તારી સંમોહક નજરનું આકર્ષણ – હેમા લેલે

પ્રિય,

તારી સંમોહક નજરનું આકર્ષણ સાચે જ મારક છે.

કોઈક વાર થાય છે હું છુપાવી દઉં મારી જાતને

તારાથી દૂર.

ખેંચાઈ જાઉં છું હું તારા આકર્ષણના વમળમાં !

પણ હવે આવા ધસમસતા પ્રવાહમાં ખળખળ

વહેતા રહેવાની તેં એવી મોહિની વળગાડી છે કે કિનારે

બેસી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે મારે માટે…

મારા સહવાસમાં તું છેક નિર્બઁધ…

પણ તું જો ક્યારેક મને ટાળીશ તો

જવું ક્યાં ?

આજે તો આ વિચાર જ લાગે છે

આયુષ્યના અંતિમ બિંદુ સમો

કોઈ નવી કેડી ઊઘડશે પણ કદાચ…

પણ આજે તો જીવનના રાજમાર્ગમાં

પ્રત્યેક વળાંક પર ઊભેલો તું જ જોઈએ છે મને !

.

( હેમા લેલે, અનુવાદ : શેફાલી થાણાવાલા )

તમે આવી ગયા ? – કૃષ્ણ દવે

તમે આવી ગયા ? ઘણું સારું થયું,

આંખ્યોનું મન સાવ મોળું હતું,

ચલો એ બહાને થોડુંક તો ખારું થયું !

તમે આવી ગયા ?

.

તમે આવ્યા તો પાંપણમાં ઝળહળ થયું,

જાણે સૂરજનું હોવું એ ઝાકળ થયું,

કોઈ અક્ષર થયું કોઈ કાગળ થયું,

હતું પથ્થર એ પળભરમાં ખળખળ થયું,

તમે ન્હોતા ને એમાં અંધારું થયું !

તમે આવી ગયા ?

.

તમે આવો ઝુરાપો શું કામે સહો ?

તમે આંખ્યોથી અળગા શું કામે રહો ?

હવે આવી ગયા છો તો ધીમે વહો,

જરા માંડીને ભીની બે વાતો કહો,

લ્યો આ કીકીનું ઘર એ તમારું થયું !଒

તમે આવી ગયા ?

.

( કૃષ્ણ દવે )

તારી નજરની – હેમા લેલે

પ્રિય,

તારી નજરની ભાષાઓ ખરેખર અસંખ્ય.

એ જ ભાષા વાપરીને

તું તને જ ઘૂંટતો રહે છે મારા વળાંકો પર.

ને ઉન્માદિત થઈ ઊઠે છે મારું રોમરોમ.

દેહ લયબદ્ધ આવર્તનોમાં વહેવા માંડે છે અને

મન પણ ઘૂમે છે એ જ તાલે.

આપણે વીંટળાઈ વળીએ છીએ એકમેકને અને

જીવને પણ-પાર્થિવથી પરમ સુધીની આ આનંદયાત્રામાં !

ખીલવતાં જઈએ છીએ એક એક સ્પર્શથી જીવનની

કેટલીક અવિકસિત પણ સુગંધી પાંખડીઓ-

પ્રિય… આવે વખતે તારું એક વાક્ય

મને જચી જાય છે કે – ‘એકંદરે જ દૂરથી

પ્રેમ કરવો જરા મુશ્કેલ જ-

પછી એ જીવન પર હોય કે તારા પર !’

.

( હેમા લેલે, અનુવાદ : શેફાલી થાણાવાલા )

વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ

વાલમજીને મળવાની થઈ છે વેળા હવે વાદળી ચંદરવા બાંધુ મધુવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

વૃંદા તે વનમાં મુજને મેલી આઘેરી ઝરમર ઝરમર એવી રાતમાં,

કોણ હવે થાશે મારો બેલી આછેરી ઝળહળ ઝળહળ જેવી વાતમાં,

ભૂલી રે પડી રાસની રમઝટ હેલીમાં જાણે સુગંધ સરે છે ઉપવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

ઝરણાને ઊગે છે આંખ તેના તળમાં પ્રગટે સંગસંગ સૂરના ઉજાસ રે,

હરણાને ફૂટે છે પાંખ એના પળમાં પ્રસરે અંગઅંગ દૂરના પ્રવાસ રે.

ઊછળે છે મન અને ઊડે છે તન માઝમ મધરાતના મદભર્યા બગિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

પાછલા પહોરમાં પાંખા અજવાસમાં કો’ક છેડે છે રાગ સકળ ગુલતાનમાં,

આગલા જનમ કેરા ઝાંખા ઈતિહાસમાં કોણ ખેડે અનુરાગ અકળ ભાનસાનમાં.

ગોધુલિ ગુલાલ ગોરંભાયા ગોકુળિયાની ગમતીલી ગમતીલી ગલિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

( અવિનાશ પારેખ )

સ્માઈલ પ્લીઝ – શ્યામલ મુનશી

પળભર ભૂલી જાઓ રુદનને – સ્માઈલ પ્લીઝ,

ક્યાં કહું છું આખાય જીવનને – સ્માઈલ પ્લીઝ.

.

કેમેરા લઈ એક બગીચામાં હું પેઠો,

કહી દેવાયું ત્યાંય સુમનને – સ્માઈલ પ્લીઝ.

