કબીરી અદાથી – આહમદ મકરાણી

જીવું છું જગતમાં ફકીરી અદાથી;

લઉં, શ્વાસ છોડું, અમીરી અદાથી.

 .

હતો, ના હતો હું, ભલે થૈ જવાનો;

વહેતો રહું છું સમીરી અદાથી.

.

જરા શોધશો મળે કૈં નિશાની;

ગયો છાપ છોડી લકીરી અદાથી.

.

‘ન તેરા, ન મેરા’-જીવું એમ સમજી,

ફિકર એ જ ફાકી કબીરી અદાથી.

.

( આહમદ મકરાણી )

રક્તસંચાર – જિજ્ઞા ત્રિવેદી

ટચસ્ક્રીન પરની થીજી ગયેલી

આંગળીઓ માટે

સારું વદન, સંવેદન ધરાવતાં

સ્પર્શને અનુભવી શકે એવા,

ભાવથી જડ અને ઉજ્જડ થયેલાં ટેરવાને…

ચેતનવંતા અને હરિયાળી કરી શકે તેવા,

પ્રેમસભર નિરંતર રક્તસંચાર કરવાનું

સામર્થ્ય ધરાવતાં,

દ્રવ્યની જરૂર છે.

આ જા.ખ. વાંચીને

નેટમાંથી સર્ચ થયેલી

કેટલીક હાઈડ, કેટલીક અનહાઈડ થયેલી,

કેટલીક ફાઈલ, કેટલીક પ્રોફાઈલ થયેલી,

કેટલીક મર્જ તો કેટલીક હેંગ થયેલી

લાગણીઓની લાઈન લાગી…

એક પછી એકનું ઈન્ટરવ્યુ લેવાયું,

બધી જ થઈ ચેક,

અને બધી જ થઈ રિજેક્ટ,

પછી છેલ્લે ટશિયા ફૂટેલી એક

અણઘડ આંગળી ઈન્ટરવ્યુમાં થઈ પાસ…

ત્યાં જ ટચસ્ક્રીન પરની ગંઠાઈ ગયેલી

આંગળી, ધબકી ઊઠી તત્કાલ !

 .

( જિજ્ઞા ત્રિવેદી )

ફેરવાતા જાય છે – મનીષ પરમાર

પથ્થરે પથ્થર વમળમાં ફેરવાતા જાય છે,

પ્હાડ જેવા પ્હાડ જળમાં ફેરવાતા જાય છે.

 .

એક છે એની નજરનો જાદુ એવો દોસ્ત કે,

આંસુ અટકળને અકળમાં ફેરવાતા જાય છે.

 .

આંગણું મઘમઘ થઈ મ્હેંકી રહ્યું છે એટલે-

એમનાં પગલાં કમળમાં ફેરવાતા જાય છે.

 .

સૂસવાડો મૂકીને ચાલ્યો સમયની રેતનો,

શ્વાસ આ કેમેય સળમાં ફેરવાતા જાય છે.

 .

મોસમોની જેમ હું ખીલી અને ખરતો રહ્યો,

જિંદગીના રંગ પળમાં ફેરવાતા જાય છે.

.

( મનીષ પરમાર )

પ્રથમ મિલન – પન્ના નાયક

આપણું પહેલવહેલું મિલન.

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 ..

આપણે નદીકિનારે બેઠાં હતાં

કે દરિયાકિનારે ?

વહેતાં હતાં પાણી કે

હતો મોજાંનો ઘુઘવાટ ?

હવામાં તરતી હતી, એ કોની હતી સુગંધ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

મેં કઈ સાડી પહેરેલી ?

ગુલમહોરી કે

ચેરીબ્લોસમી ?

તારા સ્પર્શ જેવી રેશમી કે

વીંટીમાંથી પસાર થઈ જાય એવી ઢાકઈ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

. ..

ઓઢી હતી મેં શાલ કે

પહેર્યું હતું ખૂલતું બ્લાઉઝ ?

તું જોતો હતો તે

હતો નભનો કે

મારા ભાલનો ચાંદલો ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણે બેઠાં હતાં ત્યારે

વરસતી હતી ચાંદની ?

સંભળાતી હતી

વૃક્ષોનાં પાંદડાંમાંથી ચળાઈને આવતી

મર્મર ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણા સંયોગની ભાગ્યરેખાની વાત

કરતાં કરતાં આપણે ઊઠેલાં

ને લંબાવેલા તારા હાથમાં મેં મૂકેલો મારો

હાથ

થોડો છેટો

કે

જરા નજીક ?

ત્યારે મોંસૂઝણું થયેલું

કે સમી સાંજ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

.

( પન્ના નાયક )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં;

દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં !

છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે;

છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે !

.

અઢળક નદીઓનો સ્વામી છે છતાંય

ઉદધિ સૂનમૂન થઈ જાય અમાસે !

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

છે પ્રેમ વિના માનવીનું સંવિદ, ચાપ વિનાનું બાણ;

જલ વિણ જ્યમ, અવનિ ઉદ્ધવજી ! ખંડ-ખંડ, નિષ્પ્રાણ !

ના, ગોકુળના પાયામાં, ઉદ્ધવ ! કોઈ વાસના નથી;

ને મથુરાના સહુ છદ્મ, અ-ધર્મો આજકાલના નથી !

 .

મદ્ય ભરેલા ઘટમાં સો સો તીરથજળ ભર્યાથી

ઉદ્ધવ ! શું પાવન થઈ જાશે ?!

.

