આ તો પ્રેમ છે – લાલજી કાનપરિયા

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે,

કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

ચાંદો રૂપાળો, તારા રૂપાળા ને આભલુંય રૂપાળું લાગે

જૂઈના મંડપ નીચે ઊભી રહું તો કોઈ ફૂલોનું વરદાન માગે !

.

ઓચિંતાનું કોઈ આવીને ધીમેથી કાનમાં કહે કે તને કેમ છે રે ?

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

વાદળ વરસ્યું તો ભીતરમાં કોણ જાણે લાખ લાખ ઝરણાંઓ ફૂટ્યાં

ઉનાળે ધોમ ધોમ ધીખતા દિવસો સાગમટે જાણે કે ખૂટ્યા !

.

ઈન્દ્રધનુષ તો નભમાં ખીલ્યું ને બધું આંખોમાં રંગીન કેમ છે રે ?

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

( લાલજી કાનપરિયા )

ઝંખના (૨) – પલ્લવી શાહ

જ્યારે હું મારી જાતને ઘરના એક ખૂણામાં કોકડું વાળીને બેઠેલી જોઉં છું ત્યારે તું મારી આ પરિસ્થિતી જોઈને મારી સમક્ષ દયનીય નજરે જોયા કરે છે ને હું મારા કોકડામાં વધારે ને વધારે સંકોડાઈ જાઉં છું. અનાયાસે હું તારા આવવાની રાહ જોયા કરું છું કે ક્યારે તું આવે અને મારા કોકડા વાળેલા શરીરમાંથી મારા માથાને ગોતી ઊંચું કરે અને મારી આંખમાં આંખ પરોવીને વગર કહે મારી વાણી સમજી જાય, મારા કોકડા વાળેલા શરીરને ધીમે ધીમે ખોલે, એને ટેકો આપી, એને એના પગ ઊપર ઊભા રહેવા સમર્થ કરે. તું આવીશ ને ?

એકને એક દિવસ તો આપણું મિલન જરૂર થશે. મને એવી આશા છે કારણ સાચા પ્રેમ કરનારા જિંદગીમાં કદી પણ વિખુટા રહેતા નથી. જિંદગીમાં ક્યારેક ને ક્યારે તો તેઓનું મિલન થઈ જ જાય છે. મને ખબર છે કે હું તને ખુબ જ પ્રેમ કરું છું અને પળે પળે હું અનુભવું છું કે હું તારી નજદીક અને નજદીક આવતી જાઉં છું. એક વખત એવો આવશે કે હું તારી ખૂબ જ નજદીક આવી જઈશ અને આપણી વચ્ચે જરાક પણ અંતર નહિ રહે. તું બે હાથ ફેલાવીને ઊભો હશે અને હું દોડતી આવીને તારી બાહુમાં સમાઈ જઈશ. મને સમાવી લઈશ ને ?

કેટલી હતાશ હતી હું જ્યારે તું મારી પાસે ન હતો. નિરાશ થઈ ગઈ હતી. દરેક પળ યુગ જેવી લાગતી હતી. દરેક પળે હું મરતી રહી, રડતી રહી, સંકોચાતી હતી, સંકોડાતી હતી. એક વર્તુળ મારી આજુબાજુ બનાવી દીધું હતું અને તને ખબર તો છે જ કે વર્તુળોમાંથી ક્યારેય બહાર નીકળી નથી શકાતું. હું ગોળ ગોળ ફર્યા કરતી હતી ને અચાનક તું વાદળાના રથ ઊપર બેસીને મારી પાસે આવ્યો અને મને ખૂબ વ્હાલ કર્યું. તારી આંખોમાંથી ઝરતા ભાવ મારી આંખોમાં જડાઈ ગયા, અને મેં મારી જાત તને અર્પી દીધી. ને હવે દરેક યુગ મને પળ જેવો લાગે છે. અને મેં આ જીવન તારા નામને અર્પણ કરી દીધું. તું એવું જ ઈચ્છતો હતો ને ?

.

( પલ્લવી શાહ )

અર્થની તલાશમાં – રઈશ મનીઆર

રઝળવું પડશે ગામગામ અર્થની તલાશમાં

મળે ન કાયમી મુકામ અર્થની તલાશમાં

.

કોઈ કરે છે રામરામ અર્થની તલાશમાં

કોઈ ઢળી પડે ધડામ અર્થની તલાશમાં

.

ઝૂકું કદી ન સાવ આમ અર્થની તલાશમાં

શબદને મેં કરી સલામ અર્થની તલાશમાં

.

ગુલાબમાં પલાશમાં વિરાગમાં વિલાસમાં

હું સહેજ તેમ, સહેજ આમ અર્થની તલાશમાં

.

કશેક સ્પર્શ એ મળે જ્યાં જીભ થાય જીવતી

અધર અડાડું જામ જામ અર્થની તલાશમાં

.

ધજા ધજા છે લિપ્ત લિપ્ત મુજ ચરણની ધૂળથી

વટાવ્યાં વેગે સઘળાં ધામ અર્થની તલાશમાં

.

છે હાલમાં તો પ્રાપ્તિ એ જ, સાંપડ્યાં જે માર્ગમાં

વિસામા, છાંયડા, વિરામ અર્થની તલાશમાં

.

હા, અર્થની તલાશમાં અર્થ તો મળ્યો જ નહીં

મળ્યું મજાનું એક કામ અર્થની તલાશમાં

.

સમુદ્ર આખે આખો ક્યારે ઓળખાતો છે ‘રઈશ’

લહર લહરનાં પાડ્યાં નામ અર્થની તલાશમાં

.

( રઈશ મનીઆર )

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ – અનિલ ચાવડા

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ?

.

ક્યારની કરું છું હું એવી રે અટકળ કે

મ્હેંક્યા છે પુષ્પો કે શ્વાસ ?

સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો

સાવ નાનકડું લાગ્યું આકાશ

ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે

છાતીના કોડોયામાં દીવો,

શરબતની જેમ મારા હોઠ લગી આવીને

હળવેથી બોલ્યા કે ‘પીઓ !’

શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

( અનિલ ચાવડા )

મને આજે ઊઠવાનું મન નથી થતું – નટવર ગાંધી

મને આજે ઊઠવાનું મન નથી થતું

ધારો કે આજે હું ન ઊઠ્યો તો ?

.

પહેલું એ કે બ્રેકફાસ્ટની મિટિંગ નક્કી કરેલ તે કે ન્સલ થશે.

જેની સાથે મિટિંગ નક્કી કરી છે એ “કાંઈક થયું હશે”

એમ માનીને પાછા જશે.

ભલે.

.

ઓફિસમાં સેક્રેટરી પણ “કાંઈક થયું હશે” એમ માનીને

મારી બધી એપોઈન્ટમેન્ટસ કેન્સલ કરશે.

.

ઘરે પણ “તમારી તબિયત બરાબર નથી ? એસ્પિરિન આપું ? ચા બનાવી આપું ?”

એમ પૂછીને

”આ માણસ આજે ઘરે પડ્યો છે તેનું શું કરવું ?”

તેવો વિચાર કરતી એ પણ પોતાને કામે લાગશે.

ભલે.

.

અને હું પણ “મૂકોને, કાલે કરશું” એમ કહીને

પડખું ફરી પાછો સૂઈ જઈશ.

ભલે.

.

પણ ધારો કે હું સાવ જ ન ઊઠ્યો તો ?

.

( નટવર ગાંધી )

આપી શકે તો આપજે – શૈલેષ પંડ્યા “ભીનાશ”

જિંદગીનો હાથ પકડી શ્વાસને આધાર તું આપી શકે તો આપજે.

આપણા સંબંધને વિશ્વાસનો અણસાર તું આપી શકે તો આપજે.

,

બોલવા દે, ડોલવા દે, છોડવા દે, તોડવા દે, જોડવા દે તોય પણ,

દ્રશ્ય ખટકે તો નવું નાટક, નવો શણગાર તું આપી શકે તો આપજે.

.

એક સાથે એક દસ્તાવેજ પણ તૈયાર થઈ ઊભા રહ્યા મારી ઉપર,

વાત આવે ઓરડાની તો જરા સહકાર તું આપી શકે તો આપજે.

.

હાથ પગ જોઈ તરત સમજી ગયું છે બારણું અંદર કઈ રીતે જવું?

લાગણીનું પીંછું ખોસી મોરનો આકાર તું આપી શકે તો આપજે.

.

શું હસ્યા…સાચ્ચું કહો ? શું એ જ કારણ પણ હજી ડોલી રહયં છોને તમે ?

માગવાનું છે છતાં બોલું છું વારંવાર તું આપી શકે તો આપજે.

.

( શૈલેષ પંડ્યા “ભીનાશ”)

ક્યાં સુધી ? – ઘનશ્યામ ઠક્કર

શક્યતાનાં દ્વાર સાંકળ બનીશું ક્યાં સુધી ?

ખુદ દિશાઓને સમેટી વિસ્તારીશું ક્યાં સુધી ?

.

આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર,

ક્યાં જઈ ખોવાઈશું ? કોને મળીશું ? ક્યાં સુધી ?

.

આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું;

તોય ઉંબરને અડી પાછા ફરીશું ક્યાં સુધી ?

.

અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,

પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી ?

.

રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં,

રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી ?

.

જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે,

’ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી ?

.

( ઘનશ્યામ ઠક્કર )

આપણી વચ્ચે – હિતેન આનંદપરા

આપણી વચ્ચે નિકટતા એમ વીકસતી રહે

જેમ કોઈ વૃક્ષ ઉપર વેલ વિસ્તરતી રહે

.

ગામ ભૂલેલી નદીની જેમ અટવાયા કરું

નામ ભૂલેલી નદીની જેમ તું વહેતી રહે

.

દ્રશ્ય ને અદ્રશ્યનું ભેગા થવું સંભવ બન્યું

હું તને જોતો રહું ને તું મને સ્મરતી રહે

.

સ્પર્શક્ષમ સાંનિધ્ય સાચે બહુ જ દુર્લભ હોય છે

આમ તો બે-ચાર દિવસે તું મને મળતી રહે

.

છે મુબારક સૌને પોતાનું નિરાકારી ગગન

આપણી સામે હંમેશા આપણી ધરતી રહે

.

હોઈએ તખ્તા ઉપર કે હોઈએ નેપથ્યમાં

આપણામાં માણસાઈ સર્વદા શ્વસતી રહે

.

( હિતેન આનંદપરા )

ઝંખના (૧)- પલ્લવી શાહ

હું તને મારા હ્રદયમાં સમાવવા માંગુ છું, જેમ એક મા પોતાના બાળકને જન્મ પહેલા જ સમાવી દે એમ. આંખો બંધ રાખીને પણ મા એની ઉપર હેલીઓ વરસાવતી હોય છે. જન્મ્યા પછી કેવું રૂપ હશે, કયા રૂપનું, કયા રંગનું હશે એની એને કશી ખબર હોતી નથી. પણ એનું એક સ્વરૂપ એની મન ઉપર અંકિત થયેલું હોય છે ને એ સ્વરૂપને એના જન્મ પહેલાં જ અપનાવી લે છે. તે પોતાના ઉપસેલા પેટને જોઈ જોઈ હરખાયા કરતી હોય છે કે આની અંદર મારા સ્વપ્નના સૂરની વાંસળી વાગી રહી છે અને જાણ્યે અજાણ્યે એ પોતાના પેટને પંપાળી અંદર પાંગરી રહેલ કૂંપળ ઉપર વ્હાલપનાં અમી ઝરણાં વરસાવ્યા કરતી હોય છે.

.

જે રીતે મા બાળકને એના જન્મ પહેલાં અણુએ અણુમાં રોમે રોમમાં સમાવી દે છે એમ હું પણ તને મારા રોમેરોમમાં સમાવી તારી ઉપર હેતનો વરસાદ વરસાવવા માંગુ છું. તને ખૂબ વ્હાલ કરવા માંગુ છું. મા જેમ બાળકની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને કોઈ પણ વાતે ઓછું આવવા દેતી નથી એમ હું પણ મારા દ્વારા દુ:ખ ન પડે એની કાળજી રાખવા માંગુ છું. તને મારા રોમરોમમાં વિસ્તારવા માંગુ છું. મને  ખબર છે આ માર્ગ ખૂબ જ કઠીન છે. જેટલો માને પ્રસૂતિની પીડાનો હોય એટલો, પણ આ પીડા ભોગવ્યા પછી માના કાને વાંસળીમાં વાગતા મધુર રૂદનનો સ્વર-સૂર સંભળાય છે અને મા પોતે ભોગવેલી તમામ પીડા ભૂલી જાય છે. તને મેળવવા આવી પીડા હું પણ ભોગવવા માંગુ છું. કારણ મારા હ્રદયમાં જાગેલી આશાઓના સ્પંદનનું તું બીજ માત્ર છે.

.

( પલ્લવી શાહ )

મારી આંખનું – મનહર જાની

મારી આંખનું પરબીડિયું ઉઘાડી તું જો…

તારે સરનામે લખ્યો કાગળ વાંચી તું જો…

.

મને રાષ્ટ્રધ્વજ જેમ તું ફરકાવ નહીં આમ

હું તો તારો રૂમાલ છું – રૂમાલ;

મને ફાવે તે રીતે તું સંકેલી નાખ-

આંખ લૂછે  લે – ચાલ.

.

તારી આંગળીમાં ગલગોટા વાવી તું જો…

તને પતંગિયું થૈ જતી અટકાવી તું જો…

.

મારી આંખનું પરબિડિયું…

તને હોય કે હું શ્વાસનું મેદાન છું તો ભલે

તું મને સાંજનો તડકો કહી દે;

પાણીમાં તરતી માછલીઓને જોઈ-

તને પૂછી જો તું – તારો દરિયો ક્યાં છે?

.

તારે ટોડલેથી મોરને ઉડાડી તું જો…

તારા જીવનાં દીવાને ફૂંક મારી તું જો…

મારી આંખનું પરબિડિયું…

.

( મનહર જાની )