તું માગે મોજું એકાદું-મનોજ્ઞા દેસાઈ

તું માગે મોજું એકાદું ને હું દઈ દઉં દરિયો આખો,
તું પૂછે કે પ્રેમ કેટલો ને હું કહી દઉં દરિયો આખો.

આંસુ ભીનાં, વાદળ ભીનાં, ઝાકળનાં ટીપાંયે ભીનાં,
શીકરની તું વાત કરે ને ત્યાં જ ધરી દઉં દરિયો આખો.

સ્પર્શ સહજ ને તો પણ ભાસે દૂર દૂર તું સામે પારે,
તને પામવા થાતું ક્ષણમાં પાર કરી લઉં દરિયો આખો.

તારા આલિંગન કાજે આ મોજાં જો ધસમસતાં આવે,
ત્યારે થાતું મનમાં ઊંડે હું જ બની જઉં દરિયો આખો.

તારો ચહેરો સૂર્યકિરણમાં શંખછીપમાં ફેનિલ જળમાં,
સહેજ યાદ જો તને કરું ને તોય સ્મરી લઉં દરિયો આખો.

( મનોજ્ઞા દેસાઈ )

ઘર-મુકેશ જોશી

(૧)
પાડોશીએ નવું ઘર લીધું
મોટું
અમારાથી દૂર…
પોશ એરિયામાં
એકવાર અમસ્તા નીકળવાનું થયું.
મને બારણામાં ઊભેલો જોઈને
સોફા, ખુરશી, ટિપોય…નાચી ઊઠ્યા
સહુ બોલ્યા, આવો આવો…
પડોશી બારણાં વચ્ચે જ ઊભા રહીને બોલ્યા:
બહુ ઉતાવળમાં લાગો છો…પછી ક્યારેક જરૂર
આવજો
પગથિયાં ઉતરતાં મને સંભળાયું
કદાચ એક પાયો ખુરશીનો તૂટી ગયો…

(૨)
બહુ વરસો પછી પડોશીના નવા ઘરે ગયો
આખો ત્રીજો માળ ને બસ બે જ કુટુંબ
કાકા અને કાકી સોફાને બદલે દીવાલ પરના ફોટામાં
ઘર પણ એકલું ને
ઘરમાં ટીકુ એકલો.
મેં પૂછ્યું અરે…આ તો સળંગ ૬ રૂમનું ઘર હતું.
આ દીવાલ ?
ટીકુ બોલ્યો : પહેલાં હું ને મારી બહેન સાથે રડતાં
હવે દીવાલની પેલી બાજુ એ
અને આ બાજુ હું
દીવાલ બન્ને બાજુથી ભીની કરીએ છીએ.
કહે છે કે બહુ ભેજ આવે તો દીવાલ પડી જાય…

(૩)
અચ્છા ?
નવું ઘર લીધું ?
કેટલામાં પડ્યું ?
નાનો ભાઈ ગામ ભેગો થઈ ગયો
નારાજ થઈ
કાકા વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ ગયા
લાચાર થઈ
મિત્રોએ ઉછીના દીધા
ઈર્ષાને સંતાડી
સસરાએ દેવું વહોર્યું
મજબૂર થઈ

નવું ઘર…
એની સસ્તી જીદ સામે
ધાર્યા કરતા ઘણું મોઘું પડ્યું.

(૪)
સરનામા બદલી બદલીને
થાકીને
મેં રેશન કાર્ડને કહ્યું
બસ હવે ઘર નથી બદલવું
આ છેલ્લું
ને ત્યાં ફોન આવ્યો
લકી ડ્રોમાં તમને સાવ સસ્તામાં
નવું નક્કોર ઘર લાગ્યું છે
ને છેલ્લા શ્વાસે મેં
નવા ઘરની તક ઝડપી લીધી.

