જઈશ – પ્રદીપ ‘સુમિરન’

મન મળે એવા રિવાજોમાં જઈશ,

ફૂલ જેવો થઈ, પહાડોમાં જઈશ !

.

સ્થાન મારું જો નથી બીજે કશે-,

લાભ-શુભ થઈને કમાડોમાં જઈશ !

.

રંગ પુષ્પોનાં હશે ફીકાં અગર,

બેધડક, રંગીન પાપોમાં જઈશ !

.

દર્પણોની ભીડ જામી છે અહીં,

બિંબ ભૂંસી હું ખયાલોમાં જઈશ !

.

એ ચહેરો દૂર છે, બહુ દૂર છે;

એમના મઘમઘ વિચારોમાં જઈશ !

.

 ( પ્રદીપ ‘સુમિરન’ )

લઘુકાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

રણ ફેલાતું ફેલાતું

ફળિયા સુધી આવી ગયું

ને તું

હજી તુલસી ક્યારો

સીંચે છે ?!

.

(૨)

ચરોતર,

હું તારી છાતી પર

ઊગેલો

તમાકુનો કોઈ છોડ તો નથીને ?!

.

(૩)

આમ તો

ખુલ્લા હશે

ને આમ મીંચાઈ જશે,

ચક્ષુ એનાં એ હશે

ને સ્વપ્ન બદલાઈ જશે !

.

(૪)

આભ ઊંચી

જૂની મહલ હવેલીમાં

અમાસ અને પૂનમ

સાથે જ

રહે છે !

.

(૫)

અમાસની ઉદર-ત્વચાનો

ભીનોભીનો ઝળહળાટ

મેં આકંઠ પીધો છે !

.

(૬)

પૂનમ અને અમાસ

ક્યારેક સાથે

ફરવા નીકળે છે ને

રસ્તો

શ્વેત-શ્યામ વસ્ત્રો

પહેરી લે છે !

.

(૭)

ફુલ્લ સ્પિડથી

મોટરસાયકલ

ચલાવી રહ્યો છે અંધકાર

અને એની પાછળ બેસીને

પૂનમ ફરવા નીકળીછે !

.

(૮)

વતનના ગામમાં

વેચી નાખેલું મારું મકાન

એક રાત્રે

સ્વપ્નમાં આવ્યું.

મેં પૂછ્યું ‘કેમ છે ?’

તો કહે : ‘એ તો ખબર નથી,

પણ આપણી પાછળનું

પેલું માથાભારે ખંડેર

હવે મહેલ થઈ ગયું છે !’

.

( કરસનદાસ લુહાર )

વરસાવ તું – સોલિડ મહેતા

આવ, પાછી આવ તું,

દ્રષ્ટિને બદલાવ તું.

.

સાવ અમથી વાતમાં,

ના હવે કર રાવ તું.

.

થાય પૂરી તો રમત,

દે ફરીથી દાવ તું.

.

પાંપણે અટવાય શું ?

સાનમાં સમજાવ તું.

.

મેહ જેવા નેહને,

પૂર્વવત વરસાવ તું.

.

કૈંક સોલિડ પામવા,

જીવને ભરમાવ તું.

.

( સોલિડ મહેતા )

ઠોકર દીધી – રાજ લખતરવી

ખૂબ કસોટી રસ્તે કીધી,

ડગલે-ડગલે ઠોકર દીધી.

.

હોઠો આડું-અવળું બોલે,

વાત કરે છે આંખો સીધી.

.

છાના-માના સજદા કીધા,

ખુલ્લંખુલ્લા મદિરા પીધી.

.

મંઝિલ જાતે શોધી લેશું,

સાચો રસ્તો તું દે ચીંધી !

.

‘રાજ’ હૃદય છે બાળક જેવું,

ક્યાંથી મૂકે એ હઠ લીધી !

.

( રાજ લખતરવી )

તો શું થશે ? – આહમદ મકારણી

સભામાં ચૂપ સૌ હેરાન સૌ કો’ આંગળી ઊંચી થશે તો શું થશે ?

મૂંઝવણ સહદેવ જેવી થૈ જતી લાગે મને પૂછી જશે તો શું થશે ?

.

અશ્રુધારા આજ પણ વ્હેતી રહી છે એ સનમની યાદામં ને યાદમાં !

એ સનમ આવી અહીં મારાં અશ્રુ ખુદ જો લૂછી જશે તો શું થશે ?

.

હું ગઝલ ગાતો રહ્યો આંખો મીંચીને મોજમાં ને મોજમાં મહેફિલ મહીં,

ને અચાનક સર્વ શ્રોતા અધવચ્ચે મહેફિલને છોડી જશે તો શું થશે ?

.

જીવરૂપી એક કેદી બંધ છે આ જિંદગીની જેલમાં વર્ષો થયાં,

ને અચાનક મોત આવી જેલ તોડીજીવ લૈ ભાગી જશે તો શું થશે ?

.

