કઈ રીતે કરું – ખલીલ ધનતેજવી

એને આવડતું નથી કે દાદ કઈ રીતે કરું,

તો પછી શબ્દોને હું બરબાદ કઈ રીતે કરું !

 .

દિલ હંમેશાથી મગજ સાથે મગજમારી કરે;

બંને ખુદ મારાં  છે હું ફરિયાદ કઈ રીતે કરું !

 .

એનું કહેવું છે કે એને હું યાદ હું કરતો નથી,

પણ કદી ભૂલ્યો નથી તો યાદ કઈ રીતે કરું !

.

શત્રુઓ સામેય મારું મૌન મેં તોડ્યું નથી,

મિત્ર વાંકો થાય તો સંવાદ કઈ રીતે કરું !

 .

આપમેળે ધખધખે છે મારા ઘરનાં થાંભલા,

પણ હવે દીકરાને હું પ્રહલાદ કઈ રીતે કરું !

 .

રૂબરૂ આવે તો તડ ને ફડ કહી નાખું બધું,

પણ હવે સ્વપ્નામાં તો વિખવાદ કઈ રીતે કરું !

 .

તેં મને તો હસતાંરમતાં મનમાંથી કાઢી મૂક્યો,

હું તને મારામાંથી આઝાદ કઈ રીતે કરું !

 .

જો ‘ખલીલ’ એકેય ચ્હેરા પર નજર ઠરતી નથી,

આ ઉદાસ આંખોને હું આબાદ કઈ રીતે કરું ?

 .

( ખલીલ ધનતેજવી )

મીણબત્તી હોય તો – દીપક ત્રિવેદી

મીણબત્તી હોય તો સળગાવીએ;

આ ક્ષણોને કેમ કરતા બાળીએ ?

 .

લો અમારી  આંખ તો મીંચાઈ ગઈ–

પણ બધા સપનાઓને ક્યાં ઢાળીએ?

 .

તું પ્રગટતો હોય તો આ છાતીએ

છુંદણાઓનું નગર ત્રોફાવીએ !!

.

છેક અંદર છે બધાયે  ઉત્તરો–

ખુદને તો શું કહો સમજાવીએ ?

 .

વીજળી જેવું ચમકશે આભમાં –

દીપ સાથે કાંય પણ અથડાવીએ !!

 .

( દીપક ત્રિવેદી )

ફંટાતા રસ્તાઓ – દિલીપ જોશી

તમે તમારા રસ્તે વાલમ અમે અમારા રસ્તે જઈશું

ક્યાંક અગર જો થાશું ભેળા બે’ક સ્મરણની વાત કહીશું.

 .

ફંટાતા રસ્તાઓ જેવી શ્વાસોમાં સચવાઈ ક્ષણો !

નેહ નીતરતી ઘટનાઓમાં આથમતો અણસાર ઘણો !

ઓસ વીંધતા અજવાળાની જેમ નજર ભીંજવતા રહીશું…

 .

બે પગલાં સાથે ચાલ્યા ત્યાં ઊંડી ઊંડી ખાઈ મળી !

કેવાં કેવાં સ્વપ્ન મઢેલી અણધારેલી રાત ઢળી !

છુટ્ટા પડવાનો વૈભવ લઈ આંખોમાં અજવાસ કરીશું…

.

એક ઘડી પણ ઉત્સવ જેવી જાણે વ્હેતી કોઈ નદી !

મુગ્ધ પળોના પલકારામાં રણઝણતી રેલાય સદી !

હસ્તરેખના મૂંઝારામાં દોષ હવે કોને રે દઈશું ?

 .

( દિલીપ જોશી )

એમ કાંઈ – પરાજિત ડાભી

એમ કાંઈ જીવવાનું હોય ?

કેમ છો ? એવું યે પૂછે ન કોઈ

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

આઘેરો ઊભો છે બાવળની કાંટ્યમાં

ચપ્પ્લ વિનાનો જીવ મારો

તરણાંનો ભાર પણ લાગે છે આકરો

માથે લીધો છે તોય ભારો.

