આપણે બધાં જ – કાજલ ઓઝા વૈદ્ય

આપણે બધાં જ બળ્યા કરીએ છીએ…

ઝીણું ઝીણું

અગરબત્તી જેવું નહીં

સિગરેટ જેવું – લીલાં લાકડાંની ચિતા જેવું,

આપણા ધુમાડા

કોઈએ ‘એક્સેલ’કરેલા –

પણ નુકશાન બીજાને કરે એવા !

‘પેસિવ સ્મોકિંગ’ કરાવતા, સતત.

 .

પેટ્રોલમાં કેરોસીન મેળવીને ચલાવાતી

રિક્ષામાંથી નીકળતા ‘સ્મોક’ જેવા.

બધા મળીને ‘ઓક્યા’ કરીએ છીએ

કાર્બન ડાયોક્સાઈડ, સતત !

 .

એકબીજાને તાકીને ‘એક્સલ’કરીએ છીએ,

અને

ઘર – ગલી – ગામ – શહેરમાં

કાળા- ધોળા – કાબરચીતરા…

ધૂમ –ધૂમ ધુમાડાનાં વાદળો,

પાછાં વાતો ‘સન-સેટ’ની કરીએ છીએ !

મરીન ડ્રાઈવ પર બેસીને

આપણે સૌ

‘ક્લિન અને ગ્રીન’ના પાટિયા નીચે… બરાબર !

 .

ચણા ‘ચોર’ ગરમનાં ખાલી પડીકાં, સિગરેટનાં ઠૂંઠાં,

ચોકલેટના રેપર અને કોલાકોલાનાં ટીન.

“જરા આઉટિંગ – સાંજનું… બીજું શું ?”

 .

વળી પાછા

કારના ધુમાડા…

“અમે શું કરીએ ?…

પેટ્રોલ જ ખરાબ આવે છે !”

 .

રાત્રે ‘જસ્ટ ડેસર્ટ’

કે

‘શામિયાના’માં

કોફીના ટેબલ પર

સુડો વાતો સાથે

પોલિટિક્સ, ફિલ્મ અને

બ્રાન્ડ ઈક્વિટીની ચર્ચાઓ સાથે,

ફરી – ધુમાડા…

 .

‘નાઈટ ઈઝ સ્ટીલ યંગ’ના

ચવાઈ ગયેલા ચ્યુઈંગમ જેવા

ચીકણા શબ્દો સાથે

વળી એકબીજા સામે ‘એક્સલ’

 .

કોઈની બૈરીની – કોઈના ધણી સામે

ગૂંચવાતી નજરના ગોટેગોટા

બિઝનેસની વાતો સાથે –

બાટલીમાં ગૂંગળાતા ધુમાડા

ને ઉપરથી બૂચ !

 .

આમ ક્યાં સુધી

ગોટામાં જીવવું છે આપણે ?

આપણી અંદર ગોટમોટ થઈને…

..સામાને ગૂંગળાવીને ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

આપી શકે – ભરત ભટ્ટ “તરલ”

તું મને આપી શકે તો બેખુદી આપી શકે,

ને જવાનીના શુકરથી મયકશી આપી શકે !

 .

પ્યારની સાથે અહીંયા જિંદગી સંગીન છે;

તું મને તારા સ્મરણની બંદગી આપી શકે !

 .

ગાઢ આ સંબંધ છે ને ગાઢ આ એકાંત છે,

કૈંક ઈચ્છા હોય તો બસ તાજગી આપી શકે.

 .

આ વ્યથા બુઝાવવા આંસુ અને તડપન સહિત;

હું હજુયે માંગુ છું કૈં સાહ્યબી આપી શકે ?

 .

એટલો સંતોષ છે કે આ ગઝલ દીવો બની;

તું કદી તારી નજરની રોશની આપી શકે.

 .

કાળ-સાગરને કિનારે એકલો હું હોઉં તો;

તું મરણ આવે પછીની જિંદગી આપી શકે ?

 .

( ભરત ભટ્ટ “તરલ” )

બસ એક વાર – વર્ષા બારોટ

તમારી પાસે મારી કોઈ જ

માંગ નથી.

