![]()
.
પર્સમાંથી
ચાવી કાઢી
બારણું અનલોક કરી
ઘરમાં પ્રવેશવાની
સહજ પ્રક્રિયા…
કદાચ
એક દિવસ
ભરઉજાસમાંય
એવું બને
કે
એ જ ચાવી હોય
એ જ તાળું હોય
એ જ બારણું હોય
તોય
નકુચામાં ચાવી ન ફરે
ને
બારણું ન ખૂલે…?
.
( પન્ના નાયક )
![]()
.
પર્સમાંથી
ચાવી કાઢી
બારણું અનલોક કરી
ઘરમાં પ્રવેશવાની
સહજ પ્રક્રિયા…
કદાચ
એક દિવસ
ભરઉજાસમાંય
એવું બને
કે
એ જ ચાવી હોય
એ જ તાળું હોય
એ જ બારણું હોય
તોય
નકુચામાં ચાવી ન ફરે
ને
બારણું ન ખૂલે…?
.
( પન્ના નાયક )

.
પોતપોતાની કહાણી હોય છે,
એક સરખું ક્યાંય પાણી હોય છે ?
.
સાવ અમથું મન ઊડાઊડ ના કરે,
સ્વપ્નની ચકલી ભરાણી હોય છે.
.
વૃક્ષને મેં એમ કહેતાં સાંભળ્યાં
મૌન સૌથી શ્રેષ્ઠ વાણી હોય છે.
.
મ્હેક ના પરખાય ઘરમાં ક્યાંય, પણ –
આંગણામાં રાતરાણી હોય છે !
.
છેતરાઈને હસે છે જાત પર,
સજ્જનોની એ કમાણી હોય છે.
.
( હેમાંગ જોશી )

.
મેં એક દરિયાને
આંખોમાં સમાવી લીધો છે એટલે,
સતત રોમાંચ અનુભવે છે મારી આંખો;
પણ એમાં દરિયો છે કે તું,
એ હું નક્કી નથી કરી શકતો.
એ દરિયાના ફેનિલ-ફેનિલ મોજાં
મને સ્પર્શે છે, અને-
મારા રોમેરોમ ફૂટી નીકળે છે એ દરિયો.
એ સતત ઘૂઘવે છે મારી ભીતર,
પણ બહાર છવાયેલું રહે છે મૌન…!
હવે આ દરિયો લઈને આવું છું તારી પાસે,
અને એને ઢોળી દઈશ તારી ઉપર,
પછી, પછી તુંયે થઈ જઈશ દરિયામય;
અને હું ફરી એકવાર ખાલીખમ્મ…
અને ત્યારે,
મારી ભીતર હશે દરિયાનું મૌન;
અને તારામાં હશે એનો ઘૂઘવાટ….
.
( દુર્ગેશ ઉપાધ્યાય )

.
ભીના ભીના ઊજવો અવસર, જાગ્યા ત્યાંથી સવાર સમજી,
બાંધો ઝીણાં ઝીણાં ઝાંઝર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
રડતાં રડતાં કોલાહલની રાવ હજીયે ક્યાં લગ કરશો ?
જીવનને સમજોને જંતર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
પાળ ન તૂટે એની લઈ સંભાળ જતન પણ કરતા રહેજો,
શ્વાસોનું સાચવજો સરવર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
કોઈ અજાણી આંખોના ખૂણે ઊગેલાં આંસુમાંયે,
દેખો આખેઆખો ઈશ્વર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
મનના કાગળમાં માંડેલા નાના મોટા – સાચા ખોટા,
હિસાબ કરજો સઘળા સરભર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
બહારના રંગો ને રાગોમાં તો બહુ અટવાયા બંધુ,
એક નજર પણ નાખો ભીતર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
સાવ સલામત રહેતું હોય તો આસ્થાનું ઓજાર ધરીને,
પ્હેરી લો માળાનું બખ્તર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.
.
( નીતિન વડગામા )
.
સંગોપી મનમાં મીરાંએ માધવની સુગંધ છે,
મરુથલના પવન સંગ એને ક્યાં કોઈ સંબંધ છે,
પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.
.
આછેરા આંજ્યાં છે આંખોમાં શ્યામના ઘેન રે,
નિતનવા ફૂટ્યા છે કંઠમાં વાંસળીના વેણ રે,
શ્વાસેશ્વાસે વહ્યા જે નિશદિન એ નેહ નિર્બંધ છે,
પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.
.
જીરવ્યા ઝુરાપાના ઝેર ધર્યા વેશ જોગનના,
ખીલવ્યા ખાલીપાના રણમાં પ્રદેશ વૃંદાવનના,
અંકાયા રોમેરોમ સ્મરણના વિજોગી અનુબંધ છે,
પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.
.
( અવિનાશ પારેખ )

