હોમ બોલશે – સુધીર પટેલ

જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે,

તારા-ગગનની સાથ, સૂરજ-સોમ બોલશે !

 .

ચૂપકી તમે સાધી ભલે, પણ વાત નહિ બને;

છે જેટલાં તન પર, બધાં એ રોમ બોલશે !

 .

કરશે અવળચંડાઈ શબ્દો જે ઘડી હવે,

લૈ હાથ બાજી, નાદ ઊઠશે, ઓમ બોલશે !

 .

ઊઘડી રહી છે આ ગઝલ પણ જો ધીરે ધીરે,

વાતાવરણ ખીલશે, સ્તવન ને સ્તોમ બોલશે !

.

તું રાખજે તૈયાર તારી જાતને ‘સુધીર’,

તો થૈ જવાશે હવ્ય જ્યાં એ હોમ બોલશે !

 .

( સુધીર પટેલ )

હિમાલયના શૃંગો – કિશોરસિંહ સોલંકી

.

હિમાલયના શૃંગો

બરફાચ્છાદિત, એકની પાછળ એક,

અડખે પડખે, અનંત, દુર્ગમ

ઊંચા, સીધાં અને ચડવામાં અતિ દુષ્કર

એમની સામે જોઈને પામર બની જવાય છે.

 .

જેમ જેમ એમની પાસે જતા જઈએ છીએ

એનું ચઢાણ ઊંચે ને ઊંચે જતું જાય છે

ચઢાણ સીધું નથી અને શિખરો દૂર પણ નથી

ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે, પણ એવા હોતા નથી.

 .

એવું જ આપણાં સપનાંઓનું હોય છે

જોવામાં સુંવાળાં અને મખમલી લાગે

જેથી લોકો એમાં રાચે-નાચે અને નશામાં રહે.

 .

આપણી ધારણા કરતાં યાત્રા ઘણી અઘરી હોય છે

અગાઉ લાગતી સરળ,એવી તો એ હોતી જ નથી.

કોઈપણ ચઢાણ ઘણું કપરું હોય છે

પણ જેમ જેમ ચડતા જઈએ, રસ્તો આપોઆપ કપાતો જાય છે.

 .

( કિશોરસિંહ સોલંકી )

જુઓ ટકોરા મારી – લાલજી કાનપરિયા

જળની ઉપર તરતો રે એક પરપોટો

જુઓ ટકોરા મારી સાચો છે કે ખોટો ?

 .

ખેલ બધો છે આકારોનો, વસ્તુ એક જ હોય

કૈંક ભોમિયા ભૂલા પડ્યા છે, પાર ઊતરે કોઈ !

અસલ ચીજ છોડીને ભજવો શાને ફોટો ?

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

એક ક્ષણમાં વામન લાગે, બીજી ક્ષણ વિરાટ

કોઈ કહે છે નિરાકાર ને કોઈ કહે છે ઘાટ !

તરસ છીપશે કેમ, છે મૃગજળ પાછળ દોટો !

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

( લાલજી કાનપરિયા )

ચાલને જઈએ દૂર – પન્ના નાયક

અહીંનું બધું પડતું મૂકી ચાલને જઈએ દૂર.

અહીંની કોઈ માયા નહીં,

અહીંની કોઈ છાયા નહીં,

અહીં ગાયેલાં ગીત બધા જઈએ ભૂલી સૂર.

 .

કોઈ અજાણ્યા ઝાડની ઉપર

બાંધીએ જઈને માળો,

હોય શિયાળો કાતિલ છોને

કારમો હોય ઉનાળો,

મોસમની વાત આઘી કરી અળગી કરી નીકળી જઈએ,

ઊમટી આવ્યાં આપણને ક્યાંક ખેંચી જતાં કોઈ નદીનાં પૂર.

 .

એક નિરાળી દ્રષ્ટિ હશે,

એક નિરાળી સૃષ્ટિ હશે,

આપણે તો બસ આપણા મહીં

રમતાં જશું ભમતાં જશું,

આભથી થતી વૃષ્ટિ હશે,

કોઈ ઋણાનુંબંધ હશે ને આપણો એ સંબંધ હશે,

ને પ્રેમને નામે આપણે કદી થઈશું નહીં ક્રૂર.

 .

( પન્ના નાયક )

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે

આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

.

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે

આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

 .

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા

એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

 .

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો

આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

 .

એક પળ ઊભા રહે, ના એમ પણ ઈચ્છો તમે

આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

 .

( મુકેશ જોષી )

ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની

 ઉઘાડે પગે ન અમસ્તો ચમન તરફ દોડ્યો,

ઈજન વસંતે દીધું તો સુમન તરફ દોડ્યો !