 .

ગોતે છે અજવાળે, જાત જે અંધારે ખોઈ

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

કુમળા આ હાથોમાં ફરફોલા પાડે છે

ઝાડવાનેકાપતી કુહાડી.

રણ જેવી ધગધગતી થઈ ગઈ છે શ્વાસોની

લીલી કુંજાર હતી વાડી.

 .

તૂટ્યો છે ભીતરનો બંધ, હવે કરવું શું

પાંપણને લોઈ.

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

( પરાજિત ડાભી )

ઈચ્છા મુજબ – પીયૂષ પરમાર

ઈચ્છા મુજબ કશું ય કાં થાતું નથી ?

મારા સુધી હજુય પહોંચાતું નથી !

 .

રોકી નહીં શકું, ઉથાપી નહીં શકું,

આવી ક્ષણે કરું શું ? સમજાતું નથી.

 .

દાવા કરે છે પ્રેમના મારા વિશે,

કે મૌન મારું જેને પરખાતું નથી !

 .

…બટકી ગયેલ ડાળને જોયા પછી,

પંખી એ સ્વપ્નમાં ય ડોકાતું નથી.

 .

એના વિશે જ ચાલતી ચર્ચા અહીં,

નામો નિશાન જેનું દેખાતું નથી.

 .

( પીયૂષ પરમાર )

લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

(૧)

વર્ષોથી ખોવાઈ ગયેલી

રાત્રિને શોધવા

નિષ્ફળ નીવડેલ છે

સૂરજનું પોલીસ તંત્ર

 .

(૨)

બરફ જેવી કૃષ્ણ નગરીમાં

હવે મારે

ક્યાંથી શોધવો

સૂરજ જેવો સુદામો

 .

(૩)

મેડકના પ્રેમપત્રો

મેં સાચવી રાખ્યા છે

વરસાદના પટારે….

 .

(૪)

સમય, સોઈ દોરથી

સીવી રહ્યો છે મને-

ને

મારી જિન્દગીના

ફાટી ગયેલાં વસ્ત્રને

 .

(૫)

દર્દની ભાષા ઉકેલવા માટે

મારે પહેરવા પડે છે

આંસુના ચશ્માં

 .

(૬)

સ્મિતના દ્વારે

ધીમે ધીમે

પડે છે

આંસુના ટકોરા

 .

( અબ્દુલ ગફાર કાઝી )

જિંદગી ક્યાં જિવાય – સિકંદર મુલતાની

જિંદગી ક્યાં જિવાય ચાહ મુજબ ?

કે જવાનું વહ્યે…પ્રવાહ મુજબ !

 .

પુણ્ય મુજબ ન હો જીવન, કિન્તુ-

મોત તો હોય છે ગુનાહ મુજબ !

 .

સ્વપ્ન મારું પડે ન કાં સાચું ?

જોઉં છું ખ્વાબ હું નિગાહ મુજબ !

 .

તો અનોખું જ કંઈ મળે, મિત્રો !

કાશ… રખડાય ગુમરાહ મુજબ !

 .

હર દિશામાં ઊભી હશે મંઝિલ,

ચાલ… ચાલી બતાવ રાહ મુજબ !

 .

સૌ ‘સિકંદર’ મને કહે, તેથી-

હું ય વર્તું છું બાદશાહ મુજબ !

 .

( સિકંદર મુલતાની )

જીવવાનાં આગવા – સાહિલ

જીવવાનાં આગવા નિયમ સુધી ગયા છીએ

સત્ય જેવાં શાશ્વતી ભરમ સુધી ગયા છીએ.

 .

શબ્દને ઘસી ઘસીને સાવ લીસ્સાલચ કર્યા

ક્યાં છતાંય શબ્દનાં મરમ સુધી ગયા છીએ.

 .

મ્હેક મ્હેક થઈ જવાનું મનને મન થયું ફરી,

એટલે રૂઝાયેલાં જખમ સુધી ગયા છીએ.

 .

