ના તાજ કે ન તખ્ત – એસ. એસ. રાહી

ના તાજ કે ન તખ્ત, ઈજ્જત અલોપ છે,

કિલ્લા ઉપર કટાયેલી એ કોની તોપ છે.

 .

રણનો કબીલો એ પછી હિજરત કરી ગયો,

આ ઝાંઝવાના ગામમાં શેનો પ્રકોપ છે.

 .

મારા સ્મરણની વીંટી મેં આપી છે તે મહીં,

ધાતુ છે લાગણીની ને ઉર્મિનો ઓપ છે.

 .

મીઠા સ્વરોમાં વાંસળીએ કાનમાં કીધું :

જમના કિનારે વાટ જોતો કોઈ ગોપ છે.

 .

છઠ્ઠીના લેખમાં જ વિધાતાએ લખ્યું કે,

તારા જીવનની વારતામાં ઘટનાલોપ છે.

 .

( એસ. એસ. રાહી )

મંદિર મારા મનમાં – સુરેશ દલાલ

મંદિર મારા મનમાં ને મસ્જિદ મારા મનમાં

દેવળ હોય કે હોય દેરાસર : મારી ક્ષણેક્ષણમાં

 .

આકાશને તો હોતો નથી

કોઈને કોઈનો ભેદ

ઈંટમાં કદી હોતો નથી

કોઈનો પ્રભુ કેદ

 .

હરખ-શોકના હાંસિયા એ તો આપણા પાગલપનમાં

મંદિર મારા મનમાં અને મસ્જિદ મારા મનમાં

 .

નદી કોઈને ના કહે નહીં

ફોરમને નહીં પાળ

આપણે મારુંતારું કરી

ભોગવીએ જંજાળ

 .

પ્રાર્થના, બંદગી, નમાજ એ તો રસ્તા ત્રિભુવનના

મંદિર મારા મનમાં અને મસ્જિદ તારા મનમાં.

 .

( સુરેશ દલાલ )

શક્યતા શોધો – ખલીલ ધનતેજવી

રઝળતી ચીસમાંથી છંદોલયની શક્યતા શોધો,

ને એમાંથી પછી તાજા વિષયની શક્યતા શોધો !

.

ઘણું કહેવાનું ભીતર તરફડે ને મૌન ના તૂટે,

હવે આથી વધુ કપરા સમયની શક્યતા શોધો !

 .

ઉગમણા સૂર્યને હંમેશ હંફાવે છે પડછાયા,

ઉઠો બીજી દિશામાં સૂર્યોદયની શક્યતા શોધો !

 .

હજી પીછો કરે છે એજ વરસો જૂની ઘટનાઓ,

બધું ભૂલી શકે એવા હૃદયની શક્યતા શોધો !

 .

તમારી ચેતના નાહક કટાઈ જાય તે કરતાં,

તમારી ગાઢ નિર્ભયતામાં ભયની શક્યતા શોધો !

 .

ચિરાગોની નહીં, અજવાળાની ઈજ્જત અદબ ખાતર,

હવાઓના કબીલામાં વિનયની શક્યતા શોધો !

 .

ખલીલ આ ધૂળમાં તરતી મૂકો કાગળની હોડીને,

ને પરપોટામાં ધસમસતા પ્રલયની શક્યતા શોધો !

 .

( ખલીલ ધનતેજવી )

એક અરજ – રિષભ મહેતા

બાળકને બાળક રહેવા દો

બચપણ ઉપર હક રહેવા દો

એની રીતે મોટું થાશે

એને માટે તક રહેવા દો… !

 

હું છું સીધો સાદો માણસ,

ચમક દમક રોનક રહેવા દો

થોડામાં પણ હું તો રાજી

આ ખુશીઓ અઢળક રહેવા દો.

 

બમણાવેગે વધીશ આગળ

ટીકા બધી ક્ષુલ્લક રહેવાદો

પ્રશંસકોની સાથે સાથે

સમજદાર નિંદક રહેવા દો… !

 

ચોમાસું આવે ના આવે

આંખોમાંચાતક રહેવા દો

કોઈને તો રસ્તો મળશે

રસ્તામાં દીપક રહેવા દો… !

 

હોય ભલે નાનો કે નબળો

મારામાં સર્જક રહેવા દો…

ગઝલને જોતા ‘વાહ’ કહી દે

એવો એક ચાહક રહેવા દો… !

 

( રિષભ મહેતા )

જાય તો બસ – આબિદ ભટ્ટ

જાય તો બસ ઘર સુધી તું જઈ શકે

પ્રેમ માર્ગે પર સુધી તું જઈ શકે.

 .

ભેજનું મળવું પગેરું જોઈએ

એ પછી સરવર સુધી તું જઈ શકે.

 .

ઠેસ વારંવાર ચૂમે જો ચરણ

આખરે પગભર સુધી તું જઈ શકે.

.

