ગજું આપણું નથી – ગોવિંદ ગઢવી

ઈશ્વરને પામવાનું ગજું, આપણું નથી

આકાશ આંબવાનું ગજું, આપણું નથી

.

બહુબહુ તો આપણે અહીં ચાદર સંકેલીએ

જીવતર સંકેલવાનું ગજું, આપણું નથી

.

એને પરાણે આપણે સ્વીકારવું પડે

મૃત્યુને ભેટવાનું ગજું, આપણું નથી

.

એકાદ મોતી પામી શક્યો એની આંખથી

સાગર ઉલેચવાનું ગજું, આપણું નથી

.

આપ્યો છે એણે દાખલો અઘરો ને અટપટો

એને ઉકેલવાનું ગજું, આપણું નથી

.

બે-ચાર કોડિયામાં દીવા થઈ શકે તો બસ

સૂરજ ઉગાડવાનું ગજું, આપણું નથી

.

અગમ નિગમની વાત તો બાજુ ઉપર રહી

ખુદનેય સમજવાનું ગજું, આપણું નથી

.

( ગોવિંદ ગઢવી )

ભાગો અહીંથી – ભાવેશ ભટ્ટ

રાખી છે એણે વ્યવસ્થાઓ ગજબ, ભાગો અહીંથી !

ચોતરફ બાંધી છે લોહીની પરબ, ભાગો અહીંથી !

.

આપણાં જીવન છે ખેંચાઈ ગયેલી સ્પ્રિંગ જેવાં,

ના રહી હોવાપણાની કોઈ ઢબ, ભાગો અહીંથી !

.

જાણ ક્યાં છે કોઈને કે ઓડકાર એચીજ શું છે ?

બસ કરે લાખો, કરોડો કે અરબ, ભાગો અહીંથી !

.

આ બળતરા ગોઠવી શકતો નથી જો છંદમાં હું !

આવડે આપણને ના એવો કસબ, ભાગો અહીંથી !

.

‘કેમ છો’ એવું પૂછે છે અર્થ એનો શું સમજવો ?

સૌ કરે બેઈજ્જતી પણ બા-અદબ, ભાગો અહીંથી !

.

( ભાવેશ ભટ્ટ )

રસ્તાઓ… – દક્ષા વ્યાસ

Road

.

રસ્તા રસ્તા છે

રસ્તાઓ ચાલતા નથી, ચલાવે છે.

રસ્તાઓ દોડતા નથી, દોડાવે છે.

પાછે પગલે ઊડતા પહાડો

ને દોડતાં ઝાડો

ઘરઘરનાં ઝંખવાતાં દ્વારો

ને ડૂબતી તારની વાડો

દેખાડ્યાં કરે છે નિરંતર.

રાજાપાઠમાં

ચત્તાપાટ પડેલા

રસ્તાઓ

ધસમસતી મોટરો બાઈકો બસો ટ્રકોના

ઉઝરડાને ગણકાર્યા વગર

તાક્યા કરે છે ટગર ટગર

ટટાર છાતીએ

માથે ઝ્ળૂંબેલા

અનંત અંતરીક્ષને

હું અન્યમનસ્ક,

ચક્રની ગતિ સાથે ગતિ કરતિં મન

સોરાયા કરે અવિરત

લંબાતા જતા કાળા લિસોટાથી

વીંધાયા કરે ફોકટ.

 .

( દક્ષા વ્યાસ )

બદ્ધ ને બુદ્ધ – ધીરેન્દ્ર મહેતા

હું જ બદ્ધ ને હું જ બુદ્ધ !

કર બાંધીને કરું બંદગી તોય બહાર આ બંદા,

ઓળંગી જઉં અવાજ ગેબી, બજ્યા કરે પડછંદા !

ખળખળ વહેતો અંદર અંદર

લાગું હું અવરુદ્ધ !

 .

પુષ્પ મહીં પુરાઉં હવામાં મુક્ત મહેકના ખેલા,

બિના સોચકે બતલા ઈનમેં સંગી કૌન, અકેલા ?

રણભૂમિમાં ખડો થયો છું:

કોની સામે જુદ્ધ ?

 .

( ધીરેન્દ્ર મહેતા )

પ્રણયના અંતિમ અધ્યાયનું અંતિમ ગીત – જગદીપ ઉપાધ્યાય

આવ્યાં આવ્યાં રે અસવાર

એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર…

 .

હરખે કેમ હસું રે વિઠ્ઠલા ! હોઠો પર ક્યાં ફૂલ ?

ખોયા આંખોનાં ઝળઝળિયાં મોતીશાં અમૂલ,

ચોખા બદલે વલવલતા લઈ શ્વાસ કરું સત્કાર…

 .

કાયા થઈ ખંડેર; રહી છે આશ ભરેલી આંખ,

ઊતરડાયાં પંખી કમખે પણ ઊડે છે પાંખ,

રાહ નીરખતાં સાજન ! વીત્યા દિવસ ચારેચાર…

.

