તેજ આપે તે – આબિદ ભટ્ટ

તેજ આપે તે દિવાકર થાય છે,

કોડિયું રાતે પ્રભાકર થાય છે !

 .

એક તરસી દોડતી આવે નહીં,

આંખ મારી પણ સમંદર થાય છે !

.

માનવી રૂપે મળો, વળગો ગળે,

આ ધરા તો આપણું ઘર થાય છે !

 .

તું વિસર્જન જોઈ દિલને બાળ ના,

અવનવું સર્જન સમાંતર થાય છે !

 .

શ્વાસનો કબજો નહીં નિજ હાથમાં,

ત્યાં લગી ના કોઈ પગભર થાય છે.

 .

નૂરનો અભિષેક હો આકાશથી,

આદમી ત્યારે પયંબર થાય છે !

 .

( આબિદ ભટ્ટ )

ફક્ત આભાસ – ધ્રુવ ભટ્ટ

અક્ષરો શબ્દના અર્થની સહુ કથા ફક્ત બકવાસ છે કે બીજું કાંઈ છે

ચિત્ત ચેતન અને વ્યક્તના વિસ્તારના ફક્ત આભાસ છે કે બીજું કાંઈ છે

 .

હું નથી તું નથી તે નથી તો પછી કોણ આ તંતના અંત કાજે મથે

વ્યર્થ વાદો નિરર્થક વિવાદો બધું સમયના શ્વાસ છે કે બીજું કાંઈ છે

 .

ચિત્ર ભાળો અને ફક્ત રેખા મળે કે પછી દર્શનો કોણ જાણી શક્યું

મન:સ્થિતિ મન અને હું વચાળે ઘણાં દીર્ધ આકાશ છે કે બીજું કાંઈ છે

 .

પ્રશ્ન તો છે જવાબો જડે કે નહીં એ વળી જો નવા પ્રશ્ન જાગ્યા કરે

પેઢી દર પેઢીએ સંસ્કૃતિ પારના આ જ ઈતિહાસ છે કે બીજું કાંઈ છે

 .

હું જ મારો નથી એ કહી મત કહે કોણ વિદ્વાન ને શું કરે ધારણા

ગ્રંથ કહેશે કહી શાહી ઢોળી ગયા એજ શાબાશ છે કે બીજું કાંઈ છે

 .

માર્ગ છે કે નથી ચાલવું છે સતત લો અડાબીડ નીકળી જવાનું રહ્યું

છો હવે થોભવું સૂચવતા ચોતરફ લાલ પરકાશ છે કે બીજું કાંઈ છે

 .

( ધ્રુવ ભટ્ટ )

એવું કરો કે – એસ. એસ. રાહી

એવું કરો કે કોઈ પણ અવશેષ ના રહે

કંઈ પણ ઉમેરો તો ય કશી શેષ ના રહે

 .

મરહમને એવી રીતે લગાવો ઓ વૈદ્યજી

જખ્મોનાં નામનો કોઈ પણ દેશ ના રહે

 .

જ્યાં જાઉં ત્યાં મારી ભૂમિની ધૂળ પણ મળે

ઈચ્છુ અલાયદો કોઈ પરિવેશ ના રહે

 .

ભજવાય બધાં નાટકો મ્હોરા વગર હવે

પહેરી શકાય એવો કોઈ વેશ ના રહે

 .

થાળીની ભાખરી ફરી રોપું જમીનમાં

મારી દુવા છે કે એક પણ દરવેશ ના રહે

 .

તેનાથી માણસોનાં જુદાં મન થયાં છે દોસ્ત

એકે ય રંગનો ભલે ગણવેશ ના રહે

 .

એવી દુવા છે કોઈ પણ સરહદ રહે નહીં

માંથી વછોયા પુત્ર પણ પરદેશ ના રહે

 .

( એસ. એસ. રાહી )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરડોલે સૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

કહાનાની આંખોમાં પ્રગટે રાત, ઉષા ને સંધ્યા;

કેટકેટલા રંગોથી કહાનાએ અમને રંગ્યા !

અમે ઘણા બડભાગી ઉદ્ધવ ! માધવ અમને ભેટ્યા;

ભલે વિયોગી થયાં, ભલેને અઢળક દુ:ખો વેઠ્યાં !

 .

પણ દેવોને દુર્લભ એવો રાસ રમાડ્યો રૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

હવે પછીનાં બધાં જનમ ગોપી થઈને અવતરશું;

જમુના તટ, મધુવન, ગોકુળમાં શ્યામ વિના ટળવળશું !

કોઈક યુગે તો પ્રગટ થશે એ ભાળીને ઉત્કંઠા;

એ જ અમારો મોક્ષયોગ હો, એવી છે બસ મંછા !