બુદ્ધની માફક અચાનક ‘ગૃહ છોડું, ગૃહ છોડું’નું રટણ કરતો રહું,

ને ખરે ટાણે જ વિચારો વચાળે ગૃહિણી જાગી જશે તો શું થશે ?

.

( આહમદ મકારણી )

ફૂલની સાથે – દિનેશ ડોંગરે

ફૂલની સાથે બગાવત રાખે છે,

ખૂશ્બૂ પણ કેવી અદાવત રાખે છે !

.

પાણીમાં પણ ઘર બનાવી જાણે છે,

આ હવા, કેવી કરામત રાખે છે !

.

છોડીને સંસારનો વૈભવ,

શબ્દ ગઝલોને તથાગત રાખે છે.

.

આંખ ખૂલતાં વેંત ખરી પડતા તરત,

એમના શમણાં નજાકત રાખે છે.

.

માનવીને યદ મર્યાદા રહે,

હા, ખુદા તેથી કયામત રાખે છે.

.

જાળવીને હાથ ઓળખ પોતીકી,

આંગળા વચ્ચે તફાવત રાખે છે.

.

એ ભલે નારાજ હો ‘નાદાન’ પણ-

થોડી અંગતમાં ઈનાયત રાખે છે.

.

( દિનેશ ડોંગરે )

દડા પાછળ – હરકિસન જોષી

વિક્ષિપ્ત કેવું મન છે, દોડે છે દડા પાછળ,

બેહોશ સાવ તન છે, દોડે છે દડા પાછળ.

.

છે ખુદ અનંતચેતન પણ સ્વાદજડનો લેવા,

તારાઓ રત ગગન છે, દોડે છે દડા પાછળ.

.

નિંદરના પટ ઉપરનું પોતે તો ઝાંઝવું છે,

અણસમજુ આ સપન છે, દોડે છે દડા પાછળ.

.

પર્ણો ફરકતા છોડી પુષ્પોની મ્હેક ત્યાગી,

રણ ઘેલો શું પવન છે, દોડે છે દડા પાછળ.

.

જાણે છે બોલ હમણા હદને વળોટી જાશે,

ખેલાડી કેવો જન છે, દોડે છે દડા પાછળ.

.

અજ્ઞાત એ પરમના મહિમાનું ગાન છોડી,

કવિઓનાં શું કવન છે, દોડે છે દડા પાછળ.

.

( હરકિસન જોષી )

ડૂસકું – પ્રીતમ લખલાણી

એક મલપતી સાંજે

ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે

મારી દીકરીને

કેનવાસ પર

ફક્ત છત અને ભીંતોવાળું

એક ઘર ચિતરતી જોઈને

મેં કહ્યું, બેટા,

‘તારા આ ઘરમાં બારી ક્યાં છે ?’

અને તેણે હસતા હસતા હાથની પીંછીને

તે જ ઘડીએ એક બાજુ હડસેલી દીધી.

અને પછી મારો હાથ જાલી

મને ફળિયામાં ખેંચી લાવે, બોલી,

‘ડેડી,

તમને અહીં ક્યાંય

વૃક્ષ, પંખી કે પછી આકાશ

નજરે ચઢે છે ખરું ?’

મેં ડોકું ધુણાવીને ‘ના’ નો સંકેત કર્યો !

એટલે તે ફરીથી બોલી,

‘ડેડી,

મહેરબાની કરીને

હવે ક્યારેય

મને પૂછશો નહીં

કે મેં ચિત્તરમાં

બારી કેમ નથી મૂકી ?

નહીંતર

બિચારી આ ભીંતો

ડૂસકે ચઢી જશે !’

.

( પ્રીતમ લખલાણી )

ભેદ અકળ – ઉર્વીશ વસાવડા

કળથી ના પકડાશે કાળ,

જળ ક્યાં છે કે નાંખે જાળ ?

.

વ્હેણ સમયનું વહે સતત,

પળને ક્યાંથી બાંધે પાળ.

.

એ જ મંત્ર છે સ્થિરતાનો,

જે ચલ છે તું એને ચાળ.

.

આપોઆપ ગતિ મળશે,

ઢળવું પડશે જ્યાં છે ઢાળ.

.

માટીના છે ભેદ અકળ,

ભળ એમાં તો મળશે ભાળ.

.

( ઉર્વીશ વસાવડા )

બોલે – ઉર્વીશ વસાવડા

જે તારા ઘટઘટમાં બોલે,

એ ક્યાંથી પરગટમાં બોલે ?

.

સાંકળ છે જ્યાં મૂંગી બહેરી,

આંગળીઓ ફોગટમાં બોલે.

.

હોય પ્રતિક્ષા જેની સહુને,

એ કાયમ છેવટમાં બોલે.

.

એ જ મિત્ર છે તારો સાચો,

જે તારા સંકટમાં બોલે.

.

મૌન ધરે જે દર્પણ સામે,

એ ચહેરો ઘુંઘટમાં બોલે.

.

( ઉર્વીશ વસાવડા )