તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી

છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો,

હું તો યાદોને નકારીશ, તમે શું કરશો ?

 .

વાંક બન્નેંનો છે, એ વાત બરાબર છે તો,

હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો ?

.

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,

હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો ?

.

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,

હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો ?

 .

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,

રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો ?

.

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,

આયના નીચે ઉતારીશ, તમે શું કરશો ?

.

આંખ ખૂલશે તો ખલીલ આંખને ચોળી ચોળી

રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો ?

.

( ખલીલ ધનતેજવી )

લીમ્કા બુક ઓફ રેકોર્ડ

Limca Book Records

.

૨૦૦૮માં “મોરપીંછ” બ્લોગની શરૂઆત કરી. ત્યાર બાદ બ્લોગજગતના ઘણાં મિત્રો સાથે સંપર્કમાં આવવાનું થયું. ૨૦૦૯માં હ્યુસ્ટનના વિજયભાઈ શાહ સાથે જી-મેઈલ દ્વારા ચેટ થઈ. એમણે શબ્દસ્પર્ધા અંગે જાણકારી આપી અને આ કાર્યમાં જોડવા માટે કહ્યું. કંઈક નવો પ્રયોગ હતો એટલે મેં પણ આ પ્રયાસમાં જોડાવા માટે સંમતિ આપી. કાંતિભાઈ કરશાળા એ શબ્દસ્પર્ધાની પૂર્વતૈયારીમાં સ્કુલના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવા કહ્યું. એ સમયે ઉનાળુ વેકેસનનો સમયગાળો હતો અને મારા ઘરે મારા ભાણિયાઓ રાજ અને આશ્લેષ આવ્યા હતા. આશ્લેષ ત્યારે ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અમે ત્રણેએ મળીને શબ્દસ્પર્ધાની પૂર્વતૈયારીમાં ભાગ લીધો. અને તૈયાર કરેલી માહિતી બ્લોગ પર પોસ્ટ પણ કરી. આ રીતે વિજયભાઈ, કાંતિભાઈ અને અન્ય મિત્રોએ પણ પોતપોતાના બ્લોગ પર તૈયાર કરેલી માહિતી પોસ્ટ કરી.

નવેમ્બર ૨૦૧૩માં વિજયભાઈનો ઈ-મેઈલ આવ્યો કે પ્રવીણ પ્રકાશને “શબ્દ સ્પર્ધા” પુસ્તકને પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. પુસ્તકના પ્રકરણો કક્કાવારી પ્રમાણે ગોઠવતાં કાંતિભાઈને ધ્યાનમાં આવ્યું કે હજુ અમુક અક્ષરો પર કામ બાકી છે ક્યાં તો અધૂરું છે. વિજયભાઈનો મારા પર ફોન આવ્યો કે જેટલું કામ બાકી છે એ તમે કાંતિભાઈ સાથે મળીને કરી આપો. અમે કામ ફરી શરૂ કર્યું. ત્યાં વિજયભાઈએ સમાચાર આપ્યા કે catespace.com અને amazon.com વેચાણ અર્થે આ પુસ્તક મૂકવાની કાર્યવાહી શરૂ કરી કરી દીધી છે. એમણે મોકલાવેલી લીંક ખોલીને જોયું તો પુસ્તકના કવરપેઈજ પર એમના નામની સાથે મારું અને કાંતિભાઈનું નામ પણ હતું.  વિજયભાઈએ અચાનક આ સુખદ આશ્ચર્ય આપ્યું.

૭મી ઓક્ટોબરના રોજ વિજયભાઈનો ઈ-મેઈલ આવ્યો જેમાં એમણે લીમ્કા બુક ઓફ રેકોર્ડ તરફથી મોકલવામાં આવેલો ઈ-મેઈલ ફોરવર્ડ કર્યો હતો. સાથે એટેચ કરેલી ફાઈલ વિગતે જોતાં જાણવા મળ્યું કે વિજયભાઈના નેજા હેઠળ “સહિયારું સર્જન” અંતર્ગત ૨૫ પુસ્તકો પ્રગટ થયા અને આ પુસ્તકોમાં ૩૫ જેટલા રચનાકારો એ સહિયારું સર્જન કર્યું. આ બાબતની નોંધ લીમ્કા બુક ઓફ રેકોર્ડે ધ્યાનમાં લીધી અને ૨૦૧૫ની બુક માટે રેકોર્ડ નોંધવામાં આવ્યો.

૨૦૦૯માં રમત રમતમાં શરૂ કરેલી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી લીમ્કા બુક ઓફ રેકોર્ડ સુધી પહોંચી છે. આખી ટીમને વિજય સુધી પહોંચાડવામાં વિજયભાઈના માર્ગદર્શને ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

લીમ્કા બુક ઓફ રેકોર્ડની સહિયારી સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ.

આ વિશે વધુ માહિતી વિજયભાઈના બ્લોગ ગદ્યસર્જન પર ઉપલબ્ધ છે.

