ચાલ્યો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

.

કોઈ પોતામાં ઊતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થૈ ચાલ્યો,

કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થૈ ચાલ્યો.

 .

કોઈમાં શબ્દ બ્રહ્મ થૈ ખૂલ્યો, કોઈ શબ્દોની પાર થૈ ચાલ્યો,

સાવ ખાલી થઈ ગયો કોઈ, ને કોઈ બેસૂમાર થૈ ચાલ્યો.

 .

કોઈ આનંદમય થયો હરપળ ને કોઈ અશ્રુધાર થૈ ચાલ્યો,

કોઈ બેઠો બધુંય ભૂલીને, કોઈ સ્મરણોની હાર થૈ ચાલ્યો.

 .

આ પશુ, પંખી, માનવી, પુષ્પો કોઈને તીર્થ સમ બધું લાગ્યું,

કોઈ પોતે જ પરમ પાવનનું આગવું તીર્થદ્વાર થૈ ચાલ્યો.

.

કોઈ સાધુ ને કોઈ સંસારી ભક્ત કોઈ અને કોઈ યોગી,

એકના ભાગ બધાએ પાડ્યા, એય એકે હજાર થૈ ચાલ્યો.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

વાર લાગે છે – નીતિન વડગામા

.

અગમનો અર્થ સમજાતાં ઘણીયે વાર લાગે છે.

પરમનું પોત પરખાતાં ઘણીયે વાર લાગે છે.

 .

નરી આંખે બધાયે અક્ષરો ના ઊકલે બંધુ

વણલખી વાત વંચાતા ઘણીયે વાર લાગે છે.

 .

અચાનક આંગણામાં સાત રંગો સામટા આવે

છતાં નખશિખ રંગાતા ઘણીયે વાર લાગે છે.

 .

તિરાડો પાડશે તરત જ તમારાં વેણની ઠોકર,

પછી સંબંધ સંધાતાં ઘણીયે વાર લાગે છે.

.

ખબર છે જૂજવે રૂપે તત્વ તો એક છે તો પણ,

ધજાના ભેદ ભૂંસાતાં ઘણીયે વાર લાગે છે.

.

ઉતાવળ ના કરો ખોટી જરાયે દાદ દેવામાં

ગઝલનો તાગ લેવાતાં ઘણીયે વાર લાગે છે.

 .

( નીતિન વડગામા )

દિવસ ઉથલાવતાં – ડો. મનોજ એલ. જોશી ‘મન’

.

દિવસ ઉથલાવતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે,

ને રાતો વાંચતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

ઉપરથી લાગતું સ્હેલું ! ખરેખર ખૂબ અઘરું છે,

ભીતરથી જાગતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ

પ્રથમથી આપતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ

લગોલગ ચાલતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે !

નહીં તો જીવતા રહેવું ! ખરેખર ખૂબ અઘરું છે.

 .

( ડો. મનોજ એલ. જોશી ‘મન’ )

હરકદમ પર – રાજેશ વ્યાસ “મિસ્કીન”

.

હરકદમ પર અવનવા રૂપે સતત પડકાર સાધુ,

માત્ર દ્રઢ સંકલ્પ ઉપારી ગયો છે પાર સાધુ.

 .

ક્યાંય કિનારો નથી સરખી બધે મઝધાર સાધુ,

હોય છે કેવળ સ્મરણનો એકલો આધાર સાધુ.

 .

કલ્પનામાં-માન્યતામાં ક્યાંક શ્રદ્ધામાં ઊભેલો,

આપણા જેવો જ કાયમ આપણો કિરતાર સાધુ.

 .

કોઈની પાસે જરા બેઠા ને આપોઆપ પ્રગટ્યું,

કોઈએ આમ જ કર્યો છે દૂર આ અંધાર સાધુ.

 .

એકસરખા રંગ સઘળા, એકસરખી છે રમત સૌ,

એકસરખું છે ધબકતું કોઈ અંદર બહાર સાધુ.

 .

આટલું કેવળ સમજવામાં પૂરી થઈ જિંદગી આ

હોય તરસ્યો એ જ વરસી જાય અનરાધાર સાધુ.

 .

