આમેજ થઈ જાવું ! – રાજેન્દ્ર શુક્લ

તેજ સંગાથે ભળીને તેજ થઈ જાવું,

એને જોવું એટલે તો એજ થઈ જાવું !

 .

હોઈયેં જે એ જ પાછું સ્હેજ થઈ જાવું,

આ બધું છોડી અને સાચે જ થઈ જાવું !

 .

એમ હલકી ને હલકતું હેજ થઈ જાવું !

રંગમાં રંગાઈને રંગરેજ થઈ જાવું !

.

છો છવાતી શુષ્કતા ચોપાસ વિસ્તરતી,

આપણે તો ભીનું ભીનું ભેજ થઈ જાવું !

 .

આખરે તો આ બધાં યે નામ ને રૂપો,

એક છે તો એકમાં આમેજ થઈ જાવું !

 .

( રાજેન્દ્ર શુક્લ )

ભવાની – મધુમતી મહેતા

રુદનસંહિતા છોડ ભવાની ત્રિશૂળ દ્વાર પર ખોડ ભવાની

ધગધગ ધગતી બળ બળ બળતી તું લાવાની છોળ ભવાની

 .

રામ હવે ભણકાર કાનનો સિંહાસને બેઠા છે રાવણો

એક વિજયટંકાર સાથ બે શિવધનુષ્ય મરોડ ભવાની

 .

તું તરસ્યાં હરણાંની પ્યાસ થઈ દ્વાર દ્વાર ભટકે છે આશ લઈ

તું જ તને ઓળંગ આજ કે તારી તુજથી હોડ ભવાની

 .

ઘનન ઘનન ઘનઘોર ઘટા તું ચમક દમક વીજળીની છટા તું

ઊંચક નજર ધરતીથી આજ નભ સાથ સાથ તું જોડ ભવાની

 .

આદ્યશક્તિ અવતાર અનાદિ સિંહારૂઢ સંચાર શિવાની

અડગ ખડગ અંગાર આંખ સંસાર પાશ સૌ તોડ ભવાની

 .

( મધુમતી મહેતા )

તમારા ગયા પછી – નાઝિર દેખૈયા

દિલને નથી કરાર તમારા ગયા પછી

આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી

 .

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી

લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી

 .

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો

શું સાંજ, શું સવાર તમારા ગયા પછી

.

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી

આવી નથી બહાર તમારા ગયા પછી

 .

મહેફિલ છે એ જ, એ જ સુરા, એ જ જામ છે

ચડતો નથી ખુમાર તમારા ગયા પછી

 .

જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી

તૂટી જશે ધરાર તમારા ગયા પછી

 .

‘નાઝિર’ને છેક ઓશિયાળો ના તમે કરો

કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી

.

‘નાઝિરનો સાથ છોડી જનારા જરા કહો !

કોને કરે એ પ્યાર તમારા ગયા પછી

 .

( નાઝિર દેખૈયા )

આંસુ બની જો – પ્રમોદ અહિરે

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે;

મનમંચ પરના નાટ્યનો પડદો પડી જશે.

 .

એક વાર મારી મરજીથી હું ક્રોસ પર ચઢ્યો,

ન્હોતી ખબર કે એ જ શિરસ્તો પડી જશે.

 .

એમાં નવીન ઘટનાનો કોઈ ખીલો ન ઠોક,

જર્જર સ્મરણની ભીંતથી ફોટો પડી જશે.

 .

વેરાન મન ને બાગ બનાવી તો લીધું પણ-

રોકો સ્મરણની આવ-જા રસ્તો પડી જશે.

 .

મારી તમામ ઊર્જા કામે લગાવું હું,

રહેવા દે દોસ્ત ! સૂર્ય આ ઝાંખો પડી જશે.

 .

ગઝલોનું ગાન કરવાને આવ્યા પતંગિયાં

આજે મુશાયરામાં જો સોપો પડી જશે.

 .

( પ્રમોદ અહિરે )

અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા

અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ

ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !

 .

હું પસ્તિત્વને આજ પામ્યો ભલે;

ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.

 .

કરું છું હું પસ્તાવો નિજ પાપનો;

આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.

 .

છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં

હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.

 .

રઝળપાટ લમણે લખ્યો છે ભલે;

હું મારા અસલ ઘર ભણી જાઉં પણ.

 .

ગડી વાળીને તેં જ મૂક્યો હતો;

હું હૈયાધબકમાં જ દેખાઉં પણ.

 .

દીવાલોથી અળગો થયો છું છતાં

હું પડધો બનીનેય ટકરાઉં પણ.

 .