 .

બધા મુકામ નકામા થયા જો સાબિત તો,

વિહંગ-પાંખ સજી હું ગગન તરફ દોડ્યો !

 .

પ્રગટતી આગ હતી દિલ મહીં કરુણાની,

ભડકતી રાખવા જ્વાળા પવન તરફ દોડ્યો !

 .

કે મ્યાન કેમ ન તલવાર દુશ્મનોની હો ?

કલમ કરે ગ્રહીને હું કવન તરફ દોડ્યો !

 .

જવાની ગઈ… ને ઠરી-ઠામ ના થવાયું તો,

ખભે ઉપાડી હું ઘડપણ વતન તરફ દોડ્યો !

 .

કફન-દફન તણી ચિંતા નથી ‘સિકંદર’ને,

કે દેહ-દાન કરીને જીવન તરફ દોડ્યો !

 .

( સિકંદર મુલતાની )

રસ્તો કરી આપે – નીરવ વ્યાસ

દરિયો, પહાડો ભલભલા રસ્તો કરી આપે,

મારી પુકારોને હવા રસ્તો કરી આપે.

 .

ઘરમાં કરીને કેદ નીકળ્યા છો તો જાણી લો;

અમને તે ઘરના આયના રસ્તો કરી આપે.

 .

અટકી પડી છે સાવ અધવચ્ચે ગઝલ મારી;

શબ્દોને કહો, આવી જરા રસ્તો કરી આપે.

 .

ઠોકર પછી પણ માર્ગના સૌંદર્યને નીરખે;

એવા જ પગલાને ખુદા રસ્તો કરી આપે.

 .

તું તો ગણતરીમાં શિખર પર જઈ ચઢે ‘નીરવ’;

ક્યાંથી તને મિત્રો બધા રસ્તો કરી આપે ?

 .

( નીરવ વ્યાસ )

એકાંતના કિનારે – મીરા આસીફ

વેરાન મારા ઘરના આંગણની વાત કર મા !

તૂટેલ-દ્વાર કેરા તોરણની વાત કર મા !

 .

થંભી જશે કદાચિત દુ:ખતા હૃદયની ધડકન,

દે તું દવા, દરદના કારણની વાત કર મા !

 .

એકાંતના કિનારે બેસી નિહાળ દુનિયા,

દીવાના લોકો પાસે સમજણની વાત કર મા !

 .

આ જિન્દગી કરી દઉં બસ ઓળઘોળ તુ જ પે,

તું ફૂલ કે ભ્રમરના સગપણની વાત કર મા !

 .

સીવી લે હોઠ તારા મોસમ ભલેને છલકે,

પિંજરમાં કેદ થઈને ફાગણની વાત કર મા !

 .

સોમલને તું ગઝલમાં ઘૂંટીને પી જા મીરા!

તારી તરસના ધારાધોરણની વાત કર મા !

 .

( મીરા આસીફ )

મન થયું – આહમદ મકરાણી

ખુદ જાતને સુધારવાનું મન થયું;

શેતાનને પડકારવાનું મન થયું.

 .

કોઈ છબી રળિયામણી એવી હતી,

એ દિલ મહીં ઉતારવાનું મન થયું.

 .

લો, રણ વટાવ્યું ને સરોવર સાંપડ્યું;

‘છે’- સાંઢણી ઝોકારવાનું મન થયું.

 .

આ કાગડો બોલ્યા કરે ઘરઆંગણે,

આ આંગણું શણગારવાનું મન થયું.

 .

કે મૌનને ઘેરી વળી છે શૂન્યતા;

કો’ શબ્દને પોકારવાનું મન થયું.

 .

( આહમદ મકરાણી )

મુશ્કેલ છે – આબિદ ભટ્ટ

આયના પર ચાલવું મુશ્કેલ છે,

બિંબને પડકારવું મુશ્કેલ છે !

 .

સાવ કોરું છે સરોવર આંખનું,

એ જ તો છલકાવવું મુશ્કેલ છે.

 .

એક વર્તુળમાં તમે જીવી શકો,

વૃક્ષની સમ ફાલવું મુશ્કેલ છે.

 .

વાટ પકડે છે તમસ, પડતાં નજર,

તેજથી ટકરાવવું મુશ્કેલ છે.

 .

નામ એનું ભીંત પર ને ખેસ પર,

કાળજે કંડારવું મુશ્કેલ છે.

 .

સદ પ્રસાદી, શબ્દ તો ચાવી ગયા,

સાંભળ્યું, ગણકારવું મુશ્કેલ છે !

 .

( આબિદ ભટ્ટ )