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

લૂ-નું નગર – કિસન સોસા

.

ધૂપ… ધૂમ્ર.. ધ્વનિએ… બળી રહ્યું લૂ-નું નગર;

સ્વપ્નવત થઈ ગયું એ ધૂળનું જૂનું નગર.

 .

આ ઉત્તુંગ પથ્થરી હુજુમમાં ક્યાં શોધવું;

ભાવથી ભર્યું ભર્યું કુમાશથી કૂણું નગર ?

 .

એક વ્યક્તિનો અભાવ વિસ્તર્યો છે ચોતરફ;

આ અસહ્ય ભીડમાંય એકલું, સૂનું નગર !

 .

ક્યાંક કોઈ અધબળ્યું બીડીનું ઠૂંઠૂં ફેંકતું;

ભડભડી ઊઠે તરત કપાસનું, રૂનું નગર !

 .

આંખમાં નહોર તીણા મૌનથી ઊઠે ડણક;

છદ્મ રંગરૂપમય કળા ધરે ઝૂ-નું નગર.

 .

પી શકે ન પ્યાસ કે ગળી શકે ન ભૂખ જે;

ઝાંઝવે વરાળતું કંઈ કાંટ્યનું તીણું નગર.

 .

ક્યાં મળે છે ઠામ ઠેકાણું હયાતીના સગડ;

આમ તો હરેક શખ્સમાં વસે ‘હું’-નું નગર !

 .

( કિસન સોસા )

બે લઘુકાવ્યો

.

(૧)

પ્રેમનું પિંજરું

 .

હું

એક આશ્ચર્યચકિત

પ્રેમના પીંજરામાં

કેદી.

 .

મારા દરવાજાની પાસે

તું.

જાણે સોનેરી હરીભરી ભૂમિ.

 .

હું પ્રેમના પીંજરામાં

કેદી…

 .

( હીરેન ભટ્ટાચાર્ય, અનુ. સુશી દલાલ )

મૂળ કૃતિ : બંગાળી

.

.

(૨)

જ્યારે હતા ધાન મારા શબ્દો

ત્યારે હું હતો ધરતી;

જ્યારે ક્રોધ હતા મારા શબ્દો

ત્યારે હતો હું આંધી.

જ્યારે કઠોર ખડક જેવા મારા શબ્દો

ત્યારે હું વહેતી નદી.

 .

હવે મારા શબ્દો મધમીઠા

(એથી) હોઠને મારા

વીંટળાઈ વળી મધમાખી

 .

( મહેમૂદ દરવીશ, અનુ. મહેશ દવે )

આઠ લઘુકાવ્યો

.

(૧)

જળપરીની વાર્તાઓ

અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં

એકલવાયું બાળક

ઊભું છે

ઝાડના ઠૂંઠાને વળગીને.

 .

( જયા મહેતા )

.

(૨)

નિંદાથી

જીભ મોચવાઈ જતી હોય

અને કાન કરમાઈ જતા હોય

એવી અવસ્થા

જો ઈશ્વરે કરી હોત

તો જગત વિશેષ

જીવવા લાયક હોત.

 

( સુરેશ દલાલ )

 

(૩)

મારી ટચલી આંગળી

તરણુંય તોળી શકે તેમ નથી

ને આ જિંદગી તો

ગોવર્ધન થઈ બેઠી છે.

 

( વજેસિંહ પારગી )

.

(૪)

હું ગુલાબને સૂર્ય કહું

કે ચંદ્રને કમળ કહું

એથી નામની અદલાબદલીનો

આનંદ મળે છે;

પણ એનાથી કોઈની

પ્રકૃતિ બદલાતી નથી

 .

( સુરેશ દલાલ)

 .

(૫)

એક (યક્ષ) પ્રશ્ન

 .

જે માણસને

ઉઘાડી આંખે

ખિલખિલ હસતા બાળકમાં

પ્રગટેલા ભગવાન

ન દેખાય

તે માણસને

બંધ આંખે

જડ મૂર્તિમાં

પોઢેલા ભગવાન

દેખાય ખરા ? !….

 .

( ચંદ્રેશ શાહ )

.

