મઢૂલી

ગંગાને તીર એક બાંધી મઢૂલી ને

હેતે હરિનું નામ લેતાં જી રે,

અમે લેતાં જી રે.

.

રામનાં નામની લાગી રે લગની ને

અમે આનંદે રહેતાં જી રે,

અમે રહેતાં જી રે.

.

ઝણકે તંબુરા ને રણકે મંજીરા

ઝાંઝ-પખવાજ વાગે જી રે,

હે જી વાગે જી રે.

.

ઘેરી નીંદરમાં પોઢેલો સાયબો

અનહબ નાદે જાગે જી રે,

હે જી જાગે જી રે.

.

હરિના ગુણલા ગાતાં પંખીડાં ને

હળુહળુ વાયરા વાતા જી રે,

હે જી વાતા જી રે.

.

સંત અવધૂત કોઈ આવે ને જાવે

હરિરસ પીતા-પાતાં જી રે,

હે જી પાતાં જી રે.

.

ઊલટ-સુલટની ચડે રે હેલિયું ને

જળહળ જ્યોતું પ્રગટી જી રે,

જ્યોતું પ્રગટી જી રે.

.

ગગન ભરીને આવ્યાં અજવાળાં

મઢૂલી તેજથી ઝગતી જી રે,

હે જી ઝગતી જી રે.

.

ગંગાને તીર એક બાંધી મઢૂલી ને

હેતે હરિનું નામ લેતાં જી રે

અમે લેતાં જી રે.

.

( કલાધર વૈષ્ણવ )

તારી આંખો

જીવનમાં જોવા જેવી કોઈ ચીજ હોય

તો તે છે તારી આંખો,

પ્રચંડ અવાજોનાં મોજાં સામે,

વિસ્ફોટોની શ્રેણીમાં સતત ઝળૂંબતી,

પોયણાં જેવી મુલાયમ,

નમ્ર નિમિલીત દુનિયાને જોતી,

છતાં સમગ્ર આકાશમાં સર્વશ્રેષ્ઠ,

આંધળી દીવાલોમાં પણ તેજ પ્રસરાવતી,

માત્ર અને માત્ર-

તારી આંખો !

.

( અર્જુન કે. રાઉલજી )

અંધકાર

કોને ખબર કે ક્યાંથી આ આવ્યો છે અંધકાર ?

અહિંયા અનાદિકાળથી વ્યાપ્યો છે અંધકાર !

.

પડખું ફરી ઉજાસ તો પોઢે નિરાંતથી,

કંઈ કેટલીય રાત તો જાગ્યો છે અંધકાર !

.

પ્યાલા ભરીને પીધી હશે ચાંદની તમે !

ચમચી ભરીને કોઈ દિ ચાખ્યો છે અંધકાર ?

.

ઘાંઘો ઉજાસ રોજ ટકોરાય બારણે,

બંધ ઓરડાએ સાચવી રાખ્યો છે અંધકાર !

.

લિસ્સી ને કોરી ભીંતનું અસ્તિત્વ ક્યાં રહ્યું ?

ખરબચડી કંઈ હથેળીએ થાપ્યો છે અંધકાર !

.

અજવાળું સાવ છીછરું લાગી રહ્યું હવે,

ઘુવડની આંખથી અમે તાગ્યો છે અંધકાર !

.

લાગે છે બહુ દરિદ્ર સિતારા ભરેલી રાત,

જાણે કે ઠેરઠેરથી ફાટ્યો છે અંધકાર !

.

( પરેશ કળસરિયા )

વિચારોમાં

વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં

કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં

.

કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે

નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

.

બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,

કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં

.

સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે

નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં

.

જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે

મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

બે લઘુકાવ્યો

૧.

.

મારે તો

.

મારે તો

ક્યાં જવું હતું

એકેય શિખર પર ? !

મારે તો બસ,

ઝર ઝર

ઝર ઝર

ઝરી જવું હતું

પારિજાતનાં પુષ્પોની જેમ

તારી ભીતર…

.

૨.

.

ભૂકમ્પ

.

-છેવટે

કંપી ઊઠી

ઈશ્વરની માનવતા

ને

માનવની ઈશ્વરતા !

.

( યોગેશ જોષી )

જીવતરનું ગીત

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

કદીક હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે.

.

રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે

તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૂપાળું રે.

.

હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

.

રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે

ડગલે પગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે.

.

શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે.

.

( લાલજી કાનપરિયા )

આ કબૂતરનું શું કરવું ભલા !

આ કબૂતરનું શું કરવું ભલા !

છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગૂપચૂપ ગોઠવે તણખલાં

.

ચોક સમું ભાળે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતાં આવડે

આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતાં આવડે

ધીરેધીરે મુંઝારા ચણે જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાંનું ખરવું સમજાય છે

પોતીકાપણાના જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે

બારી પર સાંજ ઢળ્યે બેસીને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

( સંદીપ ભાટિયા )

અસ્તિત્વ

તમસનો વટ રાજવી છે, સત્વને હું શું કરું?

પદાર્થોના ખડકલામાં તત્વને હું શું કરું?

.

લપેટી અદ્રશ્યદોરીથી, ફેંકી દીધો ઈશ્વરે

ચકરભમ્મર ઉપાધિમાં, સમત્વને હું શું કરું?

.

ચાલાકી-ચોરી-ફરેબી, હોશિયારી જોઈએ

આ થનગનાટે, આદર્શના જડત્વને હું શું કરું?

.

ખાલી હાથે આવી…મુઠ્ઠી ખોલીને જવાનું છે

ચહેરા-પૈસા-ઈચ્છાઓના મમત્વને હું શું કરું?

.

આટલા આતંક, પાગલપન અને ઘોંઘાટમાં

ખસીયાણાને છોભીલા એ, સ્વત્વને હું શું કરું?

.

(જયંત દેસાઈ)

બોલ હા કે ના

શ્વાસે-શ્વાસે એ જ અવઢવ, બોલ હા કે ના

શું પછી આ ભવ કે તે ભવ, બોલ હા કે ના

.

સાબિતી મારા સળગવાની નથી કોઈ

છે ધુમાડો પણ અસંભવ, બોલ હા કે ના

.

સૂર્ય આળોટ્યા કરે મારી પથારીમાં

રોજનો છે આ અનુભવ, બોલ હા કે ના

.

તારા દરિયાઓ એ તારું નામ બોળ્યું છે

મારું આ રણ મારું ગૌરવ, બોલ હા કે ના

.

તારું હોવું કે ન હોવું બેઉ સરખું છે

એ જ માતમ એ જ ઉત્સવ, બોલ હા કે ના

.

( ભાવેશ ભટ્ટ )

ડગમગાવી જાય

એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,

જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.

.

કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,

ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.

.

જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,

સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.

.

ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,

જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.

.

માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ

કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !

.

ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,

બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !

.

( બેજાન બહાદરપુરી )