બસ,

મારે તમને એટલું જ કહેવું છે

કે

જ્યારે તમે હિંસા તરફ વળો

એ પહેલા

બસ એક વાર

ફૂલોના ચહેરા જોજો

કોઈ પંખીનું ગીત સાંભળજો

રમતાં બાળકોમાં થોડું રમી લેજો

વૃક્ષોને વ્હાલ કરજો

મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈને

છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો

આકાશને બાથમાં લેજો

ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં

આખા વિશ્વને જોજો

ને છેલ્લે

આ ધરતીને સલામી ભરજો

બસ એક વાર

હિંસા તરફ વળો એ પહેલાં…

 .

( વર્ષા બારોટ )

ચકચૂર થઈને – ચંદ્રેશ મકવાણા

ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં

જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં

 .

દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું

હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યાં

 .

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી

વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યાં

 .

ના તો રડી શકી ના જરા એ હસી શકી

કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં

 .

બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા

ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં

 .

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી

મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યાં

.

( ચંદ્રેશ મકવાણા )

જળમાં ઝૂરે – સુરેશ દલાલ

જળમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :

ભર વસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :

નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

વૃંદાવનમાં ઝૂરે વાંસળી; ઝૂરે મીરાંનું મન :

જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

( સુરેશ દલાલ )

તો પણ ઘણું – મહેશ સોલંકી ‘બેનામ’

આપણા હકનું મળે તો પણ ઘણું,

એક બે સપનાં ફળે તો પણ ઘણું.

 .

એ જ આશયથી રહે જલતી શમા,

એક પરવાનો બળે તો પણ ઘણું.

 .

છે નગર બહેરું ને પાછું આંધળું,

સ્પર્શથી જો સાંભળે તો પણ ઘણું.

 .

ભરબપોરે સૂર્ય તો ઊંઘે નહીં,

આ કળિયુગ પીગળે તો પણ ઘણું.

 .

જિંદગી ‘બેનામ’ છે બાજીગરી,

શાનથી પાસાં ઢળે તો પણ ઘણું.

 .

( મહેશ સોલંકી ‘બેનામ’ )

તું એટલે – મહેન્દ્ર ગોહિલ

તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર,

ખાલી થયેલું નગર એટલે હું !

 .

મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને

રસ્તા વિહોણી સફર એટલે હું.

 .

તું એટલે મારું હોવાપણું, ને –

‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું.

 .

તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર,

પાછી ઠેલાતી નજર એટલે હું.

 .

મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા,

હું જાણે મારા વગર એટલે હું.

 .

( મહેન્દ્ર ગોહિલ )

આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’

આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે

લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે

 .

પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત

એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે

 .

દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી

બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે

 .

જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે

ચાલ્યો છું એક નઝર છતાં ફરતે પ્રવાસ છે

 .

તુજને પ્રિયે કદી નહિ હું ચંદ્ર તો કહું

એની કને તો સૂર્યનો માંગ્યો ઉજાસ છે

 .

એનું સ્મરણ કરો નહિ એમાં છે વેદના

‘મેહુલ’ બધાની જેમ અધુરો જ શ્વાસ છે

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

નારી ચેતના વિશે – મધુમતી મહેતા

એક યુગ ઢંઢોળવામાં લાગશે

પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે

 .

કાલ માગી’તી ધરા પાસે જગા

આજની સીતા જવાબો માગશે

 .

પાર કરશે લક્ષ્મણી રેખા અને

એ જ રાવણને પછી સંહારશે

 .

ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં

એ દુ:શાસનના જ હાથો વાઢશે

 .

ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી

ખોખલી મરજાદ સર્વે ત્યાગશે

.

પલ્લવિત કરશે નવું જીવન અને

એક નવયુગમાં સમયને સ્થાપશે

 .

( મધુમતી મહેતા )

અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ

અગોચર દિશાથી સતત સાદ આવે,

એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે.

 .

અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે !

દશેયે દિશાથી છતાં દાદ આવે.

 .

ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે,

ન હો કોઈ બીજું ને સંવાદ આવે !

.

અમારી જ રીતે અમે ચાલવાના,

ભલેને કબીરા શા અપવાદ આવે.

 .

અહીં શાંત કોલાહલોના સમંદર,

ઘૂઘવતા રહે ને ગહન નાદ આવે.

 .

( દત્તાત્રય ભટ્ટ )