ખ્વાબમાં આવી શકું ? આપો રજા
લાગણી વાવી શકું ? આપો રજા
.
બોલવાની ના ભલે પાડો તમે
મૌન બિછાવી શકું ? આપો રજા
.
જામના બે ઘૂંટ જો આપો તમે
પ્યાસ બુજાવી શકું ? આપો રજા
.
જિંદગી શું ચીજ છે આ પ્યારમાં
મોત બોલાવી શકું ? આપો રજા
.
( જગદીશ વરૂ )
ખ્વાબમાં આવી શકું ? આપો રજા
લાગણી વાવી શકું ? આપો રજા
.
બોલવાની ના ભલે પાડો તમે
મૌન બિછાવી શકું ? આપો રજા
.
જામના બે ઘૂંટ જો આપો તમે
પ્યાસ બુજાવી શકું ? આપો રજા
.
જિંદગી શું ચીજ છે આ પ્યારમાં
મોત બોલાવી શકું ? આપો રજા
.
( જગદીશ વરૂ )
એક દિવસ
બરફને ખૂબ ઠંડી લાગી.
ઠંડીથી એ એટલો ધ્રુજે
જાણે કે એની ભીતર ધરતીકંપ ન થતો હોય.
મેં ધાબળા પર ધાબળા ઓઢાડ્યા
તો પણ કંઈ ન વળ્યું.
મેં એની આસપાસ તાપણું કર્યું.
ત્યારે કૈંક કળ વળી.
.
એક દિવસ
આગને અસહ્ય બળતરા ઉપડી.
નહીં જંપ નહીં ચેન
કેવળ બેચેન.
આગના મોંમાં બરફ મૂક્યો
પણ કૈં કરતા કૈં વળે નહીં.
આગ તો કેવળ અંદરથી બળ્યા કરે
છેવટે મેં એના હોવાની આસપાસ
જળની દીવાલ ચણી
ત્યારે કૈંક કળ વળી.
.
મને ખૂબ મોડે મોડે સમજાયું
કે આ બરફ અને આગ તો
મારી ભીતર
થીજી જતા અને બળતરા અનુભવતા
સુખ અને દુ:ખ જ છે.
.
( સુરેશ દલાલ )
તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,
ખુદનો પડછાયો ઉપાડી, ચાલી નીકળો !
.
કિનારા તોડીને દરિયા ઉમટશે સામટા,
મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો !
.
લ્હેરાતાં ઉગશે ખેતર ત્યાં ઈન્દ્રધનુષનાં,
સૂકી ભોંમાં, સપનાં વાવી ચાલી નીકળો !
.
ચોગરદમ ઘુમશે મોસમ વાસંતી, શોધવા-
ટહુકાઓ કંઠે છૂપાવી ચાલી નીકળો
.
વીંધ્યે રાખો પોતીકાં અઢળક આકાશને,
વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો !
.
( છાયા ત્રિવેદી )
બસ પલળવું એ જ આશય હોય છે
કોઈ પણ આંખો જળાશય હોય છે
.
માત્ર શ્રદ્ધા પર બધો આધાર હોય છે
ક્યાં બધા પથ્થર શિવાલય હોય છે
.
જામ પેઠે ગમ બધા પીતો રહ્યો
જિંદગી જાણે સુરાલય હોય છે
.
શક્યતાનો રોજ તોડું છું બરફ
લક્ષ્ય મારું તો હિમાલય હોય છે
.
ઝંખના પણ ક્યાં સુધી કરવી ઘટે ?
આખરે એની નિયત વય હોય છે
.
( કુમાર જૈમિનિ શાસ્ત્રી )
જટા જો હું બાંધુ તો કૈલાસ લાગે
છતાં જિંદગી કેમ વનવાસ લાગે
.
પુરાતન સમયમાં નવા રંગ ભરવા
કલમ જો ઉઠાવું તો ઈતિહાસ લાગે
.
ભણેલોય માણસ અભણ થઈ ગયો કાં ?
મનોમન વિચારું તો અભ્યાસ લાગે
.
વિખેરી રહ્યો છું ભરમની સમાધિ
મને આ જગત સાવ આભાસ લાગે
.
ઘણીવાર એવુંય લાગે છે મીરાં
લખું તમને કાગળ ને સહવાસ લાગે
.
અણીદાર આસિફ ભલે તીર છોડે
વીંધાતું નથી કંઈ ને ડંફાસ લાગે
.
( મીરા આસિફ )
એક ખોબા જળમાં તરવું ખૂબ અઘરું કામ છે,
ખિસ્સાના ખાલીપે ફરવું ખૂબ અઘરું કામ છે.
