રસ્તાઓ… – દક્ષા વ્યાસ

Road

.

રસ્તા રસ્તા છે

રસ્તાઓ ચાલતા નથી, ચલાવે છે.

રસ્તાઓ દોડતા નથી, દોડાવે છે.

પાછે પગલે ઊડતા પહાડો

ને દોડતાં ઝાડો

ઘરઘરનાં ઝંખવાતાં દ્વારો

ને ડૂબતી તારની વાડો

દેખાડ્યાં કરે છે નિરંતર.

રાજાપાઠમાં

ચત્તાપાટ પડેલા

રસ્તાઓ

ધસમસતી મોટરો બાઈકો બસો ટ્રકોના

ઉઝરડાને ગણકાર્યા વગર

તાક્યા કરે છે ટગર ટગર

ટટાર છાતીએ

માથે ઝ્ળૂંબેલા

અનંત અંતરીક્ષને

હું અન્યમનસ્ક,

ચક્રની ગતિ સાથે ગતિ કરતિં મન

સોરાયા કરે અવિરત

લંબાતા જતા કાળા લિસોટાથી

વીંધાયા કરે ફોકટ.

 .

( દક્ષા વ્યાસ )

બદ્ધ ને બુદ્ધ – ધીરેન્દ્ર મહેતા

હું જ બદ્ધ ને હું જ બુદ્ધ !

કર બાંધીને કરું બંદગી તોય બહાર આ બંદા,

ઓળંગી જઉં અવાજ ગેબી, બજ્યા કરે પડછંદા !

ખળખળ વહેતો અંદર અંદર

લાગું હું અવરુદ્ધ !

 .

પુષ્પ મહીં પુરાઉં હવામાં મુક્ત મહેકના ખેલા,

બિના સોચકે બતલા ઈનમેં સંગી કૌન, અકેલા ?

રણભૂમિમાં ખડો થયો છું:

કોની સામે જુદ્ધ ?

 .

( ધીરેન્દ્ર મહેતા )

વાયડા અક્ષર – હરીશ મીનાશ્રુ

વાયડા અક્ષર ને કાચા આંકડા આવડું મીંડું પચાવી જાઉં છું

ચોપડી ને ચોપડા પાધર થયા, શબ્દનું ઘર હલબલાવી જાઉં છું

.

બારણે તાળું તમે ચીતરી દીધું કાળજે પકવેલ પાકા રંગથી

બાર વર્ષે ઘેર આવું ને તમે ખોઈ બેઠાં છો એ ચાવી, જાઉં છું

.

હું વસંતોના ભરોસે આ ક્ષણે ખૂબ ખોદું છું સ્વયંને ખંતથી

તે પછી ખુદને સમેટી બીજમાં આપના કૂંડામાં વાવી જાઉં છું

.

દશ દિશાઓ હોય જેનો દેશ તે, હોકાયંત્રો શું કરે આ પક્ષીઓ

જ્યાં મૂકું જ્યારે મૂકું હું આંગળી, ધ્રુવનો તારો બતાવી જાઉં છું

.

એક ચપટી સતના નામે, યાદ કર, નાકની દાંડીએ ચાલ્યું’તું કોઈ

આ સબૂરીની ક્ષણે, સાબરમતી, હું તને દર્પણ બનાવી જાઉં છું

.

કોઈને હું ઓળખું ના પાળખું, લેશ ઓળખતું નથી કોઈ મને

આજ હું સરિયામ મક્તામાં અહીં નામ મારું આમ ચાવી જાઉં છું

.

( હરીશ મીનાશ્રુ )

પ્રણયના અંતિમ અધ્યાયનું અંતિમ ગીત – જગદીપ ઉપાધ્યાય

આવ્યાં આવ્યાં રે અસવાર

એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર…

 .

હરખે કેમ હસું રે વિઠ્ઠલા ! હોઠો પર ક્યાં ફૂલ ?

ખોયા આંખોનાં ઝળઝળિયાં મોતીશાં અમૂલ,

ચોખા બદલે વલવલતા લઈ શ્વાસ કરું સત્કાર…

 .

કાયા થઈ ખંડેર; રહી છે આશ ભરેલી આંખ,

ઊતરડાયાં પંખી કમખે પણ ઊડે છે પાંખ,

રાહ નીરખતાં સાજન ! વીત્યા દિવસ ચારેચાર…

.

ફૂલ હીંડોળા મેં ક્યાં માગ્યા ને ક્યાં અંબર મેડી,

સાજન ! આવ્યો એ જ ઘણું છે લે પળ બાથમાં તેડી,

સરગાપરને મારગ જાતાં સૂઈ લઉં થોડી વાર…

.

એક વહે ધરતીથી નભ લગ પ્રીત તણું સંગીત,

ઝાડે, ઝરણે ને સંભળાતાં ઠૂંઠામાં પણ ગીત,

ભીતરની સૌ ભ્રમણા ભાંગી સંધાયો છે તાર…

.

( જગદીપ ઉપાધ્યાય )

ૐ સ્વાહા – જગદીપ ઉપાધ્યાય

છાતીની વેદીમાં કરવાને બેઠા પીડાઓનો હોમ; ૐ સ્વાહા

તરવરતી જોવનાઈ, ઊછળતા શ્વાસો ને થનગનતાં રોમ; ૐ સ્વાહા

.