જ્યાં ઝૂરાપા ટોડલે જ ઝૂરવાનું હોય છે,

હર જનમમાં એ જ તો હરખ સુધી ગયા છીએ.

 .

શક્યતા નથી અમારો રંગ આ ફીટે હવે

સ્યાહીમાં ડૂબી જઈ કલમ સુધી ગયા છીએ.

 .

ખુદની જાતથી છીએ અજાણ-ના અજાણ પણ,

મન મનાવતાં રહ્યાં-ઇલમ સુધી ગયા છીએ.

 .

ના અગમ સુધી ગયાં-ના ગયા નિગમ સુધી

જો ગયા તો બસ અમે સનમ સુધી ગયા છીએ.

 .

( સાહિલ )

કુંડાળામાં આવો ! – ‘વિવશ’ પરમાર

આથમતા સૂરજના અજવાળામાં આવો,

વૃક્ષ કહે છે પંખીને, માળામાં આવો.

 .

પાંગરવા દો આજ વસંતોને મારામાં,

તમને ગમતી મૌસમના ગાળામાં આવો !

 .

મારા તો વૈશાખ અને ચૈતર સોનેરી,

ભરબપ્પોરે પીળા ગરમાળામાં આવો.

 .

કટકે કટકે ક્યાં લગ કરવી કથા આપણી ?

ઘટના થઈને સાજણ સરવાળામાં આવો.

 .

ઇન્દ્રધનુષી રંગો પથરાશે દરિયામાં,

શ્વેત સ્વપ્ન સંગાથે પરવાળામાં આવો.

 .

જનમ-મરણના ફેરાઓથી કંટાળ્યો છું;

મુક્તિ દેવા મારા કુંડાળામાં આવો !

 .

( ‘વિવશ’ પરમાર )

ભ્રમ ?????? કે ????……

“પ્લેજરીઝમ” શબ્દથી ગુજરાતી નેટજગત/બ્લોગજગતના લોકો અજાણ નથી. તેમ છતાં ફરી એકવાર પ્લેજરીઝમ અને કોપી-પેસ્ટ અંગે વિનયભાઈ ખત્રીએ ચલાવેલી લડતને સલામ કરીને પ્લેજરીઝમની વ્યાખ્યા જોઈ લઈએ…. “પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય.” કોપી-પેસ્ટ અને આવા વિચારોની ઉઠાંતરીના કિસ્સાઓ ઢગલેબંધ નેટ પર જોવા મળી જ રહ્યા છે. મારી નજરમાં આવેલ એક કિસ્સો….

 .

“ચિત્રલેખા”નો તા. ૨૫ માર્ચ, ૨૦૧૩મો અંક વાંચતી હતી. જેમાં પૂજાભાઈ પરમારની “ભ્રમ” નવલિકા વાંચવા મળી. મિત્રો મારી સાથે તમે પણ વાંચો…

.

.

.

નવલિકા વાંચીને મને કંઈક જાણીતું જાણીતું લાગવા માંડ્યું. અને તરત મને ઈરફાન ખાન અને તેનો લાજવાબ અભિનય યાદ આવ્યો. હજી હમણાં જ તો મારી જેમ શિશિર રામાવતને પણ ઈરફાન ખાન યાદ આવ્યો હતો. અને તેમણે પણ ઈરફાનના અભિનયના ભરપૂર વખાણ કર્યા હતા. હવે તમને થશે કે એવું તે શું હતું ઈરફાન ખાનના અભિનયમાં અને એ અભિનય શેમાં હતો ? તો ચાલો હવે આપણે એ અભિનય પણ જોઈએ…(થોડો સમય લાગશે પણ જોજો ખરા નિરાંતે…)

.

.

હમ્મ….તો આ ‘સ્ટાર બેસ્ટસેલર્સ’નો એપિસોડ જોઈને હવે તમને પણ જાણીતું જાણીતું લાગવા માંડ્યું હશે….

 .

