તો શું કરવાનું ? – મધુમતી મહેતા

નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું ?

એમ જ તો આ જીવનગાડું ગબડ્યું છે તો ગબડ્યું છે તો શું કરવાનું ?

 .

આંબા ડાળે કોયલ બોલે, મેના બોલે, ભમરા ડોલે મનડાં મોહે

આજે અમથું એક કબૂતર ફફડ્યું છે તો ફફડ્યું છે તો શું કરવાનું ?

 .

વાતે વાતે ગાણાં ગાયાં, રમતાં ગાયાં, જમતાં ગાયાં, એમ જ ગાયાં

ગાતા’તા ને ટપ્પક આંસુ ટપક્યું છે તો ટપક્યું છે તો શું કરવાનું ?

 .

ખાંખાખોળા ખૂબ જ કીધા અહીંયાં જોયું, ત્યાં પણ જોયું કાંઈ મળ્યું ના

સુખની પાછળ મન તો ભૈલા ભટક્યું છે તો ભટક્યું છે તો શું કરવાનું ?

 .

આખ્ખા ગામ વચાળે બેઠું પાણીમાં ને વાગ્યું નહીં ને આજે જંતર

ખાલી ખૂણે ઠાલું ઠાલું રણક્યું છે તો રણક્યું છે તો શું કરવાનું ?

 .

જીવ અમારો સાવ જ સુક્કા દિવસો સાથે વરસો સાથે માંડ હળ્યો ત્યાં

કોઈ સુંવાળી યાદી લઈને અડક્યું છે તો અડક્યું છે તો શું કરવાનું ?

 .

પાછળ હોય ઢોલ નગારા ને સામે મુરલીની માયા તો અવઢવમાં

મ્હેતાનું મન લીંબો થઈને લટક્યું છે તો લટક્યું છે તો શું કરવાનું ?

 .

( મધુમતી મહેતા )

તલાશમાં – સાહિલ

છે કઝા જીવનની તલાશમાં ને જીવન કઝાની તલાશમાં,

હું નવાઈ કેમ ન પામું કે છે હવા – હવાની તલાશમાં.

 .

સહેલાઈથી પહોંચી જવાયે ઉજાસના ઘરે એટલે,

તમે જે દિશામાં વળી ગયાં – અમે એ દિશાની તલાશમાં.

 .

તમે બંદગીમાં ડૂબી ગયાં – અમે મયકશીમાં ડૂબી ગયાં,

તમે પણ ખુદાની તલાશમાં – અમે પણ ખુદાની તલાશમાં.

 .

નથી અમને ભૂલા પડ્યા તણો – હવે રંજ યા કોઈ વસવસો,

પહોંચી ગયા છીએ મંઝિલે અમે કાફલાની તલાશમાં.

 .

અહીં ખુદના બિંબને ઝાલવાના પ્રયત્ન કરતાં મળ્યા સહુ,

અમે ખુદ વસંતને જોઈ છે અહીં ઝાંઝવાની તલાશમાં.

 .

વીતે સામ-સામે જીવન છતાં નથી ઓળખી શક્યા જાતને,

સહુ આઈનામાં સમાઈને-રહ્યા આઈનાની તલાશમાં.

 .

ભલે હોય સરખાં જખમ છતાં – છે ઈલાજ સાહિલ અલગ અલગ,

તમે છો દવાની તલાશમાં – ને અમે દુવાની તલાશમાં.

 .

( સાહિલ )

હું તરસનો ટાપુ – યાકુબ પરમાર

હું તરસનો ટાપુ

એમાં તળાવ તું

ગૂંચ આ તરસની

ઉકેલી બતાવ તું

.

મારા અણુ અણુ આ,

વ્યાપી વળે, સતાવે

ક્યાંથી તને જરી પણ

પ્રસરી જવાનું ફાવે ?

આ તપ્ત રણના પટમાં

ભીનો બનાવ તું.

.

આભાસ પાથરીને

મૃગજળ તને પજવશે,

શાતા બનીશ તોયે

આંધી તને ચગળશે

પ્યાલા ધરું તરસના

લે ગટગટાવ તું

.