ઘરબાર બાળીને કીધાં કંઈ ખાખ અને ચોળી છે ભસ્મ એ લલાટે,

જીવતાં જ માંડ્યાં જગતિયાંઓ, પુણ્યદાન કરીએ દીવાનગીને ઘાટે,

સ્વાહા ૐ દુનિયાના ડહાપણ ને ઊંચા રિવાજોનું વ્યોમ; ૐ સ્વાહા

.

વેઠીએ ચાલ દંખ; ફૂલોનો લીધો છે પથ તો શું ઉઝરડા ગણવા ?

આતમને મારીને લાખ મળે સુંવાળાં એવાં શું સુખોને કરવાં ?

આપો હે પ્રેમદેવ ! દર્દો, ને દર્દો સહેવાનું જોમ; ૐ સ્વાહા

.

( જગદીપ ઉપાધ્યાય )

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો

સાદ કરો ના અમને…

.

તમે પવનનું રૂપ બાવરું

પળમાં આવી ઘેરો,

અમે ન લાવ્યાં પાંખ અમોને

ફોગટ લાગે ફેરો,

ઊડવાની રઢ જાગે એવો

સાદ કરો ના અમને…

.

જળના છાંટે જલી જવાનું

પથ્થરને ક્યાં સ્હેલ ?

રણ વચ્ચે અટવાતાં પાને

અમથી સઘળી રેલ,

જાશું કરવત-કાશી હરપળ એવો

સાદ કરો ના અમને…

.

( ઉષા ઉપાધ્યાય )

તૈયાર છું – દિનેશ કાનાણી

ભાર વધતો જાય તારા ભારથી

એટલું રમતો નહીં સંસારથી !

.

એ હદે કિસ્મત સતાવે છે મને

આગ લગે છે હવે ઝબકારથી.

.

એક સાથે તાલીઓ પડતી રહી,

ફૂલ દોર્યું એમણે તલવારથી.

.

કેટલા દુ:ખ દૂર ચાલ્યા જાય છે,

જોગ ને સંજોગના સ્વીકારથી.

.

તું કહે ત્યાં આવવા તૈયાર છું,

તું મને બોલાવજે પડકરથી !

.

.( દિનેશ કાનાણી )

સિવાય શું છે ? – ભગવતીકુમાર શર્મા

હોવું-ન હોવું મારું પિંજર સિવાય શું છે ?

પંખીને પીંછે પીંછે કળતર સિવાય શું છે ?

.

માનો તો આ હયતી ઈશ્વર સિવાય શું છે ?

મનો નહીં તો કેવળ સિવાય શું છે ?

.

મોતીની સાથે એને સરખાવી પણ શકો છો,

ને આમ અશ્રુબિન્દુ ઝરમર સિવાય શું છે ?

.

સૂરજની સાથે ઊગે, સૂરજની સાથે ડૂબે !

પડછાયાની આ દુનિયા હરફર સિવાય શું છે ?

.

ફૂલોનું આ મહેકવું બે-ચાર પળની ઘટના;

એની સુગંધ આખર અત્તર સિવાય શું છે ?

.

ખંખેરતા રહો જો ઊજળી એ ચાંદનીશી;

આ જિન્દગી કબીરી ચાદર સિવાય શું છે ?

.

એ વાત છે જુદી કે રસ્તો કપાતો રહે છે:

બાકી સફર આ આખી ઠોકર સિવાય શું છે ?

.

( ભગવતીકુમાર શર્મા )

ખતરનાક છે – ભાવેશ ભટ્ટ

હોય કાયમની રાહત, ખતરનાક છે !

આ તમારી મુસીબત ખતરનાક છે !

.

ગાલ બીજો ધરે વાત પતતી નથી,

એક તરફી શરાફત ખતરનાક છે !

.

આમ ઈશ્વરમાં કંઈ ખાસ વાંધો નથી,

ફક્ત બેચાર બાબત ખતરનાક છે !

.

પ્રેમથી આ તિરાડોનો સ્વીકર કર,

દર્પણોની મરમ્મત ખતરનાક છે !

.

ક્યાંકની ચિઠ્ઠિ દે ક્યાંક, હાથે કરી !

એ કબૂતર તો સખ્ખત ખતરનાક છે !

.

( ભાવેશ ભટ્ટ )

ચાલતા રહીએ સતત – કિરણસિંહ ચૌહાણ

માણવા જેવી સફર છે, ચાલતા રહીએ સતત,

આપણી ગમતી ડગર છે, ચાલતા રહીએ સતત.

.

રાહ જોતી એક નજર છે, ચાલતા રહીએ સતત,

એની આ સઘળી અસર છે, ચાલતા રહીએ સતત.

.

પગલે પગલે થાકને બદલે મળે આરામ જ્યાં,

જાણે આખો રસ્તો ઘર છે, ચાલતા રહીએ સતત.

.

આટલે ઊંચે જવાનો અર્થ સમજ્યા કે નહીં ?

આપણું બહુ ઊંચું સ્તર છે, ચાલતા રહીએ સતત.

.

શ્વાસનો એક જ વિસામો કેટલો ભારે પડે,

જિંદગી બહુ માપસર છે, ચાલતા રહીએ સતત.

.

( કિરણસિંહ ચૌહાણ )