.

તરત પછી તો સરસ મજાની સુગંધ આવી;

જરા અમસ્તું કહ્યું પવનને – સ્માઈલ પ્લીઝ.

.

મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો;

પહેરાવી દો સ્મિત વદનને – સ્માઈલ પ્લીઝ.

.

ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે;

કહ્યું હતું જે ક્ષણે સ્વજનને – સ્માઈલ પ્લીઝ.

.

સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર;

કઈ રીતે કહી શકશો મનને – સ્માઈલ પ્લીઝ.

.

ફોટોગ્રાફર છે ને સાથે ઈમેજ પણ છે;

બેઉ મળીને કહે કવનને – સ્માઈલ પ્લીઝ.

.

( શ્યામલ મુનશી )

કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ?

આંગણું ભેંકાર છે કોણે કહ્યું ?

.

આ હવાની આવ-જાને રોકવા;

ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ?

.

સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ;

ભીતરે અંધાર છે કોણે કહ્યું ?

.

માર પથ્થર માર તો ફળ આપશે;

ઝાડવું દાતાર છે કોણે કહ્યું ?

.

સાવ ખાલી માર્ગ પર દોડ્યો પવન;

હાથમાં તલવાર છે કોણે કહ્યું !

.

( શ્યામ ઠાકોર )

પછી એવું બને – લલિત ત્રિવેદી

પછી એવું બને કે તુંય પણ ખુદા ન રહે !

ખુદા ! તનેય મારા જેટલી તમા ન રહે !

.

પલાંઠી એવી વળે કે કોઈ દિશા ન રહે

ગતિનું એવું શિખર હો કે આવ-જા ન રહે

.

તને જ જોયા કરું ને મને તું જોયા કર…

શું એવું થાય કે દીવાલ મન ત્વચા ન રહે ??

.

તને ન જોઉં તારામાં, મને ન તુંય જુએ

હો પ્રાર્થનાની એવી ક્ષણ કે પ્રાર્થના ન રહે !

.

બધું જિવાઈ ગયું એમ ક્યારે લાગી શકે ?

સફર ન હો… ન સપન હો… અને નિશા ન રહે !

.

( લલિત ત્રિવેદી )

શ્વાસની વચ્ચે – જાતુષ જોશી

શ્વાસની વચ્ચે કળણ શોધું હવે;

હું મરણ પહેલાં મરણ શોધું હવે.

.

રાતમાં જે મ્હેલ છોડી નીકળે;

એ તથાગતનું વલણ શોધું હવે.

.

આ જગાનો હું રહેવાસી નથી;

કૈં અલગ વાતાવરણ શોધું હવે.

.

સૂર્ય આપો તોય એનું શું કરું ?

કોઈ ઝળહળતું સ્મરણ શોધું હવે.

.

હું ક્ષણોમાં ઊતરું ઊંડે સુધી;

ક્ષણ ન હો એવી જ ક્ષણ શોધું હવે.

.

( જાતુષ જોશી )

બધાયથી છૂટો પડીને – અર્જુન બ્રહ્મક્ષત્રિય

બધાયથી છૂટો પડીને સાવ એકલો છું મારા ખંડમાં

અખંડ એકાંતને સાચવીને હું બેઠો છું મારી સાથે

સાંજની હળુ હળુ હવા જેવું મૌન સહજપણે લઈ આવે છે

મારે માટે મધુર મુલાયમ રેશમી રજાઈ જેવો અંધકાર.

બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે

અસ્તિત્વમાં આસપાસ રચાઈ જાય છે એક નીરવ સરોવર.

કમળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ

ગૂંજનને હોઠ પર અટકાવી રાખીને

મારા એકાંતની ઈજ્જત કરે છે

કોઈ અજબગજબની લિજ્જત માણું છું મનના મયખાનામાં

હોશથી બેહોશ થવાની મજા કોઈ ઓર જ હોય છે.

ભાવ-અભાવ-પ્રતિભાવ-પ્રત્યાઘાત-અપેક્ષા-ઉપેક્ષા

કશું જ ક્યાંય પણ નડતું-કનડતું નથી

વાણીથી વિખૂટો પડીને હવે મન સાથે પણ મૂંગો થતો જાઉં છું

અને ગાવાના કેટલાંયે ગીતને અલવિદા કરીને મારામાં વીરમું છું.

.

( અર્જુન બ્રહ્મક્ષત્રિય )

આમ તો મનને – રાજેન્દ્ર શુક્લ

આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું,

પગ મૂક્યા પહેલાં જ સંભાળવા જેવું હતું !

.

ધાર્યુઁ’તું કે પહોંચતાં સ્વાગત થશે, ઉત્સવ થશે,

આપણે આ ભોળપણ ઓગાળવા જેવું હતું !

.

દીપમાળાઓ બધે પ્રગટાવી તેં સારું કર્યુઁ,

પણ પ્રથમ તો આંગણું અજવાળવા જેવું હતું !

.

લે હવે અવ્યક્તનો આનંદ પણ ઓછો થયો,

હોઠ પર આવી ગયું તે ખાળવા જેવું હતું !

.

અર્થ ન્હોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો,

એમને એમ જ બને તો ન્યાળવા જેવું હતું !

.

( રાજેન્દ્ર શુક્લ )