( યાકુબ પરમાર )

કાળો સૂરજ – રીના મહેતા

મારી જમણી તરફની દીવાલ પાછળ

દારુડિયો ધણી

પોતાની બૈરીને મા-બહેન સમાણી ગાળો દેતો

રોજ કકળાવે છે.

ડાબેની દીવાલે

માંદલી, આધેડ બાયડીનું માથું અફાળતો વર

એને છૂટી ખુરશી મારવા દોડે છે.

સામેના બારણે

ચાર મહિના પહેલાં પરણેલી વહુને એનો પતિ

માની ફરિયાદે

ધબોધબ ધીબી નાખી કહે છે :

તારા બાપને ઘેર ચાલી જા.

ત્યારે

રાતના અંધારામાં

એમના ભેગી મારી આંતરડી

એવી તો કકળે છે કે

સવારે

પાછલી ઉઘાડી પૂર્વ દિશામાં

ઊગેલો લાલ સૂરજ

મને કાળો લાગે છે.

.

( રીના મહેતા )

સંબંધના સમુદ્રને – ‘રાઝ’ નવસારવી

સંબંધના સમુદ્રને ડહોળી રહ્યો છું હું,

નિર્મળ હૃદયના પ્રેમને ખોળી રહ્યો છું હું.

.

હું કંઈ અમસ્તો જોતો નથી એની આંખમાં,

વરસોની ઓળખાણને ખોળી રહ્યો છું હું.

.

મારી કશી દખલ નથી, દિલનો વિવેક છે,

જેના ઉપર પસંદગી ઢોળી રહ્યો છું હું.

.

નિખરીશ એવો, નિરખીને સૌ દંગ થઈ જશે,

આંસુના જળમાં ખુદને ઝબોળી રહ્યો છું હું.

.

તાસીર એની કે’શે એ અમૃત કે ઝેર છે,

જાણું છું એટલું કશું ઘોળી રહ્યો છું હું.

.

આ સ્વપ્નવત જીવનમાં કશું બીજું ના થયું,

બાળકની જેમ આંખને ચોળી રહ્યો છું હું.

.

( ‘રાઝ’ નવસારવી )

તારી સંમોહક નજરનું આકર્ષણ – હેમા લેલે

પ્રિય,

તારી સંમોહક નજરનું આકર્ષણ સાચે જ મારક છે.

કોઈક વાર થાય છે હું છુપાવી દઉં મારી જાતને

તારાથી દૂર.

ખેંચાઈ જાઉં છું હું તારા આકર્ષણના વમળમાં !

પણ હવે આવા ધસમસતા પ્રવાહમાં ખળખળ

વહેતા રહેવાની તેં એવી મોહિની વળગાડી છે કે કિનારે

બેસી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે મારે માટે…

મારા સહવાસમાં તું છેક નિર્બઁધ…

પણ તું જો ક્યારેક મને ટાળીશ તો

જવું ક્યાં ?

આજે તો આ વિચાર જ લાગે છે

આયુષ્યના અંતિમ બિંદુ સમો

કોઈ નવી કેડી ઊઘડશે પણ કદાચ…

પણ આજે તો જીવનના રાજમાર્ગમાં

પ્રત્યેક વળાંક પર ઊભેલો તું જ જોઈએ છે મને !

.

( હેમા લેલે, અનુવાદ : શેફાલી થાણાવાલા )

તમે આવી ગયા ? – કૃષ્ણ દવે

તમે આવી ગયા ? ઘણું સારું થયું,

આંખ્યોનું મન સાવ મોળું હતું,

ચલો એ બહાને થોડુંક તો ખારું થયું !

તમે આવી ગયા ?

.

તમે આવ્યા તો પાંપણમાં ઝળહળ થયું,

જાણે સૂરજનું હોવું એ ઝાકળ થયું,

કોઈ અક્ષર થયું કોઈ કાગળ થયું,

હતું પથ્થર એ પળભરમાં ખળખળ થયું,

તમે ન્હોતા ને એમાં અંધારું થયું !

તમે આવી ગયા ?

.

તમે આવો ઝુરાપો શું કામે સહો ?

