જાણી જો-સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,

સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ,

થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

.

પ્રથમ ચશ્માંના લેન્સીસ સાફ કર બંધુ,

પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,

સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

.

ઋતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો ?

નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

.

ઘણું એ આપમેળે લયમાં આવી જાય,

પ્રમાણી હોય રસભર આદ્ર્રવાણી જો.

.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,

પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,

બધુંએ થઈ જવાનું ધૂળધાણી જો.

.

( સંજુ વાળા )

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…-અનીલ ચાવડા

ઓળખ્યોને હું કોણ છું ?

પાપણ પર ઝૂલતો’તો, તમને કબૂલતો’તો, આભ જેમ ખૂલતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

ચોપડીનાં પાનાંમાં સુક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું’તું કોણ ?

તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું’તું કોણ ?

કળીની જેમ ફૂટતો’તો, તમને ઘૂંટતો’તો, તોય સ્હેજ ખૂટતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

લાગતો’તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો’તો થઈને વરસાદ

સુક્કાભટ ખેતરમાં ત્યારબાદ ખીલ્યો’તો મોલ ખૂબ આવ્યું કંઈ યાદ ?

યાદ ન’તો રહેતો જે આંસુ થઈ વહેતો જે તોય કંઈક કહેતો જે, એ જ હું.

ઓળખ્યોને હું કોણ છું ?

.

( અનીલ ચાવડા )

હે પરમ તેજ પરમાત્મા-ભગવતીકુમાર શર્મા

હે પરમ તેજ પરમાત્મા!

મને આવી મળોને સામા,

પ્રત્યક્ષ નહીં તો, પરોઢનાં સપનામાં…

.

મેં લખ્યા કેટલા કાગળ

પ્રોઈને આંખનું કાજળ,

ઉત્તર ઝંખું છું પળ-પળ,

પછી થયું એ ભાન

કે ખોટાં લખ્યાં હતાં સરનામાં…

.

મને દ્યો ને તમારું તેજ,

ઝળહળતું નહીં તો સ્હેજ,

હું માંગું એટલું એ જ,

તમે સૂર્યના સર્જક

રહેજો સતત મારી રટણામાં…!

.

હે પરમ તેજ પરમાત્મા !

.

( ભગવતીકુમાર શર્મા )

શેઢે બેઠો છે કિરતાલ-કિશોર બારોટ

શેઢે બેઠો છે કિરતાલ.

મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર.

શેઢે બેઠો છે કિરતાલ.

.

હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વરસે.

મેં વાવેલા દાણે દાણે હેત હૂંફાળું સ્પર્શે.

ક્યારે ક્યારે લીલાપ થઈ છલકાતો પારાવાર.

શેઢે બેઠો છે કિરતાલ.

.

નીંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો.

ડૂંડે સાચાં મોતીનું તે ભરત રૂપાળું ભરતો.

છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર.
શેઢે બેઠો છે કિરતાલ.

.

મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકાતી.

અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી.

ભાગ ન માગે ને યશ આપે આ કેવો વહેવાર ?

શેઢે બેઠો છે કિરતાલ.

.

( કિશોર બારોટ )

જેવો નથી-સુરેન્દ્ર કડીયા

સોયના અણીયાળ જળમાં બોળવા જેવો નથી,

એક પરપોટો ખરેખર ફોડવા જેવો નથી.

.

શક્ય છે કે ક્ષણ મહીં મારું તખલ્લુસ ઓગળે,

કે મને ક્ષણનાં ભરોસે છોડવા જેવો નથી.

.

જોતજોતામાં જ ઘર ઘરમાંથી નીકળી જઈ શકે,

કોઈ રસ્તો ઘરની સાથે જોડવા જેવો નથી.

.

આજે એણે શબ્દનું બખ્તર ઠઠારી લીધું છે,

રામ ! આજે રણમાં રાવણ રોળવા જેવો નથી.

.

ક્યાંય ભીતર-બહાર પડઘાતું નથી વાતાવરણ,

ક્યાંય કલરવના કળશને ઢોળવા જેવો નથી.

.

( સુરેન્દ્ર કડીયા )

હાઈકુ-ધનસુખલાલ પારેખ

રંગફુવારો

છલકે, પતંગિયાં

રંગબેરંગી.

.

આભઝરૂખે

શરમાઈને બેઠો

બીજનો ચંદ્ર.

.

સૂર્યકિરણ

નદીમાં પડી, કરે

છબછબિયાં.

.

ખભે કુહાડી

કઠિયારાને જોતાં

રડતું ઝાડ.

.

કઠિયારાને

આવતો જોતાં, ઊડી

ગયા ટહુકા.

.

પરોઢે બોલે

કૂકડો, આંખો ખોલે

સૂરજદાદા.

.

અનરાધાર

વર્ષા, ખીલતું ભીના

વાને જંગલ.

.

ભરઉનાળે

વાદળનો છાંયડો

શોધે સૂરજ.

.

વળાવી જાન

ઘરમાં બધે ફરી

વળી ઉદાસી.

.

કન્યાવિદાય

કોયલનો ટહુકો

થયો પારકો.

.

ડાહ્યો દીકરો

બાપાને પગે લાગે

ઘરડાંઘરે.

.

ઉપર આભ

નીચે ધરતી, સૂતો

ટૂંટીયું વાળી.

.

કચરો કાઢી

સાવરણી હમેશાં

પાળતી ખૂણો !

.

( ધનસુખલાલ પારેખ )

જાણે હવાને-સુરેન્દ્ર કડીયા

જાણે હવાને બાથમાં જકડી, ઝીણી કરી,

માંડી અગમની વાત મને પંખિણી કરી.

.