(૫)
એના ઘરની અદલોઅદલ મેં નકલ કરી
જોકે એના કરતાં ચડિયાતા સોફા
મોટું ટીવી લીધું
ઝગમગતા ઝુમ્મર અને ઘણું બધું…
અમે ખુશ હતા કે અમે ચડિયાતી કોપી કરી
પણ ઘરના ઉદ્દઘાટનમાં જ
કોઈએ પૂછ્યું
ખાનદાનીની નકલ કરવાનું ભૂલી ગયા કે શું ?

( મુકેશ જોશી )

તોયે આપણે કેમ ?-પન્ના નાયક

ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ
એકઠા કરવાથી
સુખ નથી મળતું.

ખરી ગયેલી પાંદડીઓને
એક પછી એક
પાછી ગોઠવવાથી
ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ?

ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ
પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી.

સુખ તો ડૂબી ગયું છે
ક્યાંક તળિયે
તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ !
તોયે
આપણે કેમ ?
ખરી ગયેલી પાંદડીઓને ગોઠવી ફૂલ સર્જવામાં
અને
એક મોજામાં સમુદ્રને સમાવવાના પ્રયત્નમાં
રત રહેતાં હોઈશું ?

( પન્ના નાયક )

સાહિબ, ઝટપટ આવો પટમાં-નીતિન વડગામા

સાહિબ, ઝટપટ આવો પટમાં.
દરશનઘેલી આંખ અમારી અટવાતી ઘૂંઘટમાં.

ક્યાં જઈ લેવો સહેજ વિસામો, ક્યાં જઈ ગાવી પીડા ?
રાત-દિવસ બસ, ગમતી ડાળી ઝંખે છે પંખીડાં !

સમજાવી દેજો સઘળુંયે બદલાતી કરવટમાં.
સાહિબ, ઝટપટ આવો પટમાં.

સુક્કા રણમાં ભીની નજરુંનાં વાદળ વરસાવો.
ગોથાં ખાતા કૈંક જીવને હાથ જરા લંબાવો.

આમ તમે ઓઝલમાં રહેતા, આમ રહો ઘટઘટમાં.
સાહિબ, ઝટપટ આવો પટમાં.

( નીતિન વડગામા )

સાહિબ, ભેદ જરા સમજાવો-નીતિન વડગામા

સાહિબ, ભેદ જરા સમજાવો.
મનની મરુભૂમિને ખેડી ચપટીક સમજણ વાવો.

કયા જનમને પુણ્યે પૂગ્યા અમે તમારે પાદર ?
કેમ કરીને પાર અમે આ કીધા સાત સમંદર ?

કયા કરમને કારણ અઢળક વ્હાલ તમે વરસાવો ?
સાહિબ, ભેદ જરા સમજાવો.

અંધારી રાતે અણદીઠા મારગમાં અટવાતાં.
મુકામ મળતાવેંત અમે તો ભીનાંભીનાં થાતાં.

સૂને આંગણ આવી લીલાં તોરણ કાં બંધાવો ?
સાહિબ, ભેદ જરા સમજાવો.

( નીતિન વડગામા )

સાહિબ, સૌને સરખા વ્હાલા-નીતિન વડગામા

સાહિબ, સૌને સરખા વ્હાલા.
સોહે સૌને કંઠે વ્હાલની એ વૈજયંતી માલા.

જગ આખાને ચાહીચાહી કરતાં રહે રૂપાળું.
એને પગલે ધગધગતું રણ થઈ જાતું હરિયાળું.

સકળ વિશ્વમાં વ્હેંચાતા એ થઈને પ્રેમ-પિયાલા.
સાહિબ, સૌને સરખા વ્હાલા.

આમ વસે છે શ્વાસશ્વાસમાં, આમ રાખતાં દૂરી.
કૂવાકાંઠે તરસ્યા રહીએ, એ કેવી મજબૂરી !

ઝાંખી કરવા જીવ પળેપળ કરતો કાલાવાલા.
સાહિબ, સૌને સરખા વ્હાલા.