માત્ર હણવાની ધરાવે આવડત

એટલે તો શર સુધી તું જઈ શકે.

.

એક લીલી પાઘડી બાંધું તને

જો કદી તરુવર સુધી તું જઈ શકે.

 .

યત્ન કર પહોંચી જવા તારા સુધી

શક્ય છે ઈશ્વર સુધી તું જઈ શકે.

 .

( આબિદ ભટ્ટ )

 

 

 

એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા

સતત જાગી-જગાડી એ બધાંનું ધ્યાન રાખે છે

સ્વયં દાંડી વગાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ભલે મધરાતના ભૂલા પડ્યા સૌ જંગલોમાં પણ

સમયસર સાદ પાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

નરી સંજીવની જેવું મળ્યું અકસીર એ ઓસડ

દરદ સઘળાં મટાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ઘડીભરમાં જ  આખા બંધ ઘરમાં પ્રાણ પુરાશે

બધી બારી ઉઘાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

યુગોનો થાક ઓગળશે હવે તો એક બે પળમાં

રમત નોખી રમાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

( નીતિન વડગામા )

 

 

હાર-જીત – ગાયત્રી ભટ્ટ

સજન ! તમે છે હુકમનું પાનું

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

કોઈને પણ ખબર પડે ના એવા ખેલનો દાવ બની છું

કદીયે ના રુઝાયે એવા ઉઝરડાનો ઘાવ બની છું

તમે પીડાને પોંખી મારી પાથરિયું છે પુષ્પ બિછાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, અમે તો વજન વિનાના; વાની વાટે વહી જનારા

શ્વાસ તમારા જરી અડે ને અધ્ધર-પધ્ધર શ્વાસ અમારા

અધ્ધર ઊભા શ્વાસો ભેગું જડી ગયું જીવવાનું બહાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, તમારી સંગ અમે તો માંડી બેઠા એવી બાજી

હાર-જીતને સમાન પલ્લે રાખી થાતાં રાજી રાજી

તમે હશો ને અમે હશું તો ભરાઈ જાશે ખાલી ખાનું…!

સજન ! તમે છો હુકમનું પાનું

 .

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

( ગાયત્રી ભટ્ટ )

કરીને બંધ – હરીશ પંડ્યા

કરીને બંધ ઘરનાં દ્વાર બેઠા છો તમે શાને,

સહજમાં કેમ માની હાર બેઠા છો તમે શાને.

 .

અરીસો સાવ સૂનો આજ પૂછે છે હવે એવું.,

બનીને આમ નિરાધાર બેઠા છો તમે શાને.

 .

જીવનમાં જીત ને આ હાર બદલાતી રહે કાયમ,

કરો બસ સ્વપ્નને સાકાર બેઠા છો તમે શાને.

 .

પ્રણયમાં જાતને ઓગાળવાનું પણ જરૂરી છે,

સમય તલવારની છે ધાર બેઠા છો તમે શાને.

 .

ફળે છે ભાગ્ય એનું જે કરે છે ચાહ મંઝિલની,

કરો મક્કમ હવે નિર્ધાર બેઠા છો તમે શાને.

 .

( હરીશ પંડ્યા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

.

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં,

જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં !

એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક,

અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક !

ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ;

અમે ગબડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

હતાં જાણતા કે કપટીની કેવી હોય છે પ્રીત,

જશે નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !

થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી,

કરો ભરોસો સઘળાંનો, બસ એક કૃષ્ણને છાંડી !

ઉદ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે

અમે ઝગડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

( વીરુ પુરોહિત )

ભટકવાનાં મળ્યાં – સાહિલ

ભટકવાનાં મળ્યાં બે-ચાર કારણ જિંદગાનીને,

પૂછ્યું છે માર્ગદર્શન માટે જ્યારે કોઈ જ્ઞાનીને.

 .

દુ:ખી ના થાઉં હું-એ કારણે ચહેરો છુપાવે છે,

નથી સમજી શક્યો હું દોસ્તોની ખાનદાનીને.

 .

તમે પંડિતજી હોવાનો પુરાવો તો દઈ દીધો,

ધીરજના લાભ જો સમજાવવા બેઠા જવાનીને.

 .

તમે હાથે કરીને પગ ઉપર મારો કુહાડો કાં,

ન માપો લાગણીના ગજથી ક્યારેય મહેરબાનીને.

 .

પૂરા બ્રહ્માંડને પળવારમાં પલટાવતો ઈશ્વર,

હજી નાથી શક્યો ક્યાં માણસોની બેઈમાનીને.

 .

તમે પોતે જ તો એની હયાતિનો પુરાવો છે,

છતાં શોધ્યા કરો છો શાને ઈશ્વરની નિશાનીને !

 .

ઝીલ્યા છે ઘાવ ‘સાહિલ’ દુશ્મનોના સામી છાતીએ,

અમસ્તો હું નથી દેતો સલામી જિંદગાનીને.

 .

( સાહિલ )