તમે આંખ્યોથી અળગા શું કામે રહો ?

હવે આવી ગયા છો તો ધીમે વહો,

જરા માંડીને ભીની બે વાતો કહો,

લ્યો આ કીકીનું ઘર એ તમારું થયું !଒

તમે આવી ગયા ?

.

( કૃષ્ણ દવે )

તારી નજરની – હેમા લેલે

પ્રિય,

તારી નજરની ભાષાઓ ખરેખર અસંખ્ય.

એ જ ભાષા વાપરીને

તું તને જ ઘૂંટતો રહે છે મારા વળાંકો પર.

ને ઉન્માદિત થઈ ઊઠે છે મારું રોમરોમ.

દેહ લયબદ્ધ આવર્તનોમાં વહેવા માંડે છે અને

મન પણ ઘૂમે છે એ જ તાલે.

આપણે વીંટળાઈ વળીએ છીએ એકમેકને અને

જીવને પણ-પાર્થિવથી પરમ સુધીની આ આનંદયાત્રામાં !

ખીલવતાં જઈએ છીએ એક એક સ્પર્શથી જીવનની

કેટલીક અવિકસિત પણ સુગંધી પાંખડીઓ-

પ્રિય… આવે વખતે તારું એક વાક્ય

મને જચી જાય છે કે – ‘એકંદરે જ દૂરથી

પ્રેમ કરવો જરા મુશ્કેલ જ-

પછી એ જીવન પર હોય કે તારા પર !’

.

( હેમા લેલે, અનુવાદ : શેફાલી થાણાવાલા )

વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ

વાલમજીને મળવાની થઈ છે વેળા હવે વાદળી ચંદરવા બાંધુ મધુવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

વૃંદા તે વનમાં મુજને મેલી આઘેરી ઝરમર ઝરમર એવી રાતમાં,

કોણ હવે થાશે મારો બેલી આછેરી ઝળહળ ઝળહળ જેવી વાતમાં,

ભૂલી રે પડી રાસની રમઝટ હેલીમાં જાણે સુગંધ સરે છે ઉપવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

ઝરણાને ઊગે છે આંખ તેના તળમાં પ્રગટે સંગસંગ સૂરના ઉજાસ રે,

હરણાને ફૂટે છે પાંખ એના પળમાં પ્રસરે અંગઅંગ દૂરના પ્રવાસ રે.

ઊછળે છે મન અને ઊડે છે તન માઝમ મધરાતના મદભર્યા બગિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

પાછલા પહોરમાં પાંખા અજવાસમાં કો’ક છેડે છે રાગ સકળ ગુલતાનમાં,

આગલા જનમ કેરા ઝાંખા ઈતિહાસમાં કોણ ખેડે અનુરાગ અકળ ભાનસાનમાં.

ગોધુલિ ગુલાલ ગોરંભાયા ગોકુળિયાની ગમતીલી ગમતીલી ગલિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

( અવિનાશ પારેખ )

સ્માઈલ પ્લીઝ – શ્યામલ મુનશી

પળભર ભૂલી જાઓ રુદનને – સ્માઈલ પ્લીઝ,

ક્યાં કહું છું આખાય જીવનને – સ્માઈલ પ્લીઝ.

.

કેમેરા લઈ એક બગીચામાં હું પેઠો,

કહી દેવાયું ત્યાંય સુમનને – સ્માઈલ પ્લીઝ.

.

તરત પછી તો સરસ મજાની સુગંધ આવી;

જરા અમસ્તું કહ્યું પવનને – સ્માઈલ પ્લીઝ.

.

મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો;

પહેરાવી દો સ્મિત વદનને – સ્માઈલ પ્લીઝ.

.

ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે;

કહ્યું હતું જે ક્ષણે સ્વજનને – સ્માઈલ પ્લીઝ.

.

સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર;

કઈ રીતે કહી શકશો મનને – સ્માઈલ પ્લીઝ.

.

ફોટોગ્રાફર છે ને સાથે ઈમેજ પણ છે;

બેઉ મળીને કહે કવનને – સ્માઈલ પ્લીઝ.

.

( શ્યામલ મુનશી )