આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

samay-ne-sathvare1samay-ne-sathvare12

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સમયને સથવારે(સાયલન્સ પ્લીઝ ભાગ-૨)-ડો. આઈ. કે. વીજળીવાળા

પ્રકાશક: ડો. આઈ. કે. વીજળીવાળા

વિક્રેતા: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૬૦.૦૦

 

 

જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા

ઊજળી એવી પૂર્ણિમાની

ચન્દ્ર- ધવલ રાતો;

મોરલીમાંનો મન્દ્ર મન્ત્ર

ગગનભર છવાતો;

પાર ને અપાર બેઉ છે ભેરુ, ક્યારથી તે કોણ જાણે?

રોજ નિહાળી ખેલના, હોંશે નવલાં એવાં ગાને.

ક્ષણમાં કને, ક્ષણમાં જાણે દૂર!

મળવું અને ઝૂરવું-

રતિરમણા કેરાં

વ્હેણનાં આવે પૂર.

બન્ને આરે અડધા ખૂલ્યા વેણના પડે પડઘા માધા માધા.

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા.

( રાજેન્દ્ર શાહ )

ઉંબરે બેઠા છીએ-‘રાઝ’ નવસારવી

આંખમાં આદર લઈને ઉંબરે બેઠા છીએ

નેહનો સાગર લઈને ઉંબરે બેઠા છીએ


આમ તો વાતો અમરતાની કરો છો, ઠીક છે

જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ


સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે

ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ


સાંજટાણું છે કોઈ આવે તો મહેણું ટળે

ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ


કોઈ મરમી આંખમાં છે એટલી આરત રહી

ફક્ત અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ


આ ફકીરી જિંદગી પણ જોવા જેવી ચીજ છે

રાઝ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ


( ‘રાઝ નવસારવી )

મજા શી-રિષભ મહેતા

આભ જો વરસી પડે ; એમાં મજા શી?

સામટું કંઈ પણ મળે ; એમાં મજા શી?


અર્ચના હો, યાચના હો, હો બળાપો

જો દુઆ તુર્ત જ ફળે ; એમાં મજા શી?


એક દીવો હોય ખૂણામાં સળગતો

સો સિતારા ઝળહળે ; એમાં મજા શી?


હોય તારે ઘેર પણ અજવાસ એનો,

દીપ મારે ત્યાં બળે ; એમાં મજા શી?


થાય તો કર ભોંય ભેગી આ દીવાલો

એક બે ઈંટો પડે ; એમાં મજા શી?


કોક પોતીકું ય થઈ જાયે પરાયું

દુશ્મનો કેવળ છળે ; એમાં મજા શી?


હું તને શોધ્યા કરું ; શોધ્યા કરું બસ

સહેજમાં જો તું મળે ; એમાં મજા શી?


( રિષભ મહેતા )

શા માટે?-પીયૂષ પાઠક

પણછ ચડાવેલ ધનુષ્ય પેઠે

આપણા સંબંધો,

ને પણે, ફફડતું પંખી

મારી લાગણીઓનું.

ઊડી જવાને તો આખ્ખુંય આભ

પડ્યું છે સામે છતાંય,

પણછ ચડાવતી તારી આંગળીઓના

સ્પર્શનો આટલો તલસાટ શા માટે?


( પીયૂષ પાઠક )