.
તમે આવો તો વાર્તાય માંડીયે,
મ્હોરાને હળવેથી સરકાવી દઈએ ને ચહેરાનો ફોટો પાડીએ.
.
ભાષાની ભાગોળે શબ્દોના વાડા, ને અર્થોના છીંડા પણ છીંડાને રસ્તે જવાય નહીં,
ઊર્મિઓ ઉર્ફે દરિયાના મોજા, મોજામાં મસ્તી, પણ મસ્તી કંઈ મુઠ્ઠીમાં માય નહીં.
પગની ભીનાશથી પલળેલા રસ્તા પર ટહુકાનો વરઘોડો કાઢીએ.
તમે આવો તો વાર્તાય માંડીયે.
.
મારાથી તારી ને તારાથી આપણી ને આપણાથી સૃષ્ટિ ને સૃષ્ટિની આગળની જાતરા,
સમજણના મેળામાં ઈચ્છાના ટોળાં ને ટોળાંનું વળગણ ને વળગણને કાનો નહીં માતરા.
વિસ્મયના ખુલ્લા ઝરૂખાઓ જેવી આ આંખોમાં ઢોલિયાઓ ઢાળીએ.
તમે આવો તો વાર્તાય માંડીયે
.
( મકરંદ મુસળે )

.
સખી ક્યારેક તો હોંકારો દે !
વિરહણ નારીની જેમ કેમ છો ઉદાસ
તારા હૈયામાં શું છે ઈ કે !
સખી, ક્યારેક તો હોંકારો દે !
.
કાળા ઉનાળાના દિવસો તો ચાર દી’
એમાં મૂંઝાવાનું હોય ના,
એવો ગોરંભાશે ધીંગો અષાઢ, સુખી-
આપણાં જેવું તો હશે કોઈ ના
.
રમઝટ બોલાવશે રાસે રમાડશે
છમ્મલીલા કરી દેશે મે’ !
.
આપણ તો કાયમના સંગાથી, આપણને
આપણાંનો હોયે સહવાસ
ખોળિયાં જુદાં છે બાકી આતમા તો એક,
મારો ધબકારો એ જ તારો શ્વાસ !
.
દુ:ખને પીવાની મજા ઔર છે સૈયર.
છે દુ:ખમાં પણ સુખ : ખબર છે ?
.
( યોગેશ પંડ્યા )

.
ભીનાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં,
લીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.
.
આબોહવા સંબંધની જ્યાં તંગ કાયમ હોય છે,
ઢીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.
.
જ્યાં ધર્મ જેવા ધર્મ નામે રોજ ઘર્ષણ થાય છે,
ચીકાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.
.
અંધાર જ્યાં વરસે સતત ત્યાં આગિયાની હામથી,
દીવાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.
.
નિષ્પ્રાણ થઈને મૂલ્યનિષ્ઠો હોઠ સીવી જાય છે,
તીખાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.
.
( દત્તાત્રય ભટ્ટ )

.
અત્યારે તું નથી
પણ હું તારામય છું.
હું તને જોઉં છું,
તને વિચારું છું,
તને શ્વસું છું….
બસ ! તું જ તું.
તું આકાશ અને હું એક વિહંગ
મારા ઉડ્ડયનની શક્તિ ઉપરાંત છે
તારો વિસ્તાર.
તારો વિચાર
મને એ રીતે મોહિત કરે છે
જેમ પાંખ ખોલીને બેઠેલા પારેવાને
પ્રથમ વર્ષાની લ્હેરખીઓ
પ્રિયે ! તારા મિલનની એક સાંજ
જો એક જિંદગી રચી દે,
તો….
તારી સાથેની એક જિંદગી
કેટલા જન્મો…?
.
( રાજેશ ભટ્ટ )

.
મારી અંદર હું વસું છું
બસ એક ખૂણામાં
બાકી બધી જગામાં
તારો જ વાસ લાગે છે.
દેહ ભલે મારો ગણું
પ્રાણ તારો જ લાગે છે.
મારો શ્વાસ ચાલે છે એવી રીતે
સતત તારું જ સ્મરણ ચાલે છે !
ધરતી પર તું પગ મૂકે ત્યારે
મને મન થાય છે ધરતી થવાનું
જળપાત્ર તું હોઠે ધરે તો
મન થાય છે જળ થઈ જવાનું !
તું કંઈક બોલે છે ત્યારે
મન થાય છે શબ્દ થઈ જવાનું !
દુનિયા સાથે આમ તો
મારે જૂની અદાવત
ફક્ત તારા જ લીધે મને
દુનિયા વહાલી લાગે છે !
તને ચાહું છું હું મને ચાહવા ખાતર
મને ચાહું છું હું તને ચાહવા ખાતર !
.
( ભૂપત વડોદરિયા )