.
ટેકરી પર સાથ તારો ના મળ્યો લીલો, અને
ઢાળથી નીચે ઊતરવું ખૂબ અઘરું કામ છે.
.
નાહીને કોરાં થવાની વાતને કોરે મૂકો,
ભીતરે ભીનાં નીતરવું ખૂબ અઘરું કામ છે.
.
છોકરીના મનની વાતો વાવના જેવી જ છે,
વાવમાં ઊંડે ઊતરવું ખૂબ અઘરું કામ છે.
.
આંખ સામે છે સરસ કાગળ, કલમ ને મેજ, પણ
અહીં ગઝલમાં આવી ઠરવું ખૂબ અઘરું કામ છે.
.
( રમેશ શાહ )
ઝાંઝવાંમાં ઝંખનાઓ ખળભળે,
પ્રાર્થનામાં કામનાઓ ખળભળે.
.
રાહ જોતા તત્વને સંકોર, જો !
બીજમાં સંભાવનાઓ ખળભળે.
.
આંસુ છે, વરસાદ જેને માનીએ,
આભમાં સંવેદનાઓ ખળભળે.
.
કોઈને ભેટી કે ચૂમી ના શકે,
જે હૃદયમાં વંચનાઓ ખળભળે.
.
શબ્દને નોખી રીતે હું વાપરું,
શબ્દમાં છે વ્યંજનાઓ ખળભળે.
.
( દત્તાત્રય ભટ્ટ )
લિસ્સી, સુંવાળી, નજાકતભરી, રેશમી સંવેદનો કરતાં
ખરબચડી સંવેદના સાથે જીવવું હમણાં હમણાં મને વધુ ગમે છે.
કરકરાપણાનો પણ એક સ્વાદ હોય છે.
ઢાળ પર જળની જેમ ઢળવા કરતાં
પથ્થરના પગથિયાંનો સ્પર્શ વિશેષ જીવંત લાગે છે.
.
પથ્થર ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય,
ચિત્રવિચિત્ર આકાર ધરાવતા હોય કે અણીદાર હોય
તો પણ મારો પથ્થર માટેનો પક્ષપાત વધતો જાય છે
દરિયાના પહાડ જેવા મોજાંની જેમ અથવા
દરિયા વચ્ચેના અડીખમ, નક્કર ખડકની જેમ.
.
આકાશ પાસે ચંદ્ર છે, તારા છે, નક્ષત્રો અને ગ્રહો છે.
પણ આકાશ પથ્થર વિના દરિદ્ર લાગે છે.
એની સરખામણીમાં ધરતી વિશેષ ગર્ભશ્રીમંત છે.
ફૂલ અને પથ્થરને એ અડખેપડખે ધારણ કરી શકે છે.
.
મને પથ્થર ગમે છે, કરું છું એને પારાવાર પ્રેમ
હું પથ્થરને શિલ્પીથી દૂર રાખવા માગું છું
જેથી એની ટાંકણું – હથોડી જેવી નજર
કોઈ પણ મૂર્તિને કંડારે નહીં !
.
( સુરેશ દલાલ )
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય
દિશા દિશામાં મારી આંખો વેરાય,
અને સપનાંઓ શ્યામનાં ઘેરાતાં જાય.
.
આંખ સામે ઊગે છે કદંબનું ઝાડ
અને આંખો આ યમુના થઈ વ્હેતી,
એક પછી એક ગોપી આવે ને જાય
ને મને કહેવાનું કંઈ નથી કહેતી.
મૌન એવું કે શબ્દો પણ વ્હેરાતા જાય
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.
.
વાંસળીના સૂર તો એવા નિરાકાર
પણ તારો આકાર નહીં ઓળખી શકું,
તારાથી હું તો એવી ભોળવાઈ જાઉં
પણ મને પોતાને નહીં ભોળવી શકું.
મધરાતે મોરલા પણ ગહેકતા જાય
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.
.
( મનોહરસિંહ જાડેજા ‘રવિપિયુ’ )
સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ
છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ
.
વન બળીને રાખ જેવું થઈ ગયું
હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ
.
રોજ મળનારાં બધાં આવી ગયાં
એક માણસ ખાસ બાકી છે હજુ
.
રેડ જલ્દી જળગઝલ મોમાં જરા
સાવ છેલ્લો શ્વાસ બાકી છે હજુ
.
આખરે પહોંચી જઈશ તારા સુધી
આખરી પ્રયાસ બાકી છે હજુ
.
( ત્રિલોક મહેતા )