ્વરોની મધ્યેના મૌનવ્રતને યાચું

 .

ક્યારેક વસ્ત્ર ત્યાગી હું અંતરીક્ષ ઓઢું

ક્યારેક આ ત્વચા પર કૈં કૈં પરતને યાચું

 .

ધરતી કને હું યાચું ક્યારેક રજની રિદ્ધિ

નભના કોઈ તારકની ખરતી રજતને યાચું

 .

કંથાનો જરકસી આ જામો પહેરી, મુરશિદ

તારી કને ફકીરીની સલ્તનતને યાચું

.

ભીતરની ભીડને હું સંબોધું વિજનતામાં

ભરચક સભામાં ખૂણે બેસી સ્વગતને યાચું

 .

કાગળ કલેજું કોમળ કાતિલ કલમ કટારી

શાહીના બુંદ જેવા જખ્મી જગતને યાચું

 .

શબ્દોના આ સબાકા જાણે જનોઈવઢ છે

જુદ્ધે ચઢી ગઝલમાં ઘાયલની ગતને યાચું

 .

( હરીશ મીનાશ્રુ )

આમેજ થઈ જાવું ! – રાજેન્દ્ર શુક્લ

તેજ સંગાથે ભળીને તેજ થઈ જાવું,

એને જોવું એટલે તો એજ થઈ જાવું !

 .

હોઈયેં જે એ જ પાછું સ્હેજ થઈ જાવું,

આ બધું છોડી અને સાચે જ થઈ જાવું !

 .

એમ હલકી ને હલકતું હેજ થઈ જાવું !

રંગમાં રંગાઈને રંગરેજ થઈ જાવું !

.

છો છવાતી શુષ્કતા ચોપાસ વિસ્તરતી,

આપણે તો ભીનું ભીનું ભેજ થઈ જાવું !

 .

આખરે તો આ બધાં યે નામ ને રૂપો,

એક છે તો એકમાં આમેજ થઈ જાવું !

 .

( રાજેન્દ્ર શુક્લ )

ધન્યવાદ, અભિનંદન અને આભાર

.

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા-૨૦૧૧માં મારા બ્લોગને પણ શ્રેષ્ઠ ૧૦ બ્લોગમાં સ્થાન મળ્યું તે જાણીને આનંદની લાગણી અનુભવું છું.

 .

સૌ પ્રથમ તો આવી સ્પર્ધા યોજવા બદલ હું ગુજરાતી નેટ જગતના સંચાલકો વિજયભાઈ શાહ, કાંતિભાઈ કરશાળા, જિજ્ઞેશભાઈ અધ્યારુ અને ટીમને ધન્યવાદ આપું છું. તથા અન્ય વિજેતાઓને અભિનંદન આપું છું.

 .

હું આભાર માનું છું…

  • નિર્ણાયકોનો, જેમણે પોતાનો કિંમતી સમય ફાળવીને યોગ્ય મૂલ્યાંકન કર્યું
  • એ સર્જકોનો, જેમની રચના હું મારી સાઈટ પર મૂકું છું.
  • વાચકોનો..જેમણે સમય કાઢીને મારી સાઈટને માણી અને પ્રતિભાવ આપ્યા.
  • મારી સાઈટને વોટ આપનાર મિત્રોનો.
  • વિનયભાઈ ખત્રીનો જેમણે મને સાઈટ બનાવી આપી અને સતત બ્લોગ કે સાઈટ વિશે માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે.
  • જિજ્ઞેશભાઈ અધ્યારુનો..જેમણે “અક્ષરનાદ”ને મારી સમક્ષ એક આદર્શરૂપ મૂકીને પ્રેરણા આપી છે.
  • મારા પરિવારજનોનો…જેમણે મને મારી આ ગમતી પ્રવૃત્તિ કરવા સ્વતંત્રતા આપી.
  • કાજલ શાહનો..
  • અન્ય તમામ નેટજગતના મિત્રોનો, મારા અંગત મિત્રોનો

 .

