તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ

તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?

જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો,

 .

તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ?

જો ના જોવા હોય તો તમે આંધળા છો,

 .

તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ?

જો ના કર્યો હોય તો તમે મૂંગા છો,

 .

મને ખરેખર અફસોસ છે કે

તમને બોલતાં, સાંભળતાં અને દેખતા કરવા માટે

 .

હું કવિતા લખ્યા સિવાય કશું જ કરી શકતો નથી.

 .

( ભાવેશ ભટ્ટ )

સાહિબ સપ્તક (૭) – નીતિન વડગામા

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

કાળ તણા વિકરાળ પ્હાડ થઈ જાતા જાણે કંકર !

 .

પડછાયો થઈ પડખે રહીને એ રખવાળું કરતાં

બળબળતા સૂરજને ઝીલી વાદળ થઈ ઝરમરતા.

 .

જોજન છેટે હોય છતાંયે લાગે નિકટ નિરંતર.

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

શૂળીનો એ હુકમ સોયથી સહજ ઉકલી જાતો !

થંભેલો ધબકારો દોડી ફરી નાચતો – ગાતો!

 .

કોઈ કૃપાનું કવચ સાંપડે કેવું અગમ અગોચર !

 સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૬) – નીતિન વડગામા

સાહિબ, સાચો સાગરખેડુ.

ખેપ કરીને ભરતો એ સૌની ઈચ્છાનું બેડું.

 .

દરિયો એ છે, એ જ હલેસું, એ જ આપણી હોડી.

મૂરખ મનવા, તારે એને કેમ મૂકે તરછોડી !

 .

કાંઠાની રેતી થઈને કાં મોજાંને છંછેડું ?

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

નિત્ય નિરંતર થાતી રહેતી એની આવનજાવન.

પગલું પડતું ને થઈ જાતું મનનું ફળિયું પાવન !

 .

વ્હાલ કરી આખાયે જગને કરે આંગણે તેડું !

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૫) – નીતિન વડગામા

સાહિબ, શાંત સરોવરપાણી.

સચરાચરમાં ઝિલાતી કંઈ ભીની અમરતવાણી.

 .

ભરતી-ઓટ ન આવે એમાં, ના ઊછળતાં મોજાં.

પળપળ વીતે સમથળ એને શું ઈદ કે શું રોજા ?

 .

રોમેરોમે રામરટણની કરતા રહે ઉજાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

કોરા એ કાંઠાને જળનો કાયમનો સથવારો.

હંસ ચણે છે હરખે હરખે મીઠો મોતીચારો.

 .

કાળમીંઢ પથ્થર વચ્ચેથી સતત વહે સરવાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૪) – નીતિન વડગામા

સાહિબ, વીરડો ગાળે રણમાં.

ખોબેખોબે ભીનપ વહેંચે ધરતીના કણકણમાં.

 .

વૈશાખી તીખા તડકાને વ્હાલ કરી વેંઢારે.

વાદળ થઈને સૌને ફળિયે વરસે અનરાધારે.

 .

રઢિયાળી રંગોળી પૂરે અવાવરુ આંગણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

એની આંખો સૌની પીડાનું પરબીડિયું વાંચે.

જગને રાજી જોવા એ તો રામરટણમાં રાચે.

 .

મેળ નહિ બેસે કંઈ મનવા, અધકચરી સમજણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૩) – નીતિન વડગામા

સાહિબ, થાય જરા બસ રાજી.

અવર કશું ના યાચું ના કંઈ કરું ઝંખના ઝાઝી.

 .

રાજીપાની રેખામાંથી મળે સંપદા મોટી

હીરા-મોતી છોડી શું કામ લઈ એક લખોટી !

.

બંધ આંખથી રમતાં તોયે જીતી જઈએ બાજી !

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

મેલા જીવને માફ કરી કરીને રુદિયામાં સંઘરજો.

કાલાઘેલા શબ્દોનીયે હૂંડી કબૂલ કરજો.

 .

બારેમાસ મહેકતી રહેશે મનની એ વનરાજી!

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

( નીતિન વડગામા )

સાહિબ-સપ્તક (૨) – નીતિન વડગામા

સાહિબ, દર્શન ઝટપટ દેજો.

નાના-મોટા પટ પછવાડે હવે ન ઝાઝું રહેજો.

 .

સમરણનાં તંતુને ટેકે ક્યાં લગ ઊભા રહેવું ?

જીવ ઝૂરતો અંદર અંદર એ દખ કોને કહેવું ?

 .

મનના ગુના માફ કરી, પંપાળી પડખે લેજો.

 સાહિબ, દર્શન ઝટપટ દેજો.

 .

મોઢામોઢ થવાની ઈચ્છા રોમેરોમમાં ઊગે,

કેદ થયેલો કૂવો દરિયે કેમ કરીને પૂગે ?

 .

પથ્થર વચ્ચે ગીત ગૂંજતું ઝરણું થઈને વહેજો.

સાહિબ, દર્શન ઝટપટ દેજો.

 .

( નીતિન વડગામા )

નૂતનવર્ષાભિનંદન

 

દિવાળીના દીવડાનો પ્રકાશ આપના જીવનમાં

અઢળક પ્રેમ પાથરે અને દુ:ખોને અંધકારની જેમ દૂર કરે…

નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ

લાવે એ જ શુભેચ્છા…

હિના પારેખ તથા પરિવાર

સાહિબ-સપ્તક (૧) – નીતિન વડગામા

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

ભાંગેલી ભીતરની બારી અમે ઉઘાડી રાખી.