( નીતિન વડગામા )

સાહિબ, જબરું એક ઉખાણું-નીતિન વડગામા

સાહિબ, જબરું એક ઉખાણું.
કૈંક યુગોથી પૂરેપૂરું ક્યાંય નથી સમજાણું.

કમળપાંદડી માફક એ તો રહે સદાયે જળમાં
સૂરજ થઈ ઓળખ અળપાવે જાણે કે વાદળમાં.

પીડાને પણ પોંખે એ સમજીને ગમતું ગાણું.
સાહિબ, જબરું એક ઉખાણું.

જોજન છેટા રહીને પણ એ સૌનાં સુખ-દુ:ખ જાણે.
પળભરમાં એ દૂધ અને પાણીનો ભેદ પિછાણે.

ભરવૈશાખે સ્વયં બને સૌની શાતાનું થાણું.
સાહિબ, જબરું એક ઉખાણું.

( નીતિન વડગામા )

ખબર ના રહી-દિવ્યા સોની “દિવ્યતા”

SketchGuru_20160127231218

શું વાત થઇ ખબર ના રહી;
શું સમય થયો ખબર ના રહી !
દુ:ખ વહેંચ્યા, સુખ બમણા કર્યા ,
દિલના ભાર કેમ કરતા હળવા કર્યા ?
ખબર ના રહી !
ના ઝંખ્યા કદી એમને,
ના એમના નામના કદી દીવડા કર્યા.
તોય દરેક શ્વાસે એમના માટે,
કેમ બસ દુઆ જ નીકળી ?
ખબર ના રહી !
ના રીસાયા ના મનાવ્યા કદીયે,
તોય મનના ખુણાઓ,
મિત્રો કેમ ક્યારે ભરતા ગયા?
મને ખબર ના રહી !

( દિવ્યા સોની “દિવ્યતા” )

સાહિબ, સંભાળે છે બાજી-નીતિન વડગામા

સાહિબ, સંભાળે છે બાજી
એક ઈશારે અટકી જાતી સઘળીયે તારાજી.

પામર જીવ કરે છે સાચા-ખોટા કંઈ સરવાળા !
થાય આગિયાથી તો કેવળ પળભરનાં અજવાળાં !

ઊઘડતી બારી જ આખરે હવા લાવતી તાજી.
સાહિબ, સંભાળે છે બાજી.

એક જ દિશા દેખાડે, પાછાં એ જ હલાવે હોડી.
જાય નહીં એ ક્યાંય જીવને અધવચ્ચે તરછોડી.

મુકામ મળતાંવેંત જીવ થઈ જાતો રાજીરાજી !
સાહિબ, સંભાળે છે બાજી.

( નીતિન વડગામા )

આકાશ-પ્રીતમ લખલાણી

દિવાનખાનાની
દીવાલે ઝુલતા ચિત્રમાં
એક ડાળની બીજી ડાળ વચ્ચેના
ભુરા આકાશમાં હરખભેર ઉડતા પોપટે
એક સવારે
બારીએ ચૂપચાપ
સોનાને પીંજરે હીંચકતા પોપટને પૂછ્યું ?
અરે ! ભલા દોસ્ત,
તારી પાસે શું નથી ?
કેવું મજાનું સોને મઢેલું પીંજરું ?
વળી એમાં હીરાજડિત થાળીમાં સ્વાદિષ્ટ ફળો
અને પીવા પાસે જળથી છલોછલ રૂપાનો લોટો
ને’ એમ છતાં તું
દિવસ આખો નિસાશા નાખતો
કેમ મને એકીટશે જોયા કરે છે…?
આ સાંભળીને સોનાને પીંજરે હીંચકતા પોપટે
દુ:ખી મને
એકવાર આકાશ સામે જોયું
અને પછી મનની પછેડી ખોલી,
દોસ્ત !
મારી પાસે બધું હોવા છતાં
તારી પાસે જે આકાશ છે !
તે મારા ભાગ્યમાં ક્યાં છે ?

( પ્રીતમ લખલાણી )