હિના પારેખ “મનમૌજી”

1fdsf

51xWXnk5+dL.

ચાંદરણાં વીણવાના દિવસો – સંદીપ ભાટિયા

ચાંદરણાં વીણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે

વાદળાંની અંધારી પાટી સાથે આવે છે

મેઘધનુષ ભણવાના દિવસો

.

મેઘધનુષ ભણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

.

છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ

વૃંદના વૃંદાવનને માણીએ તો ઊજવીએ

એકલા ગણગણવાના દિવસો

 .

એકલા ગણગણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

બેય છેડે તૂટ્યાની વેદના છો રહી જાશે

તોડનારો છેડા ફરી બાંધશે ને કહી જાશે

આવ્યા રણઝણવાના દિવસો

.

આવ્યા રણઝણવાના દિવસો

કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો

 .

( સંદીપ ભાટિયા )

મારી પાસે – ચિનુ મોદી

મારી પાસે સમયનો

કોરોકટ તાકો છે,

મને શું પૂછે છે :

અવકાશ છે ?

 .

નિર્જળા ઉપવાસ કરતી વાદળીઓ

મારા આકાશમાં

તપ તપવા આવે છે;

મને શું પૂછે છે :

અવકાશ છે ?

.

આવ, તને પણ આવવાની તક છે

ભલે તું જિદે ચડેલું બાળક છે

રિસાળ લાગણીઓનું

વ્હાલસોયું વાહક છે;

મારી ફુરસદની તમામ ક્ષણોનું

માનવંતું ગ્રાહક છે-

લેવો છે ? મારી પાસે

દાહક દાહક ખાલીપો છે-

 .

તું આવ

નહીં ખેડેલા ખેતરમાં

મને વાવ

દાણા બેસે પછી

કોયલ પાસે ગવરાવ

મોર પાસે ટહુકા કરાવ

ભાઠાં પડી ગયેલા પડખામાં

જખ્મેરૂઝ લગાવ.

રણઝણતા રથમાં બેસી મૃત્યુનો દેવ આવે

એ પહેલાં આવ-સમયનો કોરોકટ તાકો

આજ છે-કાલ કદાચ…

 .

( ચિનુ મોદી )

તમે જ કેવળ – નયના જાની

mf6GLFk

.

હે મારા એકાંતોના સ્વામી !

હું તો કેવળ બની પ્રતીક્ષા,

સૌરભથી છલકે છે મારા શ્વાસ,

ફોરમ ફોરમનો અજવાસ,

નીરવતાની બદેહે ક્ષણોમાં !

 .

ધીમે ધીમે અડકે અદ્દભુત નાદ

કે

અણુ અણુ આંદોલિત, ઉત્કંઠ,

સ્વયં હું ઝળકી ઊઠું જ્યોત !

 .

ક્યહાં લગી હું રહું નિરાળી કેવળ ઝળહળ,

ક્યહાં લગી સાંભળતી રહું કેવળ અણુ અણુ ઝંકાર !

 .

સઘળું તોડી ફોડી ઢોળી થઈ રહું સૂનકાર,

ઘણું થયું, અવ સ્વયં પધારો તમે જ કેવળ,

અરે હવે ન કરશો વાર,

ઓ મારા એકાંતોના સ્વામી !

 .

( નયના જાની )

અવકાશ – રાજેન્દ્ર પટેલ

એ ફેલાયેલો હોય છે

મારી ચોફેર, શર્ટની જેમ

અને છતાં પકડાતો નથી બટનની માફક.

*

એક વાર એક ખરતું પાંદડું ઊડતું ઊડતું

મારી ઉપર બેઠું

એની પાછળ પાછળ જાણે ઊતરી આવેલો

આખેઆખો એ,

પળમાં કરતો માટી અને મને એકાકાર

*

આંખમાં જાણે દૂરબીન બની

દૂર દૂર એને માંડ દેખે

ત્યારે ઘણી વાર જોવા મળે એની લીલા

અને આખેઆખું આભ ઊતરી આવે ભીતર.

*

એ જાણે

મારી અંદર વહેતો હોય શ્વાસ બનીને

અને કોષેકોષમાં એ વિસ્તરે છે

મારી અંદર

એટલે જ કદાચ એ દેખાતો નથી

છતાં અનુભવાય છે સતત.

*

વરસતાં ફોરામાં

અગણિત આકાશ ઊતરી આવે છે

મારા નાના આંગણામાં,

એમ એ ઊતરી આવે છે દરેક ક્ષણે

મારા પંડમાં.

*

એ છે

મારી અંદર એટલો જ મારી બહાર

છતાં એના અસ્તિત્વ માટે

મારા અસ્તિત્વનો લોપ કરવા

જીવું છું.

*

બાપાજી હવે નથી

બા પણ નથી

કાલે કદાચ હું પણ નહીં હોઉં

છતાં એ હશે આકાશની જેમ

અમારી સાથે

સદા.