આમ તો ચંદ્રકાંત બક્ષીની આ નવલિકા શબ્દસ્વરૂપે પણ ઉપલબ્ધ છે જ. જેઓ વિડિયો જોઈ શક્યા નથી તેઓ શબ્દસ્વરૂપે માણી શકે છે.

 .

એક સાંજની મુલાકાત…

.

ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું, ને નવા ફ્લેટમાં આવી ગયાં. ફ્લેટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૂમ અને કિચન-બાથરૂમ હતાં. બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઇંટની દીવાલ હતી, જે તાજી વ્હાઇટવોશ કરેલી હતી.
.

દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.

 .

અમારી ઉપર અમારો બંગાળી મકાનમાલિક અક્ષયબાબુ એની સ્ત્રી અને ત્રણ બાળકો સાથે રહેતો. એ કોઇ ગવર્નમેન્ટ ઓફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની-શોભા-કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી, ને રાતના અંધારાંમાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. ત્રણે બાળકો બાલીગંજ તરફની કોઇ હાઇસ્કૂલમાં ભણતાં.

.
જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઇ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટવોશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઇને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો.

.
વાંસના બાંધેલા મચાન પર બેસીને રંગમિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૂમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દીવાલોમાંથી ભીના રંગની, ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી.

.
તમે જગ્યા લેશો?’ નમસ્કારોની આપ-લે થયા બાદ એણે પૂછ્યું.

.
હા.

.
તમે બે જણ છો?’

.
હા,’ દલાલે વચ્ચે કહ્યું, ‘પતિ-પત્ની બે જ જણાં છે. બીજું કોઇ નથી. તમારે કોઇ જ જાતની ખટપટ નથી. અને માણસો બહુ સારા છે.

 .

હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઇ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો.

.
જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે બે દિવસ પછી લોરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઇને અમે રહેવું શરૂ કર્યું.

.
હું રોજ સવારે આઠ વાગ્યે નાહીને, ગરમ નાસ્તો કરીને જતો. બપોરે એક વાગ્યે આવતો, અને જમીને એક કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતાં મને સાડા નવ વાગી જતા, અને પછી જમીને, મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને સૂઇ જતો!

.
મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા-આવવાનો સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડ્યો પડ્યો એક ચોપડી વાંચતો હતો ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, ‘મિ. મહેતા, તમને ફૂલોનો શોખ ખરો કે?’

.
હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઇ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, ‘ખાસ નહિ.

.
એ હસી ગઇ: તમારાં શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી બે-ચાર જૂઇનાં ફૂલ લઇ જાય છે.હું જોઇ રહ્યો.

.
એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઇ અને હું ઊભો થઇ ગયો. બધું એક સ્વિચ દબાઇ હોય એટલી ઝડપથી બની ગયું.

.
મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના આઠથી રાતના સાડા નવ સુધી ઘરની બહાર જ રહેતો. સવારે શોભા નીચે ઊતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપોર્ટ આપતી અને હું બેઘ્યાન સાંભળતો.

.
થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઇક આકર્ષણ થઇ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું, પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો, પણ એનામાં આકર્ષણ ખરેખર હતું.

.
એના શરીરમાં ત્રણ બાળકો થઇ ગયાં પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઊઠતી, મજાક કરતી, જોતીબધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી.

.
કોઇ કોઇ વાર મને એવો ખ્યાલ પણ આવતો કે કોઇ દિવસ સરલા ઘરમાં નહિ હોય અને એ એકાએક મારા ઓરડામાં આવી જશે, અને બારીઓ બંધ કરી દેશે, અને સાંજ હશે, — અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિષે કોઇ દિવસ કહ્યું ન હતું, અને એ જ્યારે વાતવાતમાં શોભા વિષે વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ઘ્યાનથી એની વાત સાંભળી લેતો.

.
સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે સવારે ફિલ્મ જોવા જતાં અને લગભગ અચૂક, અમે બહાર નીકળતાં ત્યારે, એ બારીમાં બેઠેલી હોતી. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતાં હતાં ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, ‘શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી.

