વોટર કનેકશન-દિનેશ દેસાઈ

તમારા સમ

મારો જળસ્ત્રોત ખૂટી ગયો છે

વોટર કનેકશન મેળવવાનો

કરાર કરવા હું

આવ્યો છું-

તમારી પાસે.


( દિનેશ દેસાઈ )

…તો ચાલશે-પ્રણય જામનગરી

રંગમાં રાતો હશે તો ચાલશે

દૂરનો નાતો હશે તો ચાલશે

કોયલ ક્યાં અહીં ટહૂકે જ છે?

દોસ્ત, તું ગાતો હશે તો ચાલશે

તું ઉજવ પર્વો અને મારે અહીં

વિરહની વાતો હશે તો ચાલશે

ખુશ્બુ સહુના ભાગ્યમાં નથી હોતી

વાયરો વાતો હશે તો ચાલશે

પ્રેમનો દુષ્કાળ છે અહીંયા પ્રણય

પ્રેમની વાતો હશે તો ચાલશે

( પ્રણય જામનગરી )

તમન્ના-હર્ષદ ત્રિવેદી

મેં સતત અજવાસની

તમન્ના કરી એ મારી ભૂલ હતી

હું સતત અજવાસની

તમન્ના કરું છું એ મારી ભૂલ છે

હું સતત અજવાસની

તમન્ના કરતો રહીશ એ મારું વચન છે!

( હર્ષદ ત્રિવેદી )

HANGOVER-ગુણવંત શાહ

તરડાઈ ગયેલી સાંજે

શહેરની લથડતી હવામાં

ઠોકર ખાતી ગુમનામ સડક પર

વિખૂટો પડેલો હું

લાલલીલીપીળી

ટ્રાફિક લાઈટોના આટાપાટા વટાવીને

મારા ફ્લેટ પર પહોંચું છું

ત્યારે

બારણા પરની

નેઈમપ્લેટ પર ધૂળ જામેલી હોય છે.

ઘરમાં

રેડિયોસેટ છે;

ટીવીસેટ છે;

ટીસેટ છે;

ડિનરસેટ છે;

માત્ર

એક હું જ

અપસેટ છું!

( ગુણવંત શાહ )

ફોન કરજે…!-રિષભ મહેતા

સૂરજ આથમે તો તરત ફોન કરજે…!

કશું ટમટમે તો તરત ફોન કરજે…!

બધા અણગમા ને બધી ચીઢ વચ્ચે-

કશુંક પણ ગમે તો તરત ફોન કરજે…!

મને કોઈ ગમતું નથી આ જગતમાં-

તને જો ગમે તો તરત ફોન કરજે…!

કદી કોઈ સપનાની હત્યાને દેખી

હ્રદય કમકમે તો તરત ફોન કરજે…!

હું ત્રાસી ગયો છું સખત કોલાહલથી

કશું છમછમે તો તરત ફોન કરજે…!

પ્રણયની હજી તો શરૂઆત છે આ

એ ઊભરો શમે તો તરત ફોન કરજે…!

હિમાલય છે એ હું ય જાણું છું કિન્તુ-

કદી એ નમે તો તરત ફોન કરજે…!

કદી અશ્રુ પણ રક્તબિન્દુની જેમ જ-

નયનમાં ઝમે તો તરત ફોન કરજે…!

( રિષભ મહેતા )

એક પંખી-મંગળ રાઠોડ

એક પંખી

ઊડીને

જઈ બેઠું

દૂરના એક ઝાડ પર

ને સમજાઈ ગયો મને

આપણો સંબંધ!

કેટલું સ્વાભાવિક હોય છે

એક પંખીનું ઊડી જવું!

એ ન ઊડી જાય

તો જ  લાગે નવાઈ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

તું રડે છે?

જો ઊડીને

આવી રહ્યું છે દૂરથી

એક પંખી બીજું

તારી તરફ.

થાય છે હવે તું ખુશ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

હજીય ક્યાંક કોઈક રડે છે….!

( મંગળ રાઠોડ )

જોયા કરું-જગદીશ ભટ્ટ

ઊઘડે છે દ્વાર ભીતર બહાર જોયા કરું!

તેજનો અંબાર અપરંપાર પણ જોયા કરું!

આગળા સહ ભોગળો ને સાંકળો તૂટ્યા કરે,

વા-ઝડીનો વેગ પારાવાર પણ જોયા કરું!

કોણ આવીને ટકોરે બારણાં મધરાતનાં,

ના મળે કો ચિહ્ન કે આધાર પણ જોયા કરું!

વાદળી આકાશમાં સરતી ભલે, વરસી નથી,

ભીતરે વરસાદ અનરાધાર પણ જોયા કરું!

તાલમાં બેતાલ એવા કાફલાની સાથમાં,

ના મળે સંવાદનો વેવાર પણ જોયા કરું!

થાક્યો નથી પણ થાકવાની વાતથી માહેર છું,

પંથની પાછી ફરે રફતાર પણ જોયા કરું!

તંતને તોડ્યા પછી બસ તાંતણે લટકી રહે,

જિંદગીઓ એ જ છે અણસાર પણ જોયા કરું!


( જગદીશ ભટ્ટ )

હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી

હાથની ક્ષિતિજમાં

ડૂબતી જોઉં છું

સ્પર્શની સંધ્યા

સ્મૃતિની ગોધૂલી ઊડતી હોય છે

પાદરના અરીસામાં

દોસ્ત,

કેટલીક યાદો આંસુ બનીને

ટપકતી હોય છે

ટેરવાંની આંખમાંથી.


( અબ્દુલ ગફાર કાજી )

અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા આરંપાર:

આવો રે આવો હો જીવણ આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ-આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર:

આવો રે આવો હો જીવણ આમના.

અમે એ ઊધઈ-ખાધું ઈંધણું,

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી,

આપો અમને અગનના શણગાર:

આવો રે આવો હો જીવણ આમના.


( મકરન્દ દવે )