જાય તો બસ – આબિદ ભટ્ટ

જાય તો બસ ઘર સુધી તું જઈ શકે

પ્રેમ માર્ગે પર સુધી તું જઈ શકે.

 .

ભેજનું મળવું પગેરું જોઈએ

એ પછી સરવર સુધી તું જઈ શકે.

 .

ઠેસ વારંવાર ચૂમે જો ચરણ

આખરે પગભર સુધી તું જઈ શકે.

.

માત્ર હણવાની ધરાવે આવડત

એટલે તો શર સુધી તું જઈ શકે.

.

એક લીલી પાઘડી બાંધું તને

જો કદી તરુવર સુધી તું જઈ શકે.

 .

યત્ન કર પહોંચી જવા તારા સુધી

શક્ય છે ઈશ્વર સુધી તું જઈ શકે.

 .

( આબિદ ભટ્ટ )

 

 

 

એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા

સતત જાગી-જગાડી એ બધાંનું ધ્યાન રાખે છે

સ્વયં દાંડી વગાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ભલે મધરાતના ભૂલા પડ્યા સૌ જંગલોમાં પણ

સમયસર સાદ પાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

નરી સંજીવની જેવું મળ્યું અકસીર એ ઓસડ

દરદ સઘળાં મટાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ઘડીભરમાં જ  આખા બંધ ઘરમાં પ્રાણ પુરાશે

બધી બારી ઉઘાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

યુગોનો થાક ઓગળશે હવે તો એક બે પળમાં

રમત નોખી રમાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

( નીતિન વડગામા )

 

 

હાર-જીત – ગાયત્રી ભટ્ટ

સજન ! તમે છે હુકમનું પાનું

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

કોઈને પણ ખબર પડે ના એવા ખેલનો દાવ બની છું

કદીયે ના રુઝાયે એવા ઉઝરડાનો ઘાવ બની છું

તમે પીડાને પોંખી મારી પાથરિયું છે પુષ્પ બિછાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, અમે તો વજન વિનાના; વાની વાટે વહી જનારા

શ્વાસ તમારા જરી અડે ને અધ્ધર-પધ્ધર શ્વાસ અમારા

અધ્ધર ઊભા શ્વાસો ભેગું જડી ગયું જીવવાનું બહાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, તમારી સંગ અમે તો માંડી બેઠા એવી બાજી

હાર-જીતને સમાન પલ્લે રાખી થાતાં રાજી રાજી

તમે હશો ને અમે હશું તો ભરાઈ જાશે ખાલી ખાનું…!

સજન ! તમે છો હુકમનું પાનું

 .

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

( ગાયત્રી ભટ્ટ )

કરીને બંધ – હરીશ પંડ્યા

કરીને બંધ ઘરનાં દ્વાર બેઠા છો તમે શાને,

સહજમાં કેમ માની હાર બેઠા છો તમે શાને.

 .

અરીસો સાવ સૂનો આજ પૂછે છે હવે એવું.,

બનીને આમ નિરાધાર બેઠા છો તમે શાને.

 .

જીવનમાં જીત ને આ હાર બદલાતી રહે કાયમ,

કરો બસ સ્વપ્નને સાકાર બેઠા છો તમે શાને.

 .

પ્રણયમાં જાતને ઓગાળવાનું પણ જરૂરી છે,

સમય તલવારની છે ધાર બેઠા છો તમે શાને.

 .

ફળે છે ભાગ્ય એનું જે કરે છે ચાહ મંઝિલની,

કરો મક્કમ હવે નિર્ધાર બેઠા છો તમે શાને.

 .

( હરીશ પંડ્યા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

.

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં,

જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં !

એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક,

અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક !

ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ;

અમે ગબડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

હતાં જાણતા કે કપટીની કેવી હોય છે પ્રીત,

જશે નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !

થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી,

કરો ભરોસો સઘળાંનો, બસ એક કૃષ્ણને છાંડી !

ઉદ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે

અમે ઝગડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

( વીરુ પુરોહિત )

ભટકવાનાં મળ્યાં – સાહિલ

ભટકવાનાં મળ્યાં બે-ચાર કારણ જિંદગાનીને,

પૂછ્યું છે માર્ગદર્શન માટે જ્યારે કોઈ જ્ઞાનીને.

 .

દુ:ખી ના થાઉં હું-એ કારણે ચહેરો છુપાવે છે,

નથી સમજી શક્યો હું દોસ્તોની ખાનદાનીને.

 .

તમે પંડિતજી હોવાનો પુરાવો તો દઈ દીધો,

ધીરજના લાભ જો સમજાવવા બેઠા જવાનીને.

 .

તમે હાથે કરીને પગ ઉપર મારો કુહાડો કાં,

ન માપો લાગણીના ગજથી ક્યારેય મહેરબાનીને.

 .

પૂરા બ્રહ્માંડને પળવારમાં પલટાવતો ઈશ્વર,

હજી નાથી શક્યો ક્યાં માણસોની બેઈમાનીને.