(૬)

પ્લાસ્ટિકના ફૂલ પર

કાચનું પતંગિયું બેઠું

અને એનો ફોટો

છાપામાં છપાયો

.

( સુરેશ દલાલ )

 .

 

(૭)

પતંગિયું

ઊડે છે ત્યારે

હવા પર

પોતાની સહી નથી કરતું

 .

 

( સુરેશ દલાલ )

 .

 

(૮)

જળના સ્પર્શે

પથ્થરે ચીસ પાડી:

આટલી બધી નજાકત

જીરવાતી નથી

 .

( સુરેશ દલાલ )

સંવાદી ગઝલ – ગણપત પટેલ ‘સૌમ્ય’

.

એમણે પૂછ્યું : ‘થયો શું લાભ મુજ સહવાસથી ?’

મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી આ સુવાસથી.’

.

‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને

‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી.

 .

એ કહે : સંબંધ છે આ આપણો કેવો ? કહે’

‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી.

 .

એ પૂછે છે : ‘અંત શું આનો હશે’ તો મેં કહ્યું:

‘આપણેશું જાણીએ ? જગ જાણશે ઈતિહાસથી.’

 .

‘હું મળું ના તો કરું શું ?’ એમની ધમકી હતી

‘ખ્વાબને ટાળી શકો ના’ મેં કહ્યું હળવાશથી.

 .

‘કંટકોથીછે સભર આ પંથ, પાછો વળ’ કહે,

મેં કહ્યું : ‘તો ફૂલડાં વેરીશ હું આકાશથી’.

 .

‘દૂર ચાલી જઈશ’ નો ઉત્તર હતો મુજ એટલો;

‘હો ગમે ત્યાં તોય સૂંઘી લઈશ મારા શ્વાસથી.’

.

એ કહે : ‘આ ચાંદ સુણે છે, જરા શરમાવ રે’

મેં કહ્યું : એ રાહ ચીંધે છે સ્વયં અજવાસથી’.

 .

ભોંય ખોતરતાં કહ્યું કે : ‘શું ચહે છે તું અરે ?’

મેં કહ્યું : ‘તું જે ચહે છે શ્વાસથી-ઉચ્છવાસથી’.

 .

( ગણપત પટેલ ‘સૌમ્ય’ )

જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ

.

ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે,

મારે જોગણ બની બની જાવું રે

મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે.

…મારે

 .

નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મમેં ધૂન મચાવું;

બંકનાળ ત્રવેણી તરી જાવું, સુક્ષમણામાં સેજ બિછાવું

…મારે

 .

સૂન શિખરમેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું;

ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં તે સમાવું.

…મારે

 .

અલોપ રૂપથી રૂપ ન્યારું, રૂપમેં જ્યોત જગાવું;

જ્યોતિ પ્રકાશે હીરા વીણી, જુગ જુગ અમર થાવું.

…મારે

 .

આકાર નિરાકારી વાસા ત્યાગી, અનામી બની જાવું;

ભાવદાસ દાસી સતી પંખી ગાવે, અલોપ પુરુષમાં જાવું

…મારે

 .

( પંખીબાઈ )

સખીરી – ઈસુભાઈ ગઢવી

.

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

હળવું-મળવું, બળવું-ઝળવું, છૂટા-પડવું,

ને હારજીતના કૂંડાળામાં,

રમત રમ્યાની સંતાકૂકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

લીલીસૂકી લાગણીયું ને પાર વગરની

પીડાઓ ને,

સાચા ખોટા સંબંધોની

અમથી અમથી ધમાચકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

તારી મારી આંગળિયુમાં દશ-દશ હારે

શમણાના આંકડિયા ભીડી,

ફરવી કાયમ ફેર ફુદરડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

દરિયા જેવા આયખામાં ડૂબતાં ડૂબતાં

તરવા માટે,

બરફ પાટ કે તણખલાની,

અરથ વગરની પકડાપકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

શ્વાસ શ્વાસનો સરવાળો ને,

ગરજપણાનો ગુણાકાર ને,

મારાં તારાં ગાણાંઓની,

કાયમ રમવી અંતકડી,

કે બીજું કાંઈ…!

 .

( ઈસુભાઈ ગઢવી )