જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા

ઊજળી એવી પૂર્ણિમાની

ચન્દ્ર- ધવલ રાતો;

મોરલીમાંનો મન્દ્ર મન્ત્ર

ગગનભર છવાતો;

પાર ને અપાર બેઉ છે ભેરુ, ક્યારથી તે કોણ જાણે?

રોજ નિહાળી ખેલના, હોંશે નવલાં એ’વાં ગાને.

ક્ષણમાં કને, ક્ષણમાં જાણે દૂર!

મળવું અને ઝૂરવું-

રતિરમણા કેરાં

વ્હેણનાં આવે પૂર.

બન્ને આરે અડધા ખૂલ્યા વેણના પડે પડઘા માધા માધા.

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા.

( રાજેન્દ્ર શાહ )

ઉંબરે બેઠા છીએ-‘રાઝ’ નવસારવી

આંખમાં આદર લઈને ઉંબરે બેઠા છીએ

નેહનો સાગર લઈને ઉંબરે બેઠા છીએ


આમ તો વાતો અમરતાની કરો છો, ઠીક છે

જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ


સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે

ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ


સાંજટાણું છે કોઈ આવે તો મહેણું ટળે

ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ


કોઈ મરમી આંખમાં છે એટલી આરત રહી

ફક્ત અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ


આ ફકીરી જિંદગી પણ જોવા જેવી ચીજ છે

’રાઝ’ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ


( ‘રાઝ’ નવસારવી )

મજા શી-રિષભ મહેતા

આભ જો વરસી પડે ; એમાં મજા શી?

સામટું કંઈ પણ મળે ; એમાં મજા શી?


અર્ચના હો, યાચના હો, હો બળાપો

જો દુઆ તુર્ત જ ફળે ; એમાં મજા શી?


એક દીવો હોય ખૂણામાં સળગતો

સો સિતારા ઝળહળે ; એમાં મજા શી?


હોય તારે ઘેર પણ અજવાસ એનો,

દીપ મારે ત્યાં બળે ; એમાં મજા શી?


થાય તો કર ભોંય ભેગી આ દીવાલો

એક બે ઈંટો પડે ; એમાં મજા શી?


કો’ક પોતીકું ય થઈ જાયે પરાયું

દુશ્મનો કેવળ છળે ; એમાં મજા શી?


હું તને શોધ્યા કરું ; શોધ્યા કરું બસ

સહેજમાં જો તું મળે ; એમાં મજા શી?


( રિષભ મહેતા )

શા માટે?-પીયૂષ પાઠક

પણછ ચડાવેલ ધનુષ્ય પેઠે

આપણા સંબંધો,

ને પણે, ફફડતું પંખી

મારી લાગણીઓનું.

ઊડી જવાને તો આખ્ખુંય આભ

પડ્યું છે સામે છતાંય,

પણછ ચડાવતી તારી આંગળીઓના

સ્પર્શનો આટલો તલસાટ શા માટે?


( પીયૂષ પાઠક )

સપનામાં પણ ભલેને-સાહિલ

સપનામાં પણ ભલેને ઝુકાવી નજર મળ્યાં

સંતોષ છે એ વાતનો કે મારે ઘર મળ્યાં


આ માર્ગના વળાંક શું જાદુઈ નીકળ્યા

પાછળ રહી જનાર લ્યો! આગળ ઉપર મળ્યાં


આખર સુધી એ વાત તણો વસવસો રહ્યો

વર્ષો પછે મળ્યાં પરંતુ મન વગર મળ્યાં


અંગતપણાનો અંશ ઉમેરી શક્યાં નહીં

બાકી રિવાજ જેમ તો આઠે પ્રહર મળ્યાં


’સાહિલ’ પ્રણયના પંથની શું વાત ન્યારી છે

પૂછ્યા ખબર તમારા તો મારા ખબર મળ્યાં


( સાહિલ )

પામવા તો દે-એસ. એસ. રાહી

તારા ઉદાસ મનમાં મને આવવા તો દે

ઈચ્છાનાં નવાં બીજ મને વાવવા તો દે


આ સ્થિર નદીને થશે રોમાંચનો અનુભવ

તારો રૂમાલ ત્યાં મને ફરકાવવા તો દે


છે યજ્ઞ પ્રણયનો અને માગે છે આહુતિ

ખોટા અહમના કાષ્ઠને પધરાવવા તો દે


મસ્જિદથી મિનારા સુધી ઝળહળ થશે બધું

મીણબત્તી ઈબાદત તણી પ્રગટાવવા તો દે


રણ ને હરણ-ઉભયની પછી લાજ રહી જશે

ખોબો ભરીને મૃગજળો ઉઘરાવવા તો દે


હું તરબતર નમાઝમાં થઈ જાઉં, એ પહેલા

’રાહી’ના અકળ મનને કશુંક પામવા તો દે


( એસ. એસ. રાહી )

કોઈને કહેશો નહીં-ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને કહેશો નહીં,

હું મને ના ઓળખાયો, કોઈને કહેશો નહીં.


આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,

મેં અભણ એને ગણાવ્યો, કોઈને કહેશો નહીં.


શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી,

ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં


બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,

જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.


આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,

જાતમાં તું ભેરવાયો, કોઈને કહેશો નહીં.


એક વેળા ઈશ્વરે પૂછ્યું તને શું જોઈએ?

માગવામાં છેતરાયો, કોઈને કહેશો નહીં .


( ગૌરાંગ ઠાકર )