.
ખરી વાત; છે તો વાઘણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહિ.

.
કોણ કેટલા વાગ્યે આવ્યું, ક્યારે ગયું બધાનો ખ્યાલ રાખે છે. તું કયા બસરૂટમાં જાય છે અને ગયા રવિવારે તે શું પહેર્યું હતું એની પણ એને ખબર છે.

.
એમ…? તને કહેતી હશે!

.
હા. મને કહે છે કે સરલા, તેં છોકરો સરસ પકડ્યો છે.

.
મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતાં જ એ હસી પડી.

.
એની વાત ખરી છે.મેં ઉમેર્યું, ‘તેં છોકરો ખરેખર સરસ પકડ્યો છે.

.
ચાલ હવે; પરણવાની ઉતાવળ તો તને આવી ગઇ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી…

.
‘…
પછી થયું, કે વધારે ખેંચવા જઇશું તો હાથથી જશે; એટલે હા પાડી દીધી?’ મેં કહ્યું.

.
સામેથી આવતી ખાલી ટેકસીને ઊભી રાખીને અમે બન્ને બેસી ગયાં.

.
દિવસો પસાર થતા ગયા. કોઇ કોઇ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભી ઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાંયે એ મારી સાથે હસીને વાત કરતી; ત્યારે અમે બંગાળીમાં વાતો કરતાં અને સરલા બંગાળી સમજતી નહિ.

.
અક્ષયબાબુ સાથે મારે ખાસ વાત થતી નહિ. એ માણસ ઓફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો, કોઇ કોઇ વાર ઉપરથી કંઇક રવીન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે દેખાતો.

.
સરલાએ એક વાર મને પૂછેલું, ‘આનો બાબુ કંઇ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે.

.
ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે, — ગાડી ચાલે છે, પણ માણસ બિચારો બહુ શાંત છે.

.
પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે. ઝવેરાતની દુકાન છે ને એ નાનપણમાં કોન્વેન્ટમાં ભણી છે.

.
કોન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઇ ગઇ…મેં કહ્યું.

.
જનાનખાનામાં કંઇ ભરાઇ નથી.સરલાએ કહ્યું, ‘એના પતિને ભરી દીધો!અને અમે બન્ને હસ્યાં.

.
તને ખબર છે? આપણા ફ્લેટનું રંગ-રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પક્કી બિઝનેસવૂમન છે!

.
બંગાળીમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે!સરલાએ જવાબ આપ્યો નહિ. કૈં વિચારમાં હોય એવું પણ લાગ્યું નહિ.

.
દિવસો જતા તેમતેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ-રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો; પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી.

.
બાગમાં ફૂલો લેવા એ ઊતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડયો હોઉં અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવા આવવાની, એકાંતની ઇચ્છા જોઇ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી, શોભાને એનાં બાળકોમાંથી સમય મળતો નહિ, અને હું ઘણોખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, ‘તમે તો બહુ મજૂરી કરો છો, મિ. મહેતા!

.
શું થાય?’ મેં કહ્યું, ‘તકદીરમાં લખાવી છે તે…

.
તમારા જેવું તકદીર તો…એ રહસ્યભર્યું હસી, ‘બહુ ઓછા માણસોનું હોય છે.હું પણ હસ્યો.

.
મારે એક વાર તમારી દુકાને આવવું છે.એણે કહ્યું.

.
હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માગતો ન હતો. મેં તરત કહ્યું, ‘તમારે કંઇ જોઇએ તો મને કહેજોને, હું લેતો આવીશ. દિવસમાં ચાર વાર તો આવ-જા કરું છું. એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું કે નયે મળું…શોભા મારી સામે જોઇ જ રહી.

.
સરલાની હાજરીમાં મેં શોભાસાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહિ. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતાં. કોઇ વાર હું આવી જતો ત્યારે એ હસીને કહેતી, ‘ચાલો હું જાઉં છું: હવે તમે બંને વાતો કરો—’ અને તરત ચાલી જતી.