*

હાથ લંબાવું હું દર્પણ તરફ

એમ એ હાથ લંબાવી ઊભો છે

મારી તરફ.

બસ

લંબાવું હાથ સહેજ

અને બધું એક…

.

( રાજેન્દ્ર પટેલ )

છોડીને – અશોક ચાવડા ‘બેદિલ’

અવાય તો જ હવે આવ, સાવ છોડીને

હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને

.

અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ,

મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને

 .

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,

જઈ શકાતું નથી પણ તળાવ છોડીને

 .

ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,

કહ્યું તેં અંત સમયમાં : ‘ન જાવ, છોડીને.’

 .

ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે ?

કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.

 .

( અશોક ચાવડા ‘બેદિલ’ )

એનું શું કરીએ – સુરેન્દ્ર કડિયા

કોઈ ખાસ, અતિશય ખાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ અજવાળું અજવાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ ફૂલ-પરીનું હાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ નિત નવો વિશ્વાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ પાસ નહિ, ચોપાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ લીલું-લીલું ઘાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ છૂટ કવિની લઈએ, તો એ માફકસરની હોય ભલા !

પણ જીવન-મૃત્યુ પ્રાસ બનીને આવે એનું શું કરીએ

 .

આ ખળખળ વહેતી આંખો આજે બંધ થવાનું નામ ન લે

કોઈ અંતરનો ઉલ્લાસ બનીને આવે એનું શું કરીએ

 .

( સુરેન્દ્ર કડિયા )

અવકાશમાં – મધુમતિ મહેતા

જળ નથી વાદળ નથી પણ વૃષ્ટિ છે અવકાશમાં

મેં ઘૂંટે ઘૂંટે પીધી એ મસ્તી છે અવકાશમાં

 .

સાવ ખાલીખમ બધું ને તોય તે લાગે સભર

નક્કી અદ્દભૂત ને અલૌકીક સૃષ્ટિ છે અવકાશમાં

 .

મેં સુરા આકંઠ પીધી ને પછી છોડી દીધી

કે નશાની પણ વધારે તૃપ્તિ છે અવકાશમાં

 .

રામ આવ્યા, બુદ્ધ પણ આવ્યા અને ચાલ્યા ગયા

છે પગેરાંનો ઈશારો હસ્તી છે અવકાશમાં

 .

દ્રશ્ય દ્રષ્ટા સર્વે ઓગળીને એકમાં

થાય એકાકાર એવી શક્તિ છે અવકાશમાં

.

છે નમન એને જે કાયાનેય ઓળંગી ગયા

પગ ધરા પર છે ને જેની દ્રષ્ટિ છે અવકાશમાં

 .

( મધુમતિ મહેતા )

કાતરઘેલો સાયબો – અનિલ રમાનાથ

મારો કાતરઘેલો સાયબો

લૂગડાં વેતરે

વત્તું કરે

મૂછ કાપે

હવે આંગળિયું નથ હાલતી તોય બે આંગળિયું હલાવ્યા કરે

ને મોઢેથી બોલ્યા કરે

ખચ ખચ ખચ ખચ

હું સોઈ-દોરો ને તમારા ભાઈ કાતર

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

સું વાત્ય કરું બોન

એક વાર તો ઈને સોપડીયું કાપવાનું વેન લીધું

સોપડી ગંધાય સોપડી ખાઉં

ગોંધીબાપુની સોપડી વાંહે કાતર લઈને ધોડ્યા

ઈ પડ્યા ઉપર પાટું કે’વાય કે નૈ ? બ્રોબર ને ?

લૂગડું ફાટે તો સાંધું પણ સોપડી સંધાય કિમ ?

 .

સું વાત્ય કરું બોન

એક ફેરી ગોમમાં કોઈની સોપડી બાર પડી

તમારા ભાઈંને સોપડીની રિબન કાપવા તેડી ગ્યા

આખું ગોમ ભેગું થ્યું

ભાસણો થ્યાં, સરસતી માની મૂર્તિ પાહે

દીવડા પેટવ્યા,

પન તમારા ભાઈએ સોપડીની રિબન હાર્ય સોપડી જ કાપી નાખી

ગોમને બૌ ખોટું લાઈગું

સોપડીનો લખનારો ભોઠો પડી ગ્યો

તે દન ને આજની ઘડી

મારો કાતરઘેલો સાયબો હરિજન બની ગ્યો

 .

સું વાત કઉ બોન

એક ફેરી નખ વધાર્યા

મેં ખાલી અમથું જ કીધું

નખી તળાવ ખોદવું સે ?

ધરાર નખ નો કાઈપા તી નો કાઈપા

મારો નખજમણો સાયબો મને હાચું કે’તો

નખ કપાય, ઓંગળી નો કપાય

સમજફેર થાય તો હું હું હું હું હું કપાય, સગપણ નો કપાય

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

( અનિલ રમાનાથ )