હું તો અતિશે સ્થિર સરોવરનું જળ હતી,

એણે કરી કરી પરશ તરંગિણી કરી.

.

મારે તો પાંચ ટેરવાં જ જીતવા હતાં,

સેના શબદની તોય મેં અક્ષૌહિણી કરી.

.

હું તો વિખેરી જાતને વેરાઈ પણ ગઈ,

કોણે ઊભી કરી મને વીણી વીણી કરી !

.

રાધા થવાના ઓરતા તો ઓરતા રહ્યા,

કહી દે કનાઈ ! કેમ મને રુકિમણી કરી !

.

( સુરેન્દ્ર કડીયા )

નીંદર ઊડી ગઈ છે-જીગર જોશી ‘પ્રેમ’

જીવન છે દરિયો ઘૂઘવતો ને મારી જળથી નીંદર ઊડી ગઈ છે,

આ હમણાં હમણાંની વાત ક્યાં છે પ્રથમથી નીંદર ઊડી ગઈ છે.

.

તમારા હોઠો ભીના હો મારા જીવનની બસ એટલી બીના હો,

હૃદયના કોરા ખૂણે ઊછરતી તરસથી નીંદર ઊડી ગઈ છે.

.

ઉજાગરાઓ હસી રહ્યા છે આ મારી આંખોની અવદશા પર,

યુગો યુગોનો છે થાક ભીતર ઉપરથી નીંદર ઊડી ગઈ છે.

.

અરણ્ય આખું ઊભું છે ગુપચુપ; ગગન પર ઝળૂંબે મૂંગું,

શિકારીની પણ આ સાચા-બોલા હરણથી નીંદર ઊડી ગઈ છે.

.

આ રાત શું છે ? શું છે આ સપનાં ? ખરું કહું તો નથી ખબર કંઈ,

‘જીગર’ ખરેખર બહુ જ નાની ઉંમરથી નીંદર ઊડી ગઈ છે.

.

( જીગર જોશી ‘પ્રેમ’ )

અજવાળા કરજે-દેવાયત ભમ્મર

.

અંતર મનમાં આઈ અજવાળા કરજે.
સૌ જન જનમાં આઈ અજવાળા ભરજે.
.
શક્તિ, શક્તિશાળી બને.
પ્રભા એની પ્રભાવશાળી બને.
હૃદય હર એકમાં આઈ કંકુ થઈને ખરજે.
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
દેહ આ છે ગરબો, છેદ સત્યાવીસ.
પ્રગટજે મા તું પ્રજ્ઞા થઈને, ગરબો ગવડાવીશ.
દીવડો એક દિલ મધ્યે જ્ઞાનભક્તિનો ધરજે .
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
સર્જન તું છે, શ્રુષ્ટિ તું છે.
પ્રાણ તું છે ને વળી પૃષ્ટિ તું છે.
વિશ્વમ્ભરી વિશ્વ આખામાં વ્હાલ બની વિસ્તરજે
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
 ( દેવાયત ભમ્મર )

પધારો મા…..-માનસી એમ. પાઠક

.

આસોની સવાર સાવ ઢૂકડી છે. ભાદરવાનો તપારો હજી શમ્યો નથી પણ વહેલી સવારની શીતળતા વરતાય છે. વર્ષા ઋતુમાં નવયૌવન પ્રાપ્ત કરતી પ્રકૃતિ, શરદમાં મા સ્વરૂપે દરેક રસ એકત્ર કરીને ફક્ત મીઠો રસ પાવા આવે છે. એ આવી રહી છે, ગુલાબી પગલાં પાડતી. એનાં ઝાંઝરનો ઝણકાર આખાય વાતાવરણમાં ગૂંજી રહ્યો છે. સોળ શણગાર સજીને પોતાની સખી, સાહેલડીના વૃંદમાં એ મલકતી આવી રહી છે, કેટલાંય અંધકારના ઓળા પોતાનામાં સમાવતી….શી એની શોભા છે! કરોડો સૂર્યના તેજ એના દેહે સમાયેલા છે. આ આંખને એ સહેવાની એ જોવાની સત્તા નથી.
.
એનાં વર્ણન કરવાની લાયકાત નથી. એને દેવી સ્વરૂપે ક્યારેય પામી નહીં શકાય, લાખો કરોડો જન્મો લીધા પછી પણ એનો મહિમા નહીં પામી શકાય. કરોડો બ્રહ્માંડની સ્વામીની જેટલી વિરાટ છે, એટલી સૂક્ષ્મ છે. અતિ મૃદુ, અતિ રૌદ્ર છે., પણ એ મા સ્વરૂપે સાવ નજીક છે. એને મા સ્વરૂપે જ પામી શકાશે. આંસુથી પોચા થયેલા હૈયામાં એ એના પગલાંની છાપ કાયમ માટે છોડેલી રાખે છે. એક સાવ પાતળા આવરણના સામે છેડે એ પોતાને સંતાડીને રાખે છે, અને સમયે સમયે ચિત્તાકાશે ઉજાગર થતી રહે છે. એનાં સુવર્ણ કળશમાં રહેલા મીઠા મધુ અર્કની વહેંચણીમાં ક્યાંય અન્યાય નથી. પોતાનું પૂર્ણ ચૈતન્ય એના બાળકોને આશિષમાં આપવા આવી રહેલી મા. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શથી આલિંગવા આવી રહેલી મા. કૃતજ્ઞ થઈને ઝૂમી ઉઠવાનો અવસર, ઉત્સવ છે. હરખના તેડાં કરવાનો ઉત્સવ છે.
.
न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो
न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा:।
.
યથાશક્તિ, યથામતિ આહ્વાન કરું છું મા, ખમ્મા મા, પધારો માવડી…
.
( માનસી એમ. પાઠક )