બ્લોગની શરૂઆત કરી ત્યારથી એ નક્કી રાખ્યું છે કે બ્લોગ પર એવી રચના મૂકવી જે આ અગાઉ નેટ પર ક્યાંય ન મૂકાઈ હોય. અને જાતે વાંચીને, જાતે શોધીને જ મૂકવી. કોપી-પેસ્ટ ક્યારેય ના કરવું. શક્ય હોય ત્યાં સુધી જોડણી ભૂલ ન કરવી. આ જ નિયમોને અત્યાર સુધી જાળવી રાખવાની કોશિશ કરી છે. આવનારા વર્ષોમાં પણ આજ રીતે ઉત્તમ રચનાઓ વાચકો સમક્ષ મૂકવાની ઈચ્છા ધરાવું છું. શ્રી હરિ સમક્ષ પ્રાથના કરું છું કે આ માટે મને શક્તિ અને સમય પ્રાપ્ત થાય.

 .

હિના પારેખ “મનમૌજી”

.

 

ભવાની – મધુમતી મહેતા

રુદનસંહિતા છોડ ભવાની ત્રિશૂળ દ્વાર પર ખોડ ભવાની

ધગધગ ધગતી બળ બળ બળતી તું લાવાની છોળ ભવાની

 .

રામ હવે ભણકાર કાનનો સિંહાસને બેઠા છે રાવણો

એક વિજયટંકાર સાથ બે શિવધનુષ્ય મરોડ ભવાની

 .

તું તરસ્યાં હરણાંની પ્યાસ થઈ દ્વાર દ્વાર ભટકે છે આશ લઈ

તું જ તને ઓળંગ આજ કે તારી તુજથી હોડ ભવાની

 .

ઘનન ઘનન ઘનઘોર ઘટા તું ચમક દમક વીજળીની છટા તું

ઊંચક નજર ધરતીથી આજ નભ સાથ સાથ તું જોડ ભવાની

 .

આદ્યશક્તિ અવતાર અનાદિ સિંહારૂઢ સંચાર શિવાની

અડગ ખડગ અંગાર આંખ સંસાર પાશ સૌ તોડ ભવાની

 .

( મધુમતી મહેતા )

ઝંખના – પલ્લવી શાહ

.

જ્યારે જ્યારે તું મને સ્વપ્નમાં આવે છે ત્યારે ત્યારે મને આ દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે છે. ક્યારેક મારી આંખ ભરાઈ આવે તો ક્યારેક મારું મસ્તક તને નમી પડે છે તો ક્યારેક હું મારી સુધબુધ ખોઈ બેસું છું. આ ઝાડ, પાન, આકાશ, સમુંદર, ધરતી, પશુ-પંખી, આબાલ વૃદ્ધ બધા જાણે મને હસતા લાગે છે. મારી આજુબાજુના બધાં દુ:ખ ભૂલીને હું ખૂબ ખુશખુશાલ થઈ જાઉં છું અને જેટલી હું ખુશ થાઉં છું એટલી તને મેળવવાની, તારામાં સમાઈ જવાની પ્યાસ મારામાં વધતી જ જાય છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. ને મારી આંખો ભરાઈ આવે છે. એ મારા આંસુ સાથે વારંવાર તને એક જ વિનંતી કર્યા કરું છું કે ક્યારેક ભૂલથી પણ હું રસ્તો ભૂલું તો મને ઉદાર દિલે માફી આપી મારી સાથે ને સાથે, મારી પાસે ને પાસે રહેજે. મારો સાથ તું કદી પણ છોડતો નહિ. મને સાચો રસ્તો બતાવી મારો રાહદારી બનજે, બનીશ ને ?

 .

હું તને કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે ? ક્યારેક મને ઈચ્છા થાય છે કે તારી માતા બની મારું ધાવણ તને અર્પૂ, તને ખૂબ વહાલ કરું, તારા માથા પર, તારા શરીર પર હેતનો વરસાદ વરસાવું, તને નવરાવું, સરસ વસ્ત્રાલંકાર પહેરાવું, તને સજાવું, તો ક્યારેક મને થાય છે કે હું તારી દીકરી થઈ જાઉં, તું મને ખૂબ વહાલ કરે, મારે માથે હાથ ફેરવી મને પરમ શાંતિનો અનુભવ કરાવે તો ક્યારેક મને થાય છે કે હું તારી બહેન બની તને રાખડી બાંધુ, તારી છાતીમાં મ્હોં છુપાવી મારા સુખદુ:ખની વાત કરું. તું મારી સમક્ષ રહે અને પળે પળે તારી આંખોમાંથી વ્હાલપનું ઝરણું મારી સમક્ષ વહેતું રહે. તું મને કયા સ્વરૂપે સ્વીકારીશ ?

.

( પલ્લવી શાહ )

.