એક અરજ – રિષભ મહેતા

બાળકને બાળક રહેવા દો

બચપણ ઉપર હક રહેવા દો

એની રીતે મોટું થાશે

એને માટે તક રહેવા દો… !

 

હું છું સીધો સાદો માણસ,

ચમક દમક રોનક રહેવા દો

થોડામાં પણ હું તો રાજી

આ ખુશીઓ અઢળક રહેવા દો.

 

બમણાવેગે વધીશ આગળ

ટીકા બધી ક્ષુલ્લક રહેવાદો

પ્રશંસકોની સાથે સાથે

સમજદાર નિંદક રહેવા દો… !

 

ચોમાસું આવે ના આવે

આંખોમાંચાતક રહેવા દો

કોઈને તો રસ્તો મળશે

રસ્તામાં દીપક રહેવા દો… !

 

હોય ભલે નાનો કે નબળો

મારામાં સર્જક રહેવા દો…

ગઝલને જોતા ‘વાહ’ કહી દે

એવો એક ચાહક રહેવા દો… !

 

( રિષભ મહેતા )

જાય તો બસ – આબિદ ભટ્ટ

જાય તો બસ ઘર સુધી તું જઈ શકે

પ્રેમ માર્ગે પર સુધી તું જઈ શકે.

 .

ભેજનું મળવું પગેરું જોઈએ

એ પછી સરવર સુધી તું જઈ શકે.

 .

ઠેસ વારંવાર ચૂમે જો ચરણ

આખરે પગભર સુધી તું જઈ શકે.

.

માત્ર હણવાની ધરાવે આવડત

એટલે તો શર સુધી તું જઈ શકે.

.

એક લીલી પાઘડી બાંધું તને

જો કદી તરુવર સુધી તું જઈ શકે.

 .

યત્ન કર પહોંચી જવા તારા સુધી

શક્ય છે ઈશ્વર સુધી તું જઈ શકે.

 .

( આબિદ ભટ્ટ )

 

 

 

એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા

સતત જાગી-જગાડી એ બધાંનું ધ્યાન રાખે છે

સ્વયં દાંડી વગાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ભલે મધરાતના ભૂલા પડ્યા સૌ જંગલોમાં પણ

સમયસર સાદ પાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

નરી સંજીવની જેવું મળ્યું અકસીર એ ઓસડ

દરદ સઘળાં મટાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ઘડીભરમાં જ  આખા બંધ ઘરમાં પ્રાણ પુરાશે

બધી બારી ઉઘાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

યુગોનો થાક ઓગળશે હવે તો એક બે પળમાં

રમત નોખી રમાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

( નીતિન વડગામા )

 

 

હાર-જીત – ગાયત્રી ભટ્ટ

સજન ! તમે છે હુકમનું પાનું

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

કોઈને પણ ખબર પડે ના એવા ખેલનો દાવ બની છું

કદીયે ના રુઝાયે એવા ઉઝરડાનો ઘાવ બની છું

તમે પીડાને પોંખી મારી પાથરિયું છે પુષ્પ બિછાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, અમે તો વજન વિનાના; વાની વાટે વહી જનારા

શ્વાસ તમારા જરી અડે ને અધ્ધર-પધ્ધર શ્વાસ અમારા

અધ્ધર ઊભા શ્વાસો ભેગું જડી ગયું જીવવાનું બહાનું

સજન ! તમે છો હુકમનું પાનું…

 .

સજન, તમારી સંગ અમે તો માંડી બેઠા એવી બાજી

હાર-જીતને સમાન પલ્લે રાખી થાતાં રાજી રાજી

તમે હશો ને અમે હશું તો ભરાઈ જાશે ખાલી ખાનું…!

સજન ! તમે છો હુકમનું પાનું

 .

ખરા જ ટાણે ખરાખરીમાં પડખે ઊભું છાનુંમાનું

સજન ! તમે છો હુકમનું પાનું

 .

( ગાયત્રી ભટ્ટ )

કરીને બંધ – હરીશ પંડ્યા

કરીને બંધ ઘરનાં દ્વાર બેઠા છો તમે શાને,

સહજમાં કેમ માની હાર બેઠા છો તમે શાને.

 .

અરીસો સાવ સૂનો આજ પૂછે છે હવે એવું.,

બનીને આમ નિરાધાર બેઠા છો તમે શાને.

 .

જીવનમાં જીત ને આ હાર બદલાતી રહે કાયમ,

કરો બસ સ્વપ્નને સાકાર બેઠા છો તમે શાને.

 .

પ્રણયમાં જાતને ઓગાળવાનું પણ જરૂરી છે,

સમય તલવારની છે ધાર બેઠા છો તમે શાને.

 .