.
ઘણા દિવસો થઇ ગયા હતા. શોભા એકદમ પાસે હતી, અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હંમેશાં પ્રયત્નશીલ રહેતીમારી પાસે આવવા પણ ઘરમાં એકાંત મળતું નહિ. સરલા હંમેશાં ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઇ હોય અને હું ઘરમાં એકલો હોઉં.

.
હું ફકત એ દિવસની કલ્પના જ કરીને સમસમી જતો. શોભાના વિચારમાં હું એકદમ ગરમ થઇ જતો અને છેવટે નિરાશ થઇને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઇ દિવસ નહિ આવે જ્યારે ફલેટના એકાંતમાં મળી શકીશું. અને જેમજેમ નિરાશા થતી તેમતેમ ઇચ્છા વધુ સતેજ બનતી.

.
શોભા ગરમ સ્ત્રી હતી, એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એને માટે જાણે તરફડી રહ્યો હતો.

.
મને આડાઅવળા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગેસલાઇટો ઝબકી ઊઠતી ત્યારે હું ઉદાસ થઇ જતો અને મારું અડધું માથું દુખવા આવતું. કોઇ કોઇ વાર મને ઘેર ચાલ્યા આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એર-કન્ડિશન્ડ હોટલમાં જઇને બેસી જતો અને કોફી પીતો.

.
એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ધેર આવી ગયો. સરલા શાક લેવા ગઇ હતી. હું બારણું બંધ કરીને, કપડાં બદલીને પલંગ પર પડ્યો અને બહાર ડોરબેલ વાગ્યો; — સરલા આવી ગઇ હતી.

.
મેં ઊઠીને બારણું ખોલ્યુંસામે શોભા ઊભી હતી!

.
તમે આજે બહુ વહેલા આવી ગયા?’ એણે પૂછ્યું.

.
હા, જરા તબિયત ઠીક ન હતી.મેં કહ્યું… અને મારી તબિયતને હું એકદમ ભૂલી રહ્યો હતો! સરલા હમણાં જ શાક લેવા ગઇ છે. એને હજી અરધો કલાક લાગશેઆવતાં. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં… મને પણ થયું કે તબિયત ખરાબ હશે!

.
અંદર આવો.મેં કહ્યું. મારા કાન ગરમ થઇ ગયા હતા. એ અંદર આવી, ને બારણું બંધ કર્યું. અમે બંને એકબીજાને સમજી ગયાં હતાં. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઇ હતી.

.
અમે બંને વચ્ચેના મોટા ખંડમાં આવ્યાં. મારું હૃદય ધડકવા લાગ્યું. શોભા સામે હતી, અને સરલાને આવવાને હજી અરધા કલાકની વાર હતી, અને

.
મારે તમારી સાથે એક ખાસપ્રાઇવેટ વાત કરવી છે.એણે કહ્યું. અંદર ચાલો.હું બોલી શક્યો. અમે બંને ખૂણાવાળા રૂમમાં આવી ગયાં. સાંજ હતી, અંધારું હતું. મેં બત્તી જલાવી નહિ.

.
અહીં કોઇ નથી?’ એણે દબાતા અવાજે પૂછ્યું.

.
ના, ફ્લેટમાં આપણે બે જ છીએ.

.
એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતાં કહ્યું, ‘સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી…

.
આખા રૂમમાં શૂન્યતા છવાઇ ગઇ.

.
એણે મને એની પાસે આવવાને ઇશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું હું ધ્રૂજી ઊઠીશ.

.
મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઇક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે…! તમને ખબર છે?’

.
હું ધ્રૂજી ઊઠ્યો.

 .

( ચંદ્રકાંત બક્ષી )

 .

‘ભ્રમ’ કે ‘એક સાંજની મુલાકાત” ????

.

સુજ્ઞ વાચક સમજદાર છે. અને સમજદારને એક ઈશારો કાફી છે.