પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા

.

પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,

માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !

 .

તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,

આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.

 .

બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;

ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.

 .

બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:

નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.

 .

મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,

તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.

 .

આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !

છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.

 .

ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,

લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.

 .

તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ

એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.

 .

( ભગવતીકુમાર શર્મા )

ભળવું હતું – માધવ રામાનુજ

.

શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું

એક તમારા ધબકારને મળવું હતું…

 .

મૂંગી મૂંગી કેટલી રાતો

પાંપણમાં ટમટમતી રહી,

આંખથી ઓલ્યા ભવની ઓળખ

ટીપે ટીપે ઝમતી રહી;

આજની એક જ પળનું જીવન રળવું હતું !

શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું…

 .

રણની તરસ ક્ષણમાં ભળી

ઝાંઝવા જેવું વીંધતે રહી,

એક બે ટૂંકી યાદની ટેકણલાકડી કેડી ચીંધતી રહી:

વાટ અમારી અટકે ત્યાંથી વળવું હતું!

એક તમારા ધબકારને મળવું હતું !

 .

શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું !

એક તમારા ધબકારને મળવું હતું…

 .

( માધવ રામાનુજ )

પક્ષી ઉદાસ છે – જગતાર જીત

.

પક્ષી ઉદાસ છે

એની નાની

એને કહ્યા કરતી હતી,

“અહીંથી એક છલાંગ દૂર

વૃક્ષ છે

ડાળીઓથી જોડાયેલી ડાળીઓ છે

આપણે પેઢીઓથી

અહીંની જમીનને હાથના પંજાથી ઉથલાવી-પુથલાવીને

શોધતાં રહ્યાં અન્ન

વૃક્ષ પણ આપતાં રહ્યાં

છાંયો, અન્ન અને આશરો

આપણે મળીને ખૂબ તોફાન મસ્તી કરતાં

ગીત ગાતાં

જ્યાં જગા મળે ત્યાં બેસી જતાં

એ જ જગાને પોતાની બનાવી લેતા”

 .

પક્ષી ઉદાસ છે

 .

વીજળીના તાર પર બેઠેલું

નાનીની વાતો

એના માથામાં

ફિરકીની જેમ ઘૂમે છે

એની આંખ સામે

લોખંડ-ઈંટોના જંગલ નીચે

દબાઈ ગયેલા ધરતીના કણ

પક્ષી પોતાનાં બચ્ચાંને પોતાની સાથે

ખોવાયેલી ધરતીનું

ગીત ગાવાનું કહે છે

બચ્ચાં ચૂપ છે

પક્ષી ઉદાસ છે.

 .

( જગતાર જીત, અનુ. સુશી દલાલ )

 .

મૂળ રચના : પંજાબી

ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’

.

નહિ કાંઈ ચાલે ચલણને કહી દો,

ગમે તેવા જક્કી વલણને કહી દો.

 .

બહુ તેજ રફતાર છે જિંદગીની,

હવે પગ ઉપાડે ચરણને કહી દો.

 .

કવિતા ગમે ત્યારે પ્રગટી શકે છે,

ગુલાબી આ વાતાવરણને કહી દો.

 .

બહુ પારદર્શક છે દ્રષ્ટિ અમારી,

ભરખી જશે આવરણને કહી દો.

 .

વધી છે બહુ ભીડ વૃદ્ધાશ્રમોની,

ચિંતા કરે નહિ શ્રવણને કહી દો.

 .

તને ભૂલવાની કોશિશ કરું છું,

ટોળે વળે નહિ સ્મરણને કહી દો.

.

‘હમદમ’ એક મિસ કોલ મારીને આવે,

ઉતાવળ નથી કંઈ મરણને કહી દો.

 .

( તુરાબ ‘હમદમ’)

સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા

.

એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે,

છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે.

 .

કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે;

દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે.

 .

જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો;

એ માછલીનું મન તો જળને અતિક્રમે.

 .

જોકે સપાટી પર તું રમે છે રમત બધી;

પાસું તું ફેંકજે કે જે તળને અતિક્રમે.

 .

આ એ જ છે અશરફ જે કસબમાં ભળી ગયો;

નિષ્ફળ ગયો ને તોય સફળને અતિક્રમે.

.

( અશરફ ડબાવાલા )

વાજિંત્ર છે – એસ. એસ. રાહી

.

વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે,

આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે.

 .

શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે,

વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે.

 .

એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ,

તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે.

 .

પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી,

મારી ગઝલ એ પાંચ વખતની નમાજ છે.

 .

મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો,

તું પણ ખુદાની જેમ શું બંદાનવાજ છે.

 .

(એસ. એસ. રાહી )

ઝળહળ થઈએ – તુરાબ ‘હમદમ’

.

ઝાંખુ ઝાંખુ ઝળહળ થઈએ,

સાચી ખોટી અટકળ થઈએ.

.

ચોરી ચૂપકીથી પણ વાંચે,

કોઈ સુગંધી કાગળ થઈએ.

 .

સ્પર્શ કોઈનો દસ્તક દેશે,

દરવાજો યા સાંકળ થઈએ.

 .

મોતી સમજી દોડશે કોઈ,

ફૂલની ઉપર ઝાકળ થઈએ.

 .

છેક સમીપે પહોંચી શકીએ,

એમની આંખનું કાજળ થઈએ.

 .

યાદ કવિતા આવશે કોઈ,

શબ્દોરૂપે અંજળ થઈએ.

 .

અડધા અડધા થાય છે ‘હમદમ’,

બે જ ઘડી જો વિહવળ થઈએ.

 .

( તુરાબ ‘હમદમ’ )

એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ

.

કાન્તના પ્રેમની વિભાવના

કલાપીનો પ્રણય-ત્રિકોણ

રોમિયો અને જુલિયેટ

કે ઑથેલો અને ડેસ્ડેમોના

-આ બધાંના પ્રેમની

નિષ્ફળતાની વાત

જેમને કરવી હોય તે કર્યા કરે

પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં

એને કારણે નથી ઊડતાં

એવું ઓછું બને છે ?

 .

દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી

કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય

પણ આવું બધું સાંભળી

કોઈ પ્રેમ કરવાનું માંડી વાળતું નથી.

 .

છરી અને ઘાને

કાયમનો સંબંધ છે

એટલા માટે

કોઈએ મારે શરીર નથી જોઈતું

એવું કહ્યું નથી.

અને શરીરમાં તો હોય છે

ધબકતું હૃદય-

આ હૃદય

માત્ર આપણે માટે નહીં

બીજા કોઈને માટે ધબકતું હોય છે.

પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી

અને પ્રેમની બેચેનીની

તો કોઈ જુદી જ વાત છે.

 .

( સુરેશ દલાલ )

તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

.

સમી સાંજે, ઝૂકી આંખે, બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે,

સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે.

 .

અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે, ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,

મળીને જાતને સામે, જરા અમથું હસી લઈને, ખુદીને છેતરી જાવું… તને મોડેથી સમજાશે

 .

ઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,

પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે.

 .

લઈ તિરાડ ચહેરા પર, ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને,

સફેદી થઈ, અરીસે જઈ, ધરીને મૌન હોઠો પર, નજરથી કરગરી જાવું… તને મોડેથી સમજાશે.

 .

( જિગર જોષી ‘પ્રેમ’ )