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

( વીરુ પુરોહિત )

ગમતું નથી – અંજુમ ઉઝયાન્વી

પારકો આધાર લૈને, ચાલવું ગમતું નથી !

રોજ માથે ભાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

રાહમાં તડકો બિછાવી, તું દિલાસો દે નહીં

કોઈનો ઉપકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

એક તરફી લાગણીની હઠ મને ભારે પડી

રંજ પારાવાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

ગાર માટીની વસાહતનાં નિસાસા લાગશે

મેઘ અનરાધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

પારકી પાંખે ઘણાં ઉડવા મથે છે આભમાં

કોઈના દરકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

મેં હવાની દેખતાં, દીપક ઠાર્યા હતા

રોજની તકરાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

સાત સાગર મેં તરી લીધા અજાણી ધૂનમાં

હાથમાં પતવાર લૈને, ચાલવું ગમતું નથી !

.

ઘાટ હું કોના ઘડું, પથ્થર બધા ભાગી ગયા

ચો-તરફ ઓજાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

આપજે અંજુમ થોડા આગિયા તું દાનમાં

રાહમાં અંધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

( અંજુમ ઉઝયાન્વી )

સીધો જવાબ દે – શૈલેશ ટેવાણી

મન તે નથી આ મન તો છે શું ? સીધો જવાબ દે,

તન તે નથી આ તન તો છે શું ? સીધો જવાબ દે.

 .

કંઈયે નથી ઉદાસ તો આ પાનખર છે શું ?

ફૂલો વિનાનો બાગ છે શું ? સીધો જવાબ દે.

 .

એકાદ ભીનું સ્વપ્ન હજુ ઝરમરે અહીં,

વર્ષા નથી વેરાન છે શું ? સીધો જવાબ દે.

 .

પહેલાં હતું જે ઝાડ અહીં ઝાડ તે નથી,

ટહુકો ગયો તેં ત્યાં જ છે શું ? સીધો જવાબ દે.

 .

લખવાનું કંઈ નથી તો હજુ તું લખે છે શું ?

તેનું સૂરણ નથી તો છે શું ? સીધો જવાબ દે.

 .

( શૈલેશ ટેવાણી )

સીધો જવાબ દે – શૈલેશ ટેવાણી

માટી નથી નથી એ મમત સીધો જવાબ દે,

દોસ્તો નથી નથી એ રમત સીધો જવાબ દે.

 .

ઓચિંતુ કેમ આંસુ ખર્યું આ લિબાસમાં,

કેવી અહીં પડી’તી વિપત સીધો જવાબ દે.

 .

ભૂલ્યો બધું જે તેજ મળ્યું માર્ગમાં બધે,

કોણે કરી છે ઊંધી શરત સીધો જવાબ દે.

 .

ટોળું વળીને કોઈ તને પૂછે છે હર સવાલ,

સાચું શું છે ને જૂઠ ખપત સીધો જવાબ દે.

 .

તારી કશી જ વાત હવે પૂછી શકું તને;

શાને વળ્યો છે તું ય પરત સીધો જવાબ દે.

 .

( શૈલેશ ટેવાણી )

બ્રેક લઈએ – હરકિસન જોષી

કશું કંઈ બદલવું નથી, ટેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

સમુંદર ઉપરના ગણી મોજ થાક્યા

અને મોતિયા બેઉ આંખોના પાક્યા;

હવે તટની રેતીમાં જઈ શેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

.

બધા માર્ગ અધવચ્ચે અટકી જવાના

મુસાફર થઈ વ્યગ્ર ભટકી જવાના

સફર કો’ સમય પારની છેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

જુઓ, સૂર્ય ડૂબવાની વેળા નિકટ છે,

નયનસમ્ય કેસરિયો આકાશી પટ છે

ઈસુ સંગ વાળુ કરી કેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

કયામતમાં એ ક્યાં ઈર્શાદ બોલે

શબદના તરાજુએ આપણને તોલે

જત વેળ સાથે ગઝલ બે’ક લઈએ

સમય બ્રેકનો છે, જરા રેક લઈએ !

 . ( હરકિસન જોષી )

હું બદલાવા તૈયાર છું – ઇયાન્લા વાન્ઝાન્ટ

હું મારી જતને બદલવા માટે તત્પર છું.

 .

હું મારા મનને, મારા હૃદયને, જીવનને અને આસપાસની સમગ્ર સૃષ્ટિનો અભિગમ બદલવા તૈયાર છું. હું શું કરું છું અને કેવી રીતે કરું છું તેમાં પણ બદલાવા તત્પર છું.

 .

હું જે કંઈ બદલય છે તે સમજવા માગું છું. જે બદલાયું છે અને બદલય છે તે કેવાં ચમત્કારિક પરિણામો લાવી શકે છે એ સમજવા માટે હું એકદમ આતુર છું.

 .

હું કશું જ કરી શકું એમ નથી. તેથી જ હું પવિત્ર શક્તિને –મારા આત્માના સ્તર પર સ્પર્શી મને સાચવે અને બદલે તે માટે જાતને એને-શરણે ધરું છું.અને સમજું છું કે ઈશ્વરે મારું જે સર્જન કર્યું તે હું જ છું.

 .

ઈશ્વરની સંપૂર્ણ યોજના પ્રમાણે હું બદલાવા માગું છું. મારા મનને બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવી, મારા હૃદયને નવીન તાજગીથી હે પ્રભુ તમે ભરી દો-એમ જ થવા માટે તમારી કૃપા માગું છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )