બુદ્ધના સ્મિત જેવો – સુરેશ દલાલ

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

બારી-બારણાં આપમેળે ખૂલી જાય છે.

સૂર્યનાં અનાક્રમક કિરણો ચૂપચાપ

પ્રવેશે છે શાંત-પ્રશાંત દિવસની અદબ જાળવીને.

 .

બહાર બગીચામાં જોઉં છું તો

મહાવીર, સોક્રેટીસ અને થોરો પણ

મૌન ધારીને બેઠા છે

રાબિયા, લલ્લેશ્વરી અને ગાંધીજી

અને આઇન્સ્ટાઈન એકમેકના એકાન્તની ઇજ્જત કરે છે.

 .

નરસિંહની કરતાલ અને મીરાંનાં ઘૂંઘરું

અરસપરસ સંવાદ કરે છે નીરવ આંખે.

રાતના આગિયાનું તેજ અને પતંગિયાની પાંખ

નરી નમ્રતાથી આપ-લે કરે છે ફૂલની સુગંધની.

 .

રાત્રિના અંધકારના બોધિવૃક્ષ તળે

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

 .

( સુરેશ દલાલ )

શ્વાસ તો – પુષ્પા ભટ્ટ

શ્વાસ તો લેવાય છે,

પણ હવા કણેકણમાં છૂટી પડતી અનુભવાય છે અને સમજાય છે કે,

હવા પરમાણુઓની બનેલી છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ શતસહસ્ત્ર ઉત્કંપો લહલહાય છે અને સમજાય છે કે,

રોમ શિરીષ ફૂલના રેસાના બનેલા છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ શ્વાસ સાથે પલકોનું તારામૈત્રક રચાય છે અને સમજાય છે કે

સ્નેહ કૂંણાકૂંણા બિસતંતુઓનો બનેલો છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ બ્રહ્માના કોટિ કોટિ યુગો ક્ષણાય છે અને સમજાય છે કે,

સમય અમૂર્ત વિભાવનાનો બનેલો છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ બટકણી પેન્સિલની જેમ દેહ વ્હેરાય છે અને સમજાય છે કે,

‘બોધિ’ પરમ લયનું બનેલું છે.

 .

( પુષ્પા ભટ્ટ )

એક દિવસ – સુરેશ દલાલ

એક દિવસ એવો ઊગશે

કે જ્યારે હું ભૂલી ગયો હોઈશ :

મારું નામ, સરનામું અને

મારાતમારા સૌના

ટેલિફોન નંબર.

 .

એક દિવસ એવો ઊગશે

કે તમારી આંખ સામે

મારો ચ્હેરો તરવરશે

તમારી સ્મૃતિમાં રમતા હશે

મારા અવાજના પડઘાના

પડછાયાઓ.

 .

એક દિવસ એવો ઊગશે

કે જ્યારે હું સવારનું અજવાળું થઈને

તમારા ખંડમાં પ્રવેશીશ

અને સાંજને સમયે

નીકળી જઈશ ચિરપરિચિત હવાની જેમ

તમારી જ બારીએથી

અને ક્યાંક શિખર પર જઈને

ઠરીશ ન ઠરીશ

અને ફરી પાછો ફરીશ

કોઈ સવારે અજવાળું થઈને.

 .

( સુરેશ દલાલ )

ડાયરી – સંજય છેલ

Diary

.

રોજ સાંજ પડે

ડૂમો ચઢે ગળામાં,

ને દિવસ આખો

જેમ તેમ વીતી જાય સઘળામાં…

 .

પોસ્ટર પર નામ શોધતી આંખો, આયનાથી આંખ મેળવતા ડરે છે.

સેન્સ ઓફ હ્યુમરની ગાય ઠેરઠેર ફરે છે, જે મળે તે ચરે છે…

 .

રોજ સાંજ પડે ડૂમો ચઢે ગળામાં,

ને દિવસ આખો જેમતેમ વીતી જાય સઘળામાં…

 .

મરેલા બાળકની લાશ ઊંચકીને કાર પાસે ભીખ માગતી સ્ત્રીને હું શું આપું ?

બેમાંથી કોણ વધુ લાચાર, હું કે એ ? બસ એ જ હું ચૂપચાપ માપું !

 .

આંખોમાં બુઝાયેલી લાચારીમાં લાશ પ્રગટાવવાની ગરમી નથી…

સમયથી વધુ કોઈ જાણતલ કે કોઈ મરમી નથી.

 .

મસાજપાર્લરના ફોન નંબરોમાં છુપાયેલ શૃંગારશતકના અર્થઘટનને સમજવા કોઈ ભર્તૃહરિ ભટકે છે શહેરના શ્વાસની ગલીગલી

જિંદગી, સંતાતા છુપાતા સુપારી કીલરની જેમ હાંફે છે રોજેરોજ ખાલીપીલી.

 .

એરપોર્ટ પર ચમકતી ડ્યૂટી ફ્રી દુકાનોમાં ઘૂસી જઈને

એકઝાટકે સમગ્ર સુખને ઘટાઘટ પી લેવાની હવસ પણ હવે તો થાકી ગઈ છે.

છંદ-લય-અર્થની FIXED DEPOSIT પડીપડી ક્યારનીય પાકી ગઈ છે…

 .

TVના REALITY SHOW જેવી ભ્રામક લાગતી…

બદલાતી ઘટાટોપ ઘનઘોર ઘટનાઓમાંથી હેબતાઈને

અચાનક ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’-

વાળી અનુભૂતિમાં પણ હવે નવાઈ કે ડર કે રોમાંચ કે વિરક્તિ ય હવે થતી નથી

મારા શબ્દોની લાશ પર રડનારી હવે કોઈ અહીં સતી નથી…

 .

અડાબીડ આવારા શહેરના અવાવરુ રોડ પર

ATM મશીનમાંથી ફટાક દઈને નીકળે છે :

જીજીવિષાના ઈન્સ્ટોલમેન્ટ જેવી કોરીકટાક કરન્સી NOTE…

સત્ય કેવું છે સચોટ !

અખબારની કરુણકથામાંય હવે તો મને દેખાય છે માત્ર COMMERCIAL THOUGHT !

 .

VODKA BACARDIના બે PEGમાં કે

સેક્સી છોકરીના લાંબા LEGમાં

જાન લેવા જીવતર, ફૂટબૉલ બનાવે છે મારી બાકી બચેલી મુગ્ધતા ને…

અહીંથી ત્યાં… અહીંથી ત્યાં… અહીંથી ત્યાં…

 .

ને પછી અચાનક મારું જીવતર, દાંત કચકચાવીને

હચમચાવીને એક લાત મારીને કહે છે :

‘જા… સાલ્લા જિંદગીને કૈદ કરવા નીકળ્યો’તો

યેન કેન પ્રકારેણ, PEN CAN પ્રકારેણ ?

NOW I WILL DO… WHAT I CAN…

ચલ સાંભળ… આ દિવસ તો ગયો સઘળામાં… સાંજે ડૂમો થયો ગળામાં…

અને હવે ફરીથી રાત ઊતરશે આંગણામાં…

ને ફરી બારીમાં ચમકશે…. છલકશે કૈંક ચાંદરણામાં

ને ફરી તું ભૂલો પડીશ તારા શાપિત શમણાંમાં.

ને ફરી તું ભૂલો પડીશ તારા શાપિત શમણાંમાં.

 .

( સંજય છેલ )

શું કરશો ? – પ્રીતમ લખલાણી

બંધ બારી બારણા ઉઘાડી શું કરશો ?

ઘર વિનાની દીવાલ દેખાડી શું કરશો ?

 .

પંખી પાંખો સંકેલી માળે પાછાં ફર્યા !

ઢળતી સાંજે પતંગ ઉડાડી શું કરશો ?

.

ઇંટ ચૂનો ને પથ્થરનું છે દોસ્ત આ નગર

લાગણીના લીલા છોડ ઉગાડી શું કરશો ?

 .

બસ રમવા કૂદવાની છે ઉંમર બાળકની,

એને હથેળીમાં ચાંદ બતાડી શું કરશો ?

 .

સ્વપ્ન સૂતા છે પરોઢે રજાઈ ઓઢીને

‘પ્રીતમ’ ઝાકળભીનો સૂર્ય જગાડી શું કરશો ?

 .

( પ્રીતમ લખલાણી )

તારા હાથની – નલિની બ્રહ્મભટ્ટ

તારા હાથની ઉષ્મા સૂર્યપ્રકાશમાં છે-

હું સૂર્યપ્રકાશમાં નહાઉ છું

 .

તારી રોમાવલીનો કંપ ઘાસમાં છે-

હું ઘાસમાં આળોટું છું

 .

તારા સ્મિતનું માર્દવ પારિજાતમાં-

હું પારિજાતને ચૂસું છું

 .

તારા શ્વાસની હળવાશ પવનમાં છે-

હું પવનમાં ફરફરું છું

 .

પશ્ચિમનો સૂર્ય ઊગાડે છે સ્મૃતિ

હું સૂર્યને કીકીમાં સમાવી લઉં છું.

 .

( નલિની બ્રહ્મભટ્ટ )

શીખ, હૃદય – સોનલ પરીખ

રાતની છાતી પર

ઊગ્યાં છે

સ્વપ્નોનાં કાળાં ગુલાબ

 .

પવનમાં તેની સુગંધની

મીઠી ઘૂઘરી વાગે છે

 .

આકાશમાં

તારાઓની આંખ

ટમટમતું સૂએ છે, જાગે છે

 .

પાંખડીઓ જેવી વાદળીઓ

હલમલે છે આછું

અંધકારના સમુદ્ર પર

 .

આ બધાને

કોઈ સ્મૃતિ કે

સ્વપ્ન સાથે

સાંકળવાની જરૂર નથી.

એ પોતાનામાં પરિપૂર્ણ છે

 .

હે હૃદય,

આ શીખ – ને

ઊઘડી જા

રાતની છાતી પર

કાળા ગુલાબની સુગંધ થઈ.

 .

( સોનલ પરીખ )

લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

ને પ્રસુતા વિશ્વ

આખું થરથર્યું,

હાથમાં પિસ્તોલ સાથે

એક બાળક અવતર્યું !

 .

(૨)

બરાબર તરતાં આવડે

પછી જ

માણસને

ડૂબી મરવાના

વિચારો આવે છે

.

(૩)

મને અડધી રાત્રે

તડકાની તરસ લાગે છે,

અને

બપોરે

મારામાં અંધકારની

ભૂખ જગે છે.

શું કરું ?

 .

(૪)

ચાલી જતી અમાસની

ઝળહળતી પીઠ હું જોતો રહ્યો !

 .

(૫)

બૂચનાં ફૂલો

મેં ઉઘડતાં જોયાં છે

કોઈકની બંધ આંખોમાં !

 .

( કરસનદાસ લુહાર )

હું રહું છું – આહમદ મકરાણી

હું રહું છું હરઘડી મહેમાન થૈને,

ને પછી ચાલ્યો જઈશ આસાન થૈને.

 .

જિંદગી જીવી ગયા એ તો ખરું, પણ

કેટલું જીવ્યા ખરા ઈન્સાન થૈને ?

 .

કેટલી છે બેરૂખી આ જિંદગીમાં !

કોઈ તો આવો ગઝલ યા ગાન થૈને.

 .

અવસરો છે એક-બે છુટ્ટી ગઝલ શા,

અવસરો ગ્રંથિત મળે દીવાન થૈને.

 .

ભીની ઝરમર હરક્ષણે ભીંજવી રહે,

મેઘ-વર્ષા થૈ રહે તોફાન થૈને.

 .

( આહમદ મકરાણી )

પથ્થરોની ટેવ છે – આબિદ ભટ્ટ

પથ્થરોની ટેવ છે  વાગ્યા કરે,

મન ઉપર લેવું નહીં ચાલ્યા કરે.

 .

હોય છે પરિવાર મોટો એમનો,

વૃક્ષ જે પણ ચોતરફ ફાલ્યા કરે.

 .

જિંદગી મારી ગણી ખેતર અને,

આ સમય ત્યાં દર્દને વાવ્યા કરે !

 .

ચાંદની જોવાનો મનસૂબો લઈ,

આંધળો સૂરજ સતત જાગ્યા કરે !

 .

ઘર, કબરને વેંતનું છેટું નથી,

તોય માણસ જોજનો ભાગ્યા કરે !

 .

એક દાડો છોડ તુલસીનો કહે,

સાવ સૂનું બા વિના લાગ્યા કરે !

 .

( આબિદ ભટ્ટ )