પડછાયા ને પડઘા વચ્ચે ઊભા છીએ
સમીસાંજના તડકા વચ્ચે ઊભા છીએ
.
શેષ બચેલા ધબકારાનો પીછો પકડી
રાતદિવસની ઘટના વચ્ચે ઊભા છીએ
.
જળથી ઝીણા તળથી ઊંડા તરંગ લઈને
નદી તીરના નકશા વચ્ચે ઊભા છીએ
.
થાક ભલેને ફૂલેફાલે પગના તળિયે
રસ્તો છોડી પગલાં વચ્ચે ઊભા છીએ
.
કોઈ પગેરું કદાચ મળશે કાલ સવારે
આજે સોલિડ અફવા વચ્ચે ઊભા છીએ
.
( સોલિડ મહેતા )