 .

ઉદ્ધવજી ! માધવ છે જાણે વિણમાખી મધપૂડો !

 .

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરડોલે સૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

( વીરુ પુરોહિત )

અવકાશમાં – માલા કાપડિયા

રોજ સવારે

મારી બારીમાંથી આવી જાય છે

એક આકાશનો ટુકડો

સોનેરી તડકો લઈ

 .

તો વળી ક્યારેક

એના આસમાની તરંગોમાં

તરતાં વાદળોમાં

હું ખોવાઈ જાઉં છું બની મત્સ્યકન્યા !

 .

આ રમત થોડા દિવસ ચાલતી રહી.

 .

પછી મને થયું,

મારી બારી થોડી મોટી હોય તો ?

અને હું ખેસવતી ગઈ રોજ

એક એક ઈંટ

વિસ્તરતી ગઈ મારી બારી

પ્રસ્તરતું ગયું મારું આકાશ

 .

અને

 .

મને ખબર જ ન રહી

કે ક્યારે

આકાશ સમાઈ ગયું બારીમાંથી

મારા ઘરમાં

અને હું

ફેલાઈ ગઈ

અવકાશમાં !!!

 .

( માલા કાપડિયા )

મા એટલે…(નવમી માસિક શ્રદ્ધાંજલિ)

p9040339-web

(23/08/1938 – 25/12/2012)

.

નિતાંત અને નિશ્ચલ
-એ મા હોય છે.
.
જે કંઈ પૂછ્યા વિના, કંઈ કહ્યા વિના
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
-એ મા હોય છે.
.
જગતના સર્વ ચહેરામાં
એક ચહેરો એવો કરુણાભર્યો
જેની સામે જોતાં માત્ર વ્હાલ અને સ્વીકારની
અનુભૂતિ થાય –
જે સ્વીકારે છે પોતાના અંશને જેવો છે તેવો,
કોઈ અહોભાવ કે ઉપાલંભ વિના, ઉપેક્ષા વિના,
પોતાની જાત કરતાં પણ
પોતાના અંશને જે વિશેષ સ્વીકારે છે, સમજે છે
-એ મા હોય છે.
.
મા-
એ હોય છે
જે દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક સ્થિતિમાં
મા જ હોય છે
મા અને માત્ર મા
મા.

 .

( પ્રજ્ઞા પટેલ )

 

સપનાં હતા ને હું હતો – બેન્યાઝ ધ્રોલવી

પોપચાના શ્હેરમાં સપનાં હતા ને હું હતો,

આંખમાં મધરાતના ટહુકા હતા ને હું હતો.

 .

તારલાની માછલીઓ સૂર્ય કાળો ફોલતી,

ને સવારે રક્તના દરિયા હતા ને હું હતો.

 .

શબ્દના ગુલમ્હોર નીચે બે ઘડી બેસી ગયા,

પ્રેમની ભાષા હતી, કિસ્સા હતા ને હું હતો.

 .

ચીસ ભમરાની ઢળેલી પુષ્પરંગી ખીણમાં,

ગૂંજતી એ મ્હેકના પડઘા હતા ને હું હતો.

 .

જિન્દગીમાં દર્દની વણઝાર ચાલી જાય છે,

આંસુઓની રેત પર પગલા હતા ને હું હતો.

 .

ચાંદનીની ટ્રેન પૂનમ સ્ટેશને ઊભી રહી,

એ ગગનમાં ચંદ્રના પાટા હતા ને હું હતો.

 .

વાદળી “બેન્યાઝ” મુન્નીબાઈની વરસી પડી,

ઠુમરીમાં એ દર્દના છાંટા હતા ને હું હતો.

 .

( બેન્યાઝ ધ્રોલવી )

સારું થયું કે – અંજલિ કુલકર્ણી

-કપડાંની શોધ થઈ એ બહુ સારું થયું

સંસ્કારનું એક આવરણ તો મળ્યું.

નહીં તો આપણે પશુઓથી કેમ જુદાં કહેવાત ?

 .

-કેટલું સારું થયું કે ભાષાનો જન્મ થયો

શબ્દો આપણા સેવક બન્યા.

નહીં તો સત્ય આપણે ક્યાં સંતાડ્યું હોત ?

 .

-નાજુક, યુવાન ત્વચા આપણા શરીરને રક્ષી લે છે,

એ પણ સારું છે

નહીં તો લોહી-માંસના પિંડથી

આપણે કેવી રીતે આકર્ષાયાં હોત ?

(જો કે આપણે એકબીજાનાં

પેટ-આંતરડાંથી પ્રશંસા કરી શક્યાં હોત.)