( ભગવતીકુમાર શર્મા )

રસભર થઈએ – અનિલ ચાવડા

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ

 .

અંધારું અંધારે બાંધી

અજવાળે અજવાળું

ચાલ ખોલીએ કૂંચી થઈને

વાદળ નામે તાળું

 .

તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

 .

જળ પર વહેતાં લીસ્સાં લીસ્સાં

તરંગ વસ્ત્રો ખેંચી

કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી

 .

કૂણી કૂણી કમળ પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

 .

( અનિલ ચાવડા )

કોઈ નથી – ખલીલ ધનતેજવી

સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી,

કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.

 .

આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી,

આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.

 .

વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો,

ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.

 .

નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની,

છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.

 .

એટલે ના ગમતી વાતો સાંભળી લેવી પડે,

આ જગત આખાના મોઢે ઢાંકણું કોઈ નથી.

 .

શ્વાસની ધૂણી ધખાવીને બદન તાપ્યા કરો,

રાત ટાઢીબોળ છે ને તાપણું કોઈ નથી.

 .

સુખ કે દુ:ખ, મિત્રો કે શત્રુ, આપણા કે પારકા,

સૌની સાથે પ્રીત છે, અળખામણું કોઈ નથી.

 .

છે ખલીલ એવા ય ધરખમ માણસો આ શહેરમાં,

પોતપોતાનામાં પણ પોતાપણું કોઈ નથી.

 .

( ખલીલ ધનતેજવી )

શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત !

સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ

જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !

 .

પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ,

પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

અસ્તિત્વ ખંડ-ખંડ બનાવ્યું છે કોણે દોસ્ત !

એ જાણશે તો જાણશે એકત્વ શું છે દોસ્ત !

 .

ઈચ્છાના નખથી થાય ઉઝરડાઓ શ્વાસ પર

આના સિવાય બીજું તો વૃદ્ધત્વ શું છે દોસ્ત !

 ,

( પ્રમોદ અહિરે )

કબૂલ – એષા દાદાવાળા વ્યાસ

.

દરિયો ખારો છે કબૂલ,

પણ એમાં માછલીની ભૂલ

આંસુઓ આવી જાય છેક એવી રીતે…

ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?

 .

માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો

ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું,

આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા

એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું

 .

પણ એમ કરી ભીતર ખાલી જો થાતું,

તો આંસુનું આવવું વસૂલ

દરિયો ખારો છે, કબૂલ…!

 .

કોઈ માણસના હોય કે માછલીના હોય

દોસ્ત,આંસુ તો આંસુ કહેવાય,

રડવું આવે ત્યારે રડી લેવાનું

એને પાણીની જેમ ના પીવાય….!

 .

હૃદયના રસ્તેથી એ આંખોમાં આવે,

એનું ઠેકાણું નથી કૈં દૂર…

દરિયો ખારો છે કબૂલ…

.

દરિયાનું પાણી ને આંખોનું પાણી

બે ઉની ખારાશ તમે માપી જોજો

મારું માનો તો એકને હોઠે

ને એકને હૈયે મૂકી તમે ચાખી જોજો

 .

આંસુનાં મોજાં ના હોય એ તો ટીપામાં હોય,

એનાં આવે ન કોઈ દિ પૂર…

દરિયો ખારો છે કબૂલ…!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

બે ગઝલ – ખલીલ ધનતેજવી

(૧)

.

ભીતર પરપોટા ફૂટે છે,

દિલની નાજુક નસ તૂટે છે.

 .

ફાંટ ભરીને આપ્યું તોયે,

દાનતમાં મુઠ્ઠી ખૂટે છે.

 .

વેરભાવ સૌ છોડી બેઠા,

ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે.

.

એમ ફટાફટ બોલી દો છો,

જાણે કે ધાણી ફૂટે છે.

.

રાખ ખલીલ અત્તરનો ફાયો,

માણસમાં ખુશબો ખૂટે છે.

 .

(૨)

 .

આ બધા ઠાઠબાટ રહેવા દે,

જિન્દગીને સપાટ રહેવા દે.

 .

કોક મહેમાન અચાનક આવે,

ઓસરીમાં જ ખાટ રહેવા દે.

 .

જા સજાવી દે ઘર નવેસરથી,

માત્ર જૂનું કબાટ રહેવા દે.

 .

ખોડીબારું જ એક પૂરતું છે,

બંધ આ ગાડાવાટ રહેવા દે.

 .

એ ખલીલ આવશે સમી સાંજે,

ભરબપોરે ઉચાટ રહેવા દે.

.

( ખલીલ ધનતેજવી ‌)