ફળે છે ભાગ્ય એનું જે કરે છે ચાહ મંઝિલની,

કરો મક્કમ હવે નિર્ધાર બેઠા છો તમે શાને.

 .

( હરીશ પંડ્યા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

.

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં,

જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં !

એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક,

અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક !

ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ;

અમે ગબડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

હતાં જાણતા કે કપટીની કેવી હોય છે પ્રીત,

જશે નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !

થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી,

કરો ભરોસો સઘળાંનો, બસ એક કૃષ્ણને છાંડી !

ઉદ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે

અમે ઝગડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

( વીરુ પુરોહિત )

ભટકવાનાં મળ્યાં – સાહિલ

ભટકવાનાં મળ્યાં બે-ચાર કારણ જિંદગાનીને,

પૂછ્યું છે માર્ગદર્શન માટે જ્યારે કોઈ જ્ઞાનીને.

 .

દુ:ખી ના થાઉં હું-એ કારણે ચહેરો છુપાવે છે,

નથી સમજી શક્યો હું દોસ્તોની ખાનદાનીને.

 .

તમે પંડિતજી હોવાનો પુરાવો તો દઈ દીધો,

ધીરજના લાભ જો સમજાવવા બેઠા જવાનીને.

 .

તમે હાથે કરીને પગ ઉપર મારો કુહાડો કાં,

ન માપો લાગણીના ગજથી ક્યારેય મહેરબાનીને.

 .

પૂરા બ્રહ્માંડને પળવારમાં પલટાવતો ઈશ્વર,

હજી નાથી શક્યો ક્યાં માણસોની બેઈમાનીને.

 .

તમે પોતે જ તો એની હયાતિનો પુરાવો છે,

છતાં શોધ્યા કરો છો શાને ઈશ્વરની નિશાનીને !

 .

ઝીલ્યા છે ઘાવ ‘સાહિલ’ દુશ્મનોના સામી છાતીએ,

અમસ્તો હું નથી દેતો સલામી જિંદગાનીને.

 .

( સાહિલ )

શોધું છું – મનીષ પરમાર

દટાતી રાતની દીવાલ શોધું છું,

હજી અવશેષરૂપે કાલ શોધું છું.

 .

વિરહમાં આથમી છે સાંજ પાછીયે-

ખરીને ક્યાં પડ્યો ગુલાલ શોધું છું.

 .

ઘણા ફૂલો મને પૂછે ચમન અંદર,

ગઈ ક્યાં પાનખરની ચાલ શોધું છું.

 .

ગઝલ જેવું કશું બંધાય બેસે પણ,

હૃદયમાં હું તમારા ખ્યાલ શોધું છું.

 .

મનીષ વરસી પડે આંખોનું ચોમાસું-

છુપાયેલું નજરમાં વ્હાલ શોધું છું.

 .

( મનીષ પરમાર )

આમ જુઓ તો… – સોનલ પરીખ

રાત દિવસના ફરફર ફરકે

કોરા કાગળ બે’ક

નાહક લખવું-ભૂંસવું

અમથી છેકા છેક

 .

આમ જુઓ તો સામે સામે

આમ જુઓ તો દૂર

વળાંક ઊંચા-નીચા-અઘરા

પગ થાકીને ચૂર

વૃક્ષો-પર્ણો, રસ્તા-ચરણો

વચ્ચે કેવા લેખ !

 .

તડકાના ચાંદરણે ચીતરી

ચાંદા કેરી ધૂપ

મારામાં કોઈ બડબડતું

ને કોઈ કરતું ચૂપ

અણઉકલતા અક્ષર વચ્ચે

કરવી કપરી ખેપ

 .

( સોનલ પરીખ )

તું વાત કરમાં – બેન્યાઝ ધ્રોલવી

કેસરી આકાશની તું વાત કરમાં,

સૂર્યના અજવાસની તું વાત કરમાં.

 .

ભાગ્યનું ગણિત ગણી લે જિન્દગીમાં,

એ હિસાબી શ્વાસની તું વાત કરમાં.

 .

ચંદ્ર, વાદળની રજાઈ રાતે ઓઢે,

રેશમી આભાસની તું વાત કરમાં.

 .

જે ફકીરી યાદમાં ફરતો રહે છે,

એ ખુદાના દાસની તું વત કરમાં.

 .

પ્યાસ ગંગા, પ્યાસ ઝમઝમ, જળ પવિત્ર છે,

એક ચમચી પ્યાસની તું વાત કરમાં.

 .

પેન કાગળમાં સળગતી શબ્દલીલા,

એ ગઝલના રાસની તું વાત કરમાં.

 .

દર્દની આજેય અનુભૂતિ કરાવે,

એવા પ્રાસે પ્રાસની તું વાત કરમાં.

 .

( બેન્યાઝ ધ્રોલવી )