એટલું સારું છે કે અંદર ચાલતું તોફાન

બહાર નથી દેખાતું.

પીડા આંસુ બનીને બહાર નથી આવતી,

મૂંગા હોઠ પર જ્યાં સુધી

શબ્દ બહાર ન આવે,

દરેક સ્ત્રી

દિવ્ય છે.

 .

( અંજલિ કુલકર્ણી, અનુ. મનીષા જોશી )

 .

મૂળ કૃતિ : મરાઠી

તે રાત – ઈન્દિરા સંત

હોસ્પિટલની તે રાત…

પેસેજના થાંભલાએ તાણી રાખેલો તે ભયાનક અંધકાર.

બારણામાંથી આવનારાં ભયભીત પ્રકાશકિરણોમાં

માંડ-માંડ ઊભું રહેલું તે ઝાડ.

 .

અંદર ચાલેલી  નર્સોની દોડધામ.

ડોક્ટરોનો દબાયેલો જડ અવાજ.

ઓજારોનો આવજ, બરફ તોડવાનો અવાજ.

હલનારા પડછાયાઓનો અવાજ.

અંદરથી આ બધું આવે છે.

કાળજું અંદર મૂકીને બહાર કઠેડાને કાંઠે ઊભી છું.

હું થઈ જાઉં છું એક સૂક્ષ્મ સોય

બરફમાં રોપેલી…બધિર રસ શોષી લેનારી.

 .

સામેનાં વૃક્ષોમાંથી રસવાહિનીનો ધો-ધો પ્રવાહ.

ઝાડની પાછળ ચાંદનીની ગતિનો ઢળતો સ્પર્શ.

તાણેલા અંધકારમાંથી પડછાયાની ચૂપચાપ ગતિ.

સામેથી આ બધું આવે છે. અનુભવું છું.

કઠેડા પર ઘટ્ટ રોપેલા મારા હાથ

પહોંચ્યા છે કઠેડાના ઝાડના મૂળને.

અને પગલાં ભીંજાય છે પાતાળગંગાના મૃત્યુધરામાં.

 .

કોઈ હળવેથી ખભા પર હાથ મૂકે છે…

ભાષા કળ્યા પહેલાં જ હું હોઉં છું તો પણ

નથી જેવી થઈ જાઉં છું.

 .

( ઈન્દિરા સંત, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ કૃતિ : મરાઠી

પ્રાર્થના – સુરેશ દલાલ

ચિક્કાર વરસાદ પડી ગયો છે. ખૂબ તાપ પછી ધરતી ભીની ભીની થઈ ગઈ છે. ધરતી વરસાદને પ્રતિભાવ આપી રહી છે પોતાની સુગંધથી. વિરહના સંતાપ પછી ભક્તને હરિનાં દર્શન થાય અને પછી જે શાંતિ-પ્રશાંતિ અનુભવાય એવું એક અવર્ણનીય આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. મિલનનાં આંસુની જેમ વૃક્ષનાં ડાળ-પાંદડેથી બુંદ પર બુંદ ટપકી રહ્યાં છે. હરખની લીલાશ જીરવાતી નથી. આટલો બધો આનંદ ધરતી અને આકાશને ક્યારેય થયો નથી. મેઘધનુષના રંગો મોરપીંછની જેમ આટલા બધા સુંવાળા સુંવાળા કેમ લાગે છે ? એનો જવાબ રાધા પાસે છે, મીરાં પાસે છે. ભગવાન પાસે તો માત્ર છે હૂંફાળું સ્મિત.

 .

શ્રદ્ધા હોય તો પૂરી હોય, અધૂરી હોય. હોય તો સૂરીલી હોય, બસૂરી ન હોય. અમે મનુષ્યો અટવાયા કરીએ છીએ. અથડાયા કરીએ છીએ શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના અંધકારમાં. અમને આ અંધકારમાંથી પ્રકાશ તરફ વાળવાની જવાબદારી કોની ? બધું તારે માથે નાખીને છૂટી કે છટકી જવું નથી. આ અમારી મથામણ, અથડામણમાં અમે ગતિ કરી રહ્યા છીએ એ પણ એક સત્ય છે. તું અમને ક્યાંક પહોંચાડ. ગતિ અમારી, તું અમને દિશાસૂચન કર. અમને ખબર છે કે અમે અપૂર્ણ છીએ-અમને અમારી અપૂર્ણતામાંથી પૂર્ણતાની ગતિ તરફ લઈ જા. હે ઈશ્વર ! અત્યારે તો આપણી વચ્ચે છે અજાણી આત્મીયતા. તું અમને અમારી ઓળખ આપ, એ જ રીતે તારી પણ ઓળખ આપ.

( સુરેશ દલાલ )