ફૂલ હીંડોળા મેં ક્યાં માગ્યા ને ક્યાં અંબર મેડી,

સાજન ! આવ્યો એ જ ઘણું છે લે પળ બાથમાં તેડી,

સરગાપરને મારગ જાતાં સૂઈ લઉં થોડી વાર…

.

એક વહે ધરતીથી નભ લગ પ્રીત તણું સંગીત,

ઝાડે, ઝરણે ને સંભળાતાં ઠૂંઠામાં પણ ગીત,

ભીતરની સૌ ભ્રમણા ભાંગી સંધાયો છે તાર…

.

( જગદીપ ઉપાધ્યાય )

ૐ સ્વાહા – જગદીપ ઉપાધ્યાય

છાતીની વેદીમાં કરવાને બેઠા પીડાઓનો હોમ; ૐ સ્વાહા

તરવરતી જોવનાઈ, ઊછળતા શ્વાસો ને થનગનતાં રોમ; ૐ સ્વાહા

.

ઘરબાર બાળીને કીધાં કંઈ ખાખ અને ચોળી છે ભસ્મ એ લલાટે,

જીવતાં જ માંડ્યાં જગતિયાંઓ, પુણ્યદાન કરીએ દીવાનગીને ઘાટે,

સ્વાહા ૐ દુનિયાના ડહાપણ ને ઊંચા રિવાજોનું વ્યોમ; ૐ સ્વાહા

.

વેઠીએ ચાલ દંખ; ફૂલોનો લીધો છે પથ તો શું ઉઝરડા ગણવા ?

આતમને મારીને લાખ મળે સુંવાળાં એવાં શું સુખોને કરવાં ?

આપો હે પ્રેમદેવ ! દર્દો, ને દર્દો સહેવાનું જોમ; ૐ સ્વાહા

.

( જગદીપ ઉપાધ્યાય )

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો

સાદ કરો ના અમને…

.

તમે પવનનું રૂપ બાવરું

પળમાં આવી ઘેરો,

અમે ન લાવ્યાં પાંખ અમોને

ફોગટ લાગે ફેરો,

ઊડવાની રઢ જાગે એવો

સાદ કરો ના અમને…

.

જળના છાંટે જલી જવાનું

પથ્થરને ક્યાં સ્હેલ ?

રણ વચ્ચે અટવાતાં પાને

અમથી સઘળી રેલ,

જાશું કરવત-કાશી હરપળ એવો

સાદ કરો ના અમને…

.

( ઉષા ઉપાધ્યાય )

તૈયાર છું – દિનેશ કાનાણી

ભાર વધતો જાય તારા ભારથી

એટલું રમતો નહીં સંસારથી !

.

એ હદે કિસ્મત સતાવે છે મને

આગ લગે છે હવે ઝબકારથી.

.

એક સાથે તાલીઓ પડતી રહી,

ફૂલ દોર્યું એમણે તલવારથી.

.

કેટલા દુ:ખ દૂર ચાલ્યા જાય છે,

જોગ ને સંજોગના સ્વીકારથી.

.

તું કહે ત્યાં આવવા તૈયાર છું,

તું મને બોલાવજે પડકરથી !

.

.( દિનેશ કાનાણી )

સિવાય શું છે ? – ભગવતીકુમાર શર્મા

હોવું-ન હોવું મારું પિંજર સિવાય શું છે ?

પંખીને પીંછે પીંછે કળતર સિવાય શું છે ?

.

માનો તો આ હયતી ઈશ્વર સિવાય શું છે ?

મનો નહીં તો કેવળ સિવાય શું છે ?

.

મોતીની સાથે એને સરખાવી પણ શકો છો,

ને આમ અશ્રુબિન્દુ ઝરમર સિવાય શું છે ?

.

સૂરજની સાથે ઊગે, સૂરજની સાથે ડૂબે !

પડછાયાની આ દુનિયા હરફર સિવાય શું છે ?

.

ફૂલોનું આ મહેકવું બે-ચાર પળની ઘટના;

એની સુગંધ આખર અત્તર સિવાય શું છે ?

.

ખંખેરતા રહો જો ઊજળી એ ચાંદનીશી;

આ જિન્દગી કબીરી ચાદર સિવાય શું છે ?

.

એ વાત છે જુદી કે રસ્તો કપાતો રહે છે:

બાકી સફર આ આખી ઠોકર સિવાય શું છે ?

.

( ભગવતીકુમાર શર્મા )

ખતરનાક છે – ભાવેશ ભટ્ટ

હોય કાયમની રાહત, ખતરનાક છે !

આ તમારી મુસીબત ખતરનાક છે !

.

ગાલ બીજો ધરે વાત પતતી નથી,

એક તરફી શરાફત ખતરનાક છે !

.

આમ ઈશ્વરમાં કંઈ ખાસ વાંધો નથી,

ફક્ત બેચાર બાબત ખતરનાક છે !

.

પ્રેમથી આ તિરાડોનો સ્વીકર કર,

દર્પણોની મરમ્મત ખતરનાક છે !

.

ક્યાંકની ચિઠ્ઠિ દે ક્યાંક, હાથે કરી !

એ કબૂતર તો સખ્ખત ખતરનાક છે !

.

( ભાવેશ ભટ્ટ )