 .

ક્યાં કહીએ કે અમને આપો સૂરજ આખેઆખો ?

એકાદા કિરણની આંગળીએથી ચપટીક ચાખો.

 .

એક પલકમાં ઓગળશે આ જીવની બધી તુમાખી.

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

 .

ઝીણો એ ઝબકારો ઉલેચે અઢળક અંધારા,

થીજી જાતા અચરજઘેલી આંખોના પલકારા !

 .

પાર કરાવે પદ નાનકડું,નાની અમથી સાખી.

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

 .

( નીતિન વડગામા )

દીપપર્વ – હિના પારેખ “મનમૌજી”

એક કલાકથી એ બસની લાઈનમાં ઉભો હતો. બસ આવતી અને ભરાઈને ચાલી જતી. ને છતાં લાઈન તો એટલી ને એટલી જ હતી. સદનસીબે એક ખાલી બસ આવી. પાછળથી એને ધક્કો વાગ્યો અને એ ધકેલાઈને બસમાં ચઢી ગયો. બારી પાસે જગ્યા ખાલી હતી. ત્યાં જઈને એ બેઠો. બારીની બહાર નિહાળવું તો ક્યારેક આંખો બંધ કરીને વિચારવું એ એની જૂની આદત હતી.

 .

શહેરના રસ્તા પર બસ સરતી હતી..એની નજર બારી બહારના દ્રશ્યો પર ફરતી હતી. અને એની વૃદ્ધ માના શબ્દો યાદ આવ્યા. ગયા વર્ષે માએ કહ્યું હતું…”દીકરા અભિજિત, વધુ એક દિવાળી આવી રહી છે. શું આ વર્ષે પણ આપણું ઘર વહુના હાથે દીવા મૂકાયા વિનાનું જ રહેશે ?” અને ખરેખર માના શબ્દો સાચા પડ્યા હતા. એ વહુને લાવે તે પહેલાં જ માને હાર્ટએટેક આવ્યો અને ઘર દીવા મૂકાયા વિનાનું જ રહ્યું.

 .

આ વર્ષે ફરી દિવાળી આવી રહી હતી. અને એ માના શબ્દો ભૂલી શક્યો જ ન્હોતો. પણ સગાસંબંધી વિનાનો, એકલો અટૂલો એ….એને કોણ કન્યા આપે ? ને એટલે જ કદાચ આજે એ “સપ્તપદી મેરેજબ્યુરો” નામની સંસ્થામાં જઈ રહ્યો હતો. નિયત સ્થળે બસ અટકી અને એ ઉતર્યો. મેરેજબ્યુરોના પગથિયાં ચઢતાં જ રોમાબેને એને આવકાર્યો. એણે એની કથનિ કહી સંભળાવી. રોમાબેને એક આલ્બમ જોવા આપ્યું. નામ-સરનામા વિનાના વિવિધ ચહેરાઓનો એમાં સમાવેશ હતો. એ જોવા લાગ્યો.

 .

અચાનક એક ચહેરો જોઈને એ આલ્બમના પાના ફેરવતાં અટકી ગયો. સપ્રમાણ દેહાકૃતિ, ખીલેલા ફૂલ જેવું હાસ્ય, મોં પરનું ઓજસ, નિર્દોષ-શર્મિલો ચહેરો – બધું જ એને ગમી ગયું. એણે એ ફોટો રોમાબેનને બતાવીને કહ્યું : “હું આની સાથે લગ્ન કરવા ઈચ્છું છું”. ફોટો જોઈને રોમાબેન આશ્ચર્યથી બોલ્યા : “ તમે આની સાથે લગ્ન કરશો ? આ તો પૌલોમી છે. અને પૌલોમી જન્મથી અંધ છે”. એક ક્ષણએ અટક્યો, આંખો બંધ કરીને વિચાર્યું અને પછી બોલ્યો : “એ અંધ છે તેથી શું થયું? હું એની સાથે જ લગ્ન કરીશ”.

 .

ને થોડા દિવસો રહીને દિવાળી આવી. દિવાળીની ઢળતી સંધ્યાએ પૌલોમીનો હાથ પકડીને એ પોતાના ઘરે લઈ આવ્યો. અને કહ્યું : “આ આપણું ઘર છે અને આ રહ્યો માનો ફોટો. ચાલ આપણે માની તસ્વીર સામે દીવો પ્રગટાવીએ”. દીવો પ્રગટાવવામાં એણે પૌલોમીની મદદ કરી. દીવો પ્રજ્વલિત થયો. અંધકારભર્યા રૂમમાં પ્રકાશ ફેલાયો. માની તસ્વીર, પૌલોમીની આંખો એ પ્રકાશમાં ચમકી ઊઠી. અને એણે માને મનોમન કહ્યું : “મા, આજે મેં બે દીપ પ્રગટાવ્યા. એક આપણા ઘરમાં અને એક પૌલોમીના જીવનમાં. તું ખુશ છે ને મા ?”

 .

તસ્વીર બની ગયેલી માનું મોં બે દીપના ઉજાસમાં હસી રહ્યું.

 .

( હિના પારેખ “મનમૌજી” )