 .

તમે પોતે જ તો એની હયાતિનો પુરાવો છે,

છતાં શોધ્યા કરો છો શાને ઈશ્વરની નિશાનીને !

 .

ઝીલ્યા છે ઘાવ ‘સાહિલ’ દુશ્મનોના સામી છાતીએ,

અમસ્તો હું નથી દેતો સલામી જિંદગાનીને.

 .

( સાહિલ )

શોધું છું – મનીષ પરમાર

દટાતી રાતની દીવાલ શોધું છું,

હજી અવશેષરૂપે કાલ શોધું છું.

 .

વિરહમાં આથમી છે સાંજ પાછીયે-

ખરીને ક્યાં પડ્યો ગુલાલ શોધું છું.

 .

ઘણા ફૂલો મને પૂછે ચમન અંદર,

ગઈ ક્યાં પાનખરની ચાલ શોધું છું.

 .

ગઝલ જેવું કશું બંધાય બેસે પણ,

હૃદયમાં હું તમારા ખ્યાલ શોધું છું.

 .

મનીષ વરસી પડે આંખોનું ચોમાસું-

છુપાયેલું નજરમાં વ્હાલ શોધું છું.

 .

( મનીષ પરમાર )

આમ જુઓ તો… – સોનલ પરીખ

રાત દિવસના ફરફર ફરકે

કોરા કાગળ બે’ક

નાહક લખવું-ભૂંસવું

અમથી છેકા છેક

 .

આમ જુઓ તો સામે સામે

આમ જુઓ તો દૂર

વળાંક ઊંચા-નીચા-અઘરા

પગ થાકીને ચૂર

વૃક્ષો-પર્ણો, રસ્તા-ચરણો

વચ્ચે કેવા લેખ !

 .

તડકાના ચાંદરણે ચીતરી

ચાંદા કેરી ધૂપ

મારામાં કોઈ બડબડતું

ને કોઈ કરતું ચૂપ

અણઉકલતા અક્ષર વચ્ચે

કરવી કપરી ખેપ

 .

( સોનલ પરીખ )

તું વાત કરમાં – બેન્યાઝ ધ્રોલવી

કેસરી આકાશની તું વાત કરમાં,

સૂર્યના અજવાસની તું વાત કરમાં.

 .

ભાગ્યનું ગણિત ગણી લે જિન્દગીમાં,

એ હિસાબી શ્વાસની તું વાત કરમાં.

 .

ચંદ્ર, વાદળની રજાઈ રાતે ઓઢે,

રેશમી આભાસની તું વાત કરમાં.

 .

જે ફકીરી યાદમાં ફરતો રહે છે,

એ ખુદાના દાસની તું વત કરમાં.

 .

પ્યાસ ગંગા, પ્યાસ ઝમઝમ, જળ પવિત્ર છે,

એક ચમચી પ્યાસની તું વાત કરમાં.

 .

પેન કાગળમાં સળગતી શબ્દલીલા,

એ ગઝલના રાસની તું વાત કરમાં.

 .

દર્દની આજેય અનુભૂતિ કરાવે,

એવા પ્રાસે પ્રાસની તું વાત કરમાં.

 .

( બેન્યાઝ ધ્રોલવી )

શરૂઆતમાં – મહેશ શાહ

પ્રથમ આભ ઊઘડે પછી સૂર્ય ને તે પછી પુષ્પ ઊઘડે હું એવા સમયની શરૂઆતમાં છું,

પ્રથમ શ્વાસ ધબકે પછી સ્મિત ને તે પછી હોઠ ઊપડે હું એવા સમયની શરૂઆતમાં છું.

 .

મને મોકલો એ પ્રથમ શબ્દને દઈ દીધું જે નિમંત્રણ હું એના જતનની શરૂઆતમાં છું,

પછી શબ્દ થઈને હું પાછો ફરું તે પ્રથમ મારામાંથી હું મારા વિલયની શરૂઆતમાં છું.

 .

ન ઝબકી ઊઠે દ્રશ્ય માટે અચાનક ધીમે ધીમે ઊઘડતાં નયનની શરૂઆતમાં છું,

કલમ લઈ પછી ગોઠણે ગોઠવીને બરાબર લખાતા જતા પત્રના ખાસ લયની શરૂઆતમાં છું.

 .

તમારા વિચારોતણી જ્યાં ગડી ખૂલતાં મહેક પમરે હું એવા પવનની શરૂઆતમાં છું,

પ્રથમ યાદ છલકે પછીથી વિરહ ને પછી ગીત ઊપડે હું એના જ લયની શરૂઆતમાં છું.

 .

શરૂઆતમાં છે પછી આ-પછી તે, પછી તો છે હોવું હું એના શ્રવણની શરૂઆતમાં છું,

અગર તો નથી-યા નહીં હોય, ના-ના નથી, તો પછી જે રહે તે પ્રલયની શરૂઆતમાં